SURAT

ગઠિયાએ હદ કરી, વેપારીની ક્રેટા કાર લઈ ગયો અને સામેથી 4 લાખ પણ પડાવી લીધા

સુરત: (Surat) પૂણાગામ સીતાનગર ખાતે રહેતા લેસપટ્ટીના વેપારીના (Trader) પરિચયમાં આવેલા પીપલોદના ઠગે ફેમિલીને લઇને બહાર જવાનું હોવાનું કહી ક્રેટા કાર (Car) લઇ ગયા બાદ વેપારીને પરત નહીં કરી ઉપરથી વેપારીને ઇનોવા ગાડી 4 લાખમાં વેચાતી આપવાની વાત કરી 4 લાખ પણ પડાવી લીધા હોવાની ફરિયાદ પૂણા પોલીસ મથકે (Police Station) નોંધાઇ હતી.

  • પીપલોદનો ગઠિયો પૂણાના વેપારીની કાર સાથે રોકડા 4 લાખ પણ લઇ ગયો
  • ફેમિલી સાથે જવાનું કહી ક્રેટા કાર લઇ ગયો અને ઇનોવા વેચવાના નામે ચાર લાખ પણ પડાવ્યા

આ અંગે પૂણા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મુળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઓથા ગામના વતની અને હાલ પૂણાગામ સીતાનગર સોસાયટી વિભાગ-2માં રહેતા દીનેશ સુકલભાઇ લાડુમોર સાડી અને ડ્રેસ ઉપર લેસપટ્ટી લગાડવાનું કામ કરે છે. ધંધાકીય ઉપયોગ માટે તેમણે સને 2018માં હ્યુંડાઇ કંપનીની ક્રેટા કાર લીધી હતી. જેની હાલ 8 લાખ કિંમત થાય છે. દરમિયાન ત્રણ મહિના પહેલા દિનેશભાઇના કૌટુંબિક બનેવી સંજય બીજલ વાઘમશી મારફતે માધવ પરસરામ રૂપચંદાની (રહે. મંગલપાર્ક સોસાયટી, પીપલોદ જકાતનાકા) સાથે વેપારી દીનેશ લાડુમોરનો સંપર્ક થયો હતો. ગઇ તા.2-4-2022ના રોજ માધવ રૂપચંદાનીએ દિનેશ લાડુમોરને ફોન કરીને મારે ફેમિલીને લઇને બે ત્રણ દિવસ બહારગામ જવું છે, તમારી ક્રેટા કાર મને આપશો તેમ કહ્યું હતું.

તેઓની વાત પર ભરોસો કરીને દીનેશ લાડુમોરે તેઓને ક્રેટા આપી હતી. ત્યારબાદ ત્રણ ચાર દિવસ પછી માધવ રૂપચંદાનીએ વેપારીને ફોન કરીને મારે એક કામ આવી ગયું છે અને મારી પાસે એક ઇનોવા કાર 4 લાખમાં વેચાવા આવી છે. તમે મને ચાર લાખ આપી દો ઇનોવા તમારા નામ ઉપર કરી દઇશ તેમ કહીને ચાર લાખ લઇ લીધા હતા. ઇનોવા કારને ભાડે ફેરવવા માટે આપવાનું જણાવી દર મહિને રૂ.20 હજાર ભાડુ આપવાની પણ લાલચ આપી હતી. વિશ્વાસમાં આવી ગયેલા દિનેશ લાડુમોર 4 લાખ પણ ચુકવી દીધા હતા. આમ 4 લાખ રોકડા અને રૂ.8 લાખની ક્રેટા લઇ ગયા બાદ ઠગ માધવ રૂપચંદાનીએ કાર અને રૂપિયા પરત નહીં કરતા અંતે વેપારી દિનેશ લાડુમોરે આ મામલે પૂણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top