સુરત: (Surat) બિલ્ડર જયેશ કેલાવાલા સામે 70 લાખની છેતરપિંડીની (Fraud) ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાંચ ઘરે તપાસ અર્થે પહોંચી તો દોઢ કલાક સુધી પરિવારે ઘરનો દરવાજો ખોલ્યો નહતો. બાદમાં દરવાજો ખોલતા પોલીસ (Police) અંદર પહોંચી તો પુત્ર ડેનીશ હોમથિયેટર રૂમમાં અને બિલ્ડર (Builder) પિતા જયેશભાઈ અગાસીની રૂમમાં છુપાયા હતા. સર્ચ દરમિયાન ઘરમાંથી 1.09 લાખની મોંઘીદાટ દારૂની (Liquor) 28 બોટલો મળી આવતા ક્રાઈમ બ્રાંચે (Crime Branch) પિતા-પુત્રની સામે વધુ એક ગુનો દાખલ કર્યો હતો.
- ઘરમાં સર્ચ કરતા વિદેશી મોંઘીદાટ દારૂની 1.09 લાખની 28 બોટલો મળી આવી હતી
- પોલીસ બિલ્ડરને નોટીસ આપવા પહોંચી તો દોઢ કલાક સુધી દરવાજો નહીં ખોલ્યો
- બિલ્ડર અગાસીની રૂમમાં તો પુત્ર હોમ થિયેટરમાં છુપાઈ ગયો હતો
- દારૂની 28 બોટલો મળી આવતા ક્રાઈમ બ્રાંચે પિતા-પુત્રની સામે વધુ એક ગુનો દાખલ
ક્રાઈમ બ્રાંચે જયેશ ચંદ્રકાંત કેલાવાલા (ઉ.વ.59, રહે.હીના બંગલોઝ, વીઆઈપી રોડ, વેસુ) ની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાંચની ટીમ તેમના ઘરે નોટિસ આપવા માટે ગઈ હતી. ત્યારે સતત દોઢેક કલાક સુધી ડોર બેલ વગાડી છતા દરવાજો ખોલ્યો નહોતો. બાદમાં જયેશભાઈની પત્નીએ દરવાજો ખોલ્યો હતો. આરોપી ઘરમાં હોવાની શંકાએ પોલીસે સર્ચ કરતા ત્રીજા માળે બનેલા હોમથિયેટરમાં જયેશભાઈનો પુત્ર ડેનીશ (ઉ.વ.32) મળી આવ્યો હતો.
ત્રીજા માળની ઉપર અગાસી પર એક લોખંડની જાળીના દરવાજા વાળી નાની રૂમમાં જયેશભાઈ છુપાઈને બેઠા હતા. પોલીસે પિતા પુત્રને પકડી હોમથિયેટર રૂમમાં બનાવેલા કબાટમાં ચેક કરતા દારૂની 1.09 લાખની કિમતની 28 બોટલો મળી આવી હતી. બ્લેક ડોગ, જોવી વોકર, વેટ69, જીમ બીમ બોરબોન સ્ટ્રેઈટ વ્હીસ્કી, પાસપોર્ટ સ્કોચ, સીવાસ રીગલ, હેનનેસી કોગ્નેક વ્હીસ્કી, જેક ડેનીયલ, એબસોલ્યુટ મેન્ડ્રીન વ્હીસ્કી, અને વોડકા, ટીચર્સ હાઈલેન્ડ ક્રીમ બ્લેન્ડેડ, રોયલ સેલ્યુટ, ડેવર્સ વ્હાઈટ લેબલ, ઓલ્ડ મોન્ક, સીક્કીમ ફાયર બોલ્ડ બ્રાન્ડી, બકાર્ડી સુપિરિયર જેવી વિદેશી અને ભારતીય બનાવટની મોંઘી દારૂની બોટલો મળી આવી હતી. આ દારૂની બોટલો બાબતે પુછતા જણાવ્યું હતું કે, પિતા પુત્ર અલગ અલગ સમયે વિદેશ ગયા ત્યારે મુંબઈ એરપોર્ટ પરથી તથા ભારતના અલગ અલગ સ્થળે ગયા ત્યારે ત્યાંથી બોટલો ખરીદી હતી.