SURAT

સુરતમાં ગણપતિ વિસર્જન માટે હજીરા ઓવારે 12 ક્રેઇન લાઇનસર ગોઠવી દેવાઈ

સુરત: (surat) શહેરના હજીરાના દરિયા કાંઠે ગણપતિ વિસર્જન (Ganesh Visarjan) માટેની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. પાંચ ફૂટથી વધુની ઊંચાઇ ધરાવતી મૂર્તિઓનું દરિયામાં વિસર્જન માટે ૧૨ જેટલી ક્રેઇન (Crane) લાઇનસર ગોઠવી દેવામાં આવી છે. દર વર્ષની માફક આ વખતે પણ હજીરાના દરિયા કિનારે ગણેશ વિસર્જન માટેની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. રાધેકૃષ્ણા ગ્રુપ દ્વારા વિસર્જન કામગીરી કરવામાં આવશે. આ અંગે મંડળના મુકેશ સોનીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં આવેલી કંપનીઓના સહયોગ તેમજ સતીશ પટેલ, સંજય પટેલ, ધર્મેશ પટેલ અને ધર્મેન્દ્ર પટેલે તૈયારીઓમાં ખડેપગે સેવા આપી છે. ઉપરાંત વિસર્જન માટે ૧૨ જેટલી ક્રેઇન ગોઠવી દેવામાં આવી છે. આ માટે મંડળના ૩૦૦ જેટલા સ્વયંસેવક સેવા આપશે. ખાસ કરીને ક્રેઇન દીઠ ૧૪ જણાની ટીમ બનાવવામાં આવી છે. જે શિફ્ટ પ્રમાણે કામ કરશે. સવારે સાત વાગ્યાથી વિસર્જન શરૂ કરી દેવામાં આવશે. જો કે, ૧૦ કલાકે વિધિવત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં નેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મંગલમૂર્તિનું વિસર્જન માટે કોઇ ફી લેવામાં આવશે નહીં. જ્યારે પાંચ ફૂટ કે તેથી મોટા પ્રતિમાના વિસર્જન માટે નિયત કરેલી ફી વસૂલવામાં આવશે.

ગણેશ વિસર્જનને લઈ મનપાની બસો સવારે 11 સુધી જ ચાલશે
સુરત: શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગો ગણપતિ વિસર્જન યાત્રા દરમ્યાન સવારે 7 વાગ્યાથી ગણપતિજીની મૂર્તિ વિસર્જન કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી મુખ્ય માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે જેથી મનપા દ્વારા બીઆરટીએસ અને સીટી બસ સેવાના સમયમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. 7 વાગ્યાથી મુખ્ય રસ્તાઓ બંધ હોય, સવારે 11 વાગ્યેથી જ બસો બંધ કરી દેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિટીબસ અને બીઆરટીએસ રૂટના કુલ 55 રૂટ છે. જે પૈકી 18 રૂટ સંપુર્ણ બંધ રાખવામાં આવ્યા છે.

વિસર્જન યાત્રાને પગલે 22થી વધુ માર્ગ બંધ રહેશે, પોલીસે રૂટ જાહેર કર્યા
સુરત: આજે શુક્રવારે અનંત ચૌદશ નિમિત્તે શહેરમાંથી 68 હજાર ગણેશ પ્રતિમાઓની વિસર્જન યાત્રા નીકળવાની છે. સુરત શહેર પોલીસ દ્વારા કેટલાંગ માર્ગો બંધ કરાયા છે, તો કેટલાંક માર્ગોને વાહનો માટે ચાલુ રાખવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમન સરળતાથી થાય અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન 9મી સપ્ટેમ્બરના સવારે 7થી કયા રસ્તા ખુલ્લા રહેશે અને બંધ તેના રૂટ જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પછી આ વખતે ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહ પૂર્વક કરવામાં આવી રહી છે. દર વર્ષ કરતા ચાલું વર્ષે શ્રીજીની વિસર્જન યાત્રામાં પ્રતિમાઓ પણ વધારે નીકળશે. એટલે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત છે. સાથે જ લોકોને વાહન ચાલકોને અગવડ નહી પડે તે માટે ટ્રાફિક વ્યવસ્થાઓને લઈને પોલીસ દ્વારા વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આજે આ રસ્તા બંધ રહેશે

