ભરૂચ: ધુળેટીના દિવસે નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર જુના સરદાર બ્રિજમાં ભારે વાહનોના પ્રવેશ અટકