સુરત: (Surat) અલથાણના યુવકને કુબેર એક્સચેંજની લિંક (Link) મોકલાવી તેમાં અલગ અલગ ગેમ (Game) બતાવી આમાં કોઇ રૂપિયા આપવાના નથી તેવુ કહ્યું હતું. બાદમાં 70 લાખની માંગણી કરી યુવકનું અપહરણ (Kidnapping) કરી પટ્ટા તથા લાકડાના ડંડા વડે મારા-મારી બળજબરીથી 85 હજાર પડાવનાર આરોપીને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો હતો.
- ગોવા ફરવા ગયેલા યુવકને મોબાઈલમાં ગેમ લિંક મોકલી 70 લાખની ઉઘરાણી કરી 85 હજાર પડાવનાર પકડાયો
- સાયબર ક્રાઈમ પોલીસે પરવટ પાટિયાથી કાપોદ્રાના મહેશ ઉર્ફે મુન્નાને ઝડપી પાડી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા
- મુન્નો રાજકોટના સંજયના કહેવા પર યુવક પાસે પૈસાની ઉઘરાણી કરતો હતો
અલથાણ કેનાલ રોડ પર રઘુવીર સીમ્ફનીમાં રહેતા ૩૨ વર્ષીય અખિલ સંજયભાઇ ભાટીયા પરિવાર સાથે ગત 12 માર્ચે ગોવા ફરવા ગયા હતા. નિતીન ચુગ, દિપક ચુગ, આઇશા, મુન્ના રાજા, મનીષ કિશન જીવરજાની, ગૌરંગ, સંજયભાઇ, અમિત નથવાણી તથા બીજા અગિયારેક અજાણ્યાઓએ અખિલ પરીવાર સાથે ગોવા ફરવા ગયો હતો. તે વખતે આઇશાએ તેના મોબાઇલમાં એક કુબેર એક્સચેંજની લિંક મંગાવી હતી. તેમાં અલગ અલગ ગેમ બતાવી આમાં કોઇ રૂપિયા આપવાના નથી, આ ડેમો લિંક હોવાનું કહીને ટાઇમ પાસ માટે ગેમ રમવાનું કહ્યું હતું. જેથી અખિલે તે લિંક મોબાઇલ ફોનમાં ઓપન કરી ટાઇમ પાસ માટે અલગ અલગ ગેમ રમી હતી. આ ગેમ રમવાના બદલામાં 70 લાખની માંગણી કરાઈ હતી. 17 માર્ચે મુન્ના રાજા, મનીષ તથા બીજા એક અજાણ્યાએ સીમાડા નાકા, પટેલ મોટર્સની ગલીમાંથી અખિલને તથા તેના મિત્ર ક્યારવ દરબારને બળજબરીથી સ્કોર્પીયો ગાડીમાં બેસાડી અપહરણ કરી ભટાર વિસ્તારમાં લઇ ગયા હતા.
અખિલ પાસે રૂપિયા માંગતા તેણે આપવાની ના પાડી હતી. જેથી માર મારી ધમકી આપી ન્યુ સીટીલાઇટ ઉપર પપ્પુ ટી સેન્ટર પાસે ઉતારી ગયા હતા. ત્યારબાદ રાતના સાડા અગિયારેક વાગે સાંઇ કેજી બિલ્ડીંગની સામે, અલથાણ ખાતે નિતીન યુગ તથા દિપક ચુગે પાંચેક અજાણ્યાઓને બોલાવી અખિલના કારીગર ધીરજ, શીવમ તથા ધીરજના માસીના છોકરા સાથે પટ્ટા તથા લાકડાના ડંડા વડે મારા-મારી કરી હતી. 18 માર્ચે મુન્ના રાજાએ અખિલને ઓફિસમાં બોલાવી ખીસ્સામાંથી બળજબરીથી 35 હજાર અને પેટીએમમાંથી 50 હજાર મળીને 85 હજાર પડાવી લીધા હતા.
સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી આજરોજ આરોપી મહેશભાઇ ઉર્ફે મુન્નો રાજાભાઇ દુદાભાઇ કળોતરા (ઉ.વ.૩૩, ધધો.વેપાર રહે. ઘર નં.૯૯, રામરાજ્ય સોસાયટી, ગાયત્રી સીતા નગર રોડ, રચના સર્કલ પાસે, કાપોદ્રા તથા મુળ તા.શિહોર જી.ભાવનગર) ની ધરપકડ કરી હતી. અને તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. અખિલને 70 લાખની માંગણી માટે ફોન કરનાર રાજકોટનો સંજય આ મહેશ ઉર્ફે મુન્નાને ઓળખે છે. અને સંજયે જ પૈસાની ઉઘરાણી કરવા સોપારી આપી હતી. સાયબર ક્રાઈમ પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે. વધુમાં મુન્નો કપડાની દુકાન ચલાવે છે.