  • દિલ્હીગેટ ચાર રસ્તાથી ચોકબજાર સુધીનો રાજમાર્ગ.
  • ચોકબજાર ચાર રસ્તાથી મક્કાઈપુલ સર્કલ સુધીનો માર્ગ.
  • ચોક ચાર રસ્તાથી હોપપુલ (નહેરૂબ્રિજ)થઈ શીતલ ચાર રસ્તા સુધીનો માર્ગ.
  • કાંસકીવાડ ચાર રસ્તાથી ભાગળ ચાર રસ્તા સુધીનો રસ્તો.
  • ભાગળ ચાર રસ્તાથી નવસારી બજાર ચાર રસ્તા સુધીનો માર્ગ.
  • ઉધના દરવાજાધી નવસારી બજાર ચારરસ્તા.
  • મક્કાઈપુલથી નાનપુરા ચોકી થઈ અઠવાગેટ તરફ જતો રસ્તો.
  • મક્કાઈપુલથી ગાંધીજીની પ્રતિમા સુધીનો રસ્તો.
  • અઠવાગેટ સર્કલથી બહુમાળી બિલ્ડિંગ થઈ નાવડી ઓવારા.
  • વેસુ ચાર રસ્તાથી વાય જંકશન.
  • અઠવાગેટ એસ.કે. નગર તરફ જતો ડાબી બાજુનો રોડ.
  • એસ.કે. નગરથી ડુમસનો રોડ.
  • હજીરા ઓએનજીસી સર્કલથી સચિનનો રોડ.
  • કુવાડા ત્રણ રસ્તાથી ડુમસ કાદી ફળિયા.
  • ડુમસ લંગરથી ડુમસ મોટી ફળીયું.
  • ડુમસ ઓવારા પર વિસર્જન બાદ ખાલીવાહનો કુવાડા ત્રણ રસ્તાથી પરત આવી શકશે નહીં.
  • સચીન સુડા સેક્ટર વિસ્તારમાં કૃત્રિમ ઓવારા પાસે ઓવારાને અડીને આવેલા સ્ટેટ હાઈવે રોડ ઓવારાથી બંને દિશામાં.
  • લટુરીયા ચોકથી સરથાણા જકાતનાકા.
  • કંથારીયા હનુમાન ચોકથી કોઝવે તરફ જતો રસ્તો.
  • ભરીમાતા મંદિરથી કોઝવે તરફ જતો રસ્તો.
  • જુનું ચંદન ગેસ ગોડાઉનથી કોઝવે તરફ જતો રસ્તો.
  • ગણેશ રત્નમાલા સર્કલથી લંકા વિજય ઓવારાનો રસ્તો.

આજે આ માર્ગો ખુલ્લા રહેશે

  • દિલ્હીગેટ ચાર રસ્તાથી રિંગરોડ
  • સરદાર બ્રિજ, મક્કાઈપુલ તથા જીલાણી બ્રિજથી કતારગામ, રાંદેર, રિંગરોડ અવરજવર કરી શકાશે.
  • કાંસકીવાડની આંતરીક ગલીઓ.
  • નવસારી બજાર ચારરસ્તાથી હનુમાન ચાર રસ્તા, ગોપીપુરા ચોકી, ખપાટીયા ચકલા, ચૌટાપુલથી નાણાવટ, મુગલીસરા.
  • મક્કાઈપુલથી રૂદરપુરા, કાદરશાની નાળ, કૈલાસનગર, વિજયવલ્લભ ચોક, મજુરાગેટ, રીંગરોડ.
  • અઠવાગેટ સર્કલથી રીંગરોડ.
  • વેસુથી વીઆઈપી રોડ આભવા તરફ.
  • એસ.કે. નગરથી અઠવાગેટ તરફનો જમણી બાજુનો રોડ.
  • એસ.કે. નગરથી ડુમસ રોડ પર માત્ર મગદલ્લાનો ટ્રકો જઈ શકશે.
  • હજીરા ઓએનજીસી સર્કલ તરફથી સચિન.
  • ડુમસ મોટી બજારથી લંગર થઈ ડુમસ રોડ.
  • તુલસી હોટલથી નવસારી સચિન.
  • લટુરીયા ચોકથી ભગવાનનગર સોસાયટી થઈ સીમાડા ચાર રસ્તા.
  • સિંગણપોર ચાર રસ્તાથી કંથારિયા હનુમાન ચોકથી ડભોલી બ્રિજ.
  • પંડોળથી ફુલવાડી રોડ થઈ જિલાની બ્રિજ.
  • શારદા વિદ્યાલય તથા જૂના ચંદન ગેસ ગોડાઉન તરફ.

Most Popular

To Top