સુરત: (Surat) સુરત શહેરમાં નોરતામાં ગરબાના (Garba) નામે પાસ કે ફૂડ પ્રોડકટ (Food Product) ઉપર બમણી રકમ વસૂલી લૂંટફાટ મચાવનારા આયોજકો સામે તોલમાપ વિભાગે કામગીરી શરૂ કરી છે. નવરાત્રીના આલિશાન પંડાલો બાંધી ધંધાદારી પ્રવૃતિ કરી રહેલા આયોજકો ઉપર તોલમાપ વિભાગ ત્રાટક્યું છે. પંડાલોમાં બનાવવામાં આવેલા સ્ટોલ (Stall) પર કોન્ટ્રાક્ટર દ્વારા પાણી, ઠંડા પીણા સહિતની ખાદ્ય પ્રોડક્ટ પર એમઆરપી કરતા વધુ ભાવ વસુલતા 19 જેટલા એકમો સામે સુરત તોલમાપ વિભાગ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યા છે.
- ગરબા આયોજકોના ડાંડીયા ડૂલ ! તોલમાપ વિભાગે છાપેલી રકમ કરતા વધુ રૂપિયા પડાવતા 19 સામે કેસ
- ખેલૈયાઓને ખંખેરી રોકડી કરનારા સામે દર્શન નાયકની ફરિયાદ બાદ તોલમાપ વિભાગે કાર્યવાહી કરી
- ખેલૈયાઓને ખંખરી રોકડી કરનારા સામે દર્શન નાયકની રજૂઆતો લેખે લાગી
નવરાત્રીના તહેવાર નિમિત્તે સુરત શહેરમાં અનેક મોટા કોમર્શિયલ આયોજન કરવામાં આવ્યા હતા. આયોજકો દ્વારા પંડાલમાં ખાણી પીણી માટે કોન્ટ્રક્ટ પર સ્ટોલ આપવામાં આવ્યા હતા. સ્ટાલધારકો દ્વારા ખેલૈયાઓને ખંખેરી રોકડી કરી ગેરલાભ ઉઠાવીને ખાણી-પીણીની વસ્તુમાં એમઆરપી કરતા બમણા કે તેથી વધુ ભાવ વસુલવામાં આવ્યા હતા. આ અંગે કોંગ્રેસ અગ્રણી દર્શન નાયક દ્વારા મદદનીશ નિયંત્રણ અધિકારી કાનૂની તોલમાપ વિભાગમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ હવે રંગ લાવી છે. તોલમાપ વિભાગે આ ફરિયાદને ધ્યાને લઇને તપાસ કરીને એમઆરપી કરતા વધુ નાણા વસુલતા 19 જેટલા એકમોને પકડી પાડી તેમની સામે ધી લીગલ મેટ્રોલોજી એક્ટ 2009 તથા ધી ગુજરાત લીગલ મેટ્રોલોજી એક્ટ 2011 અને કોમોડીટીઝ એક્ટ હેઠળ કેસ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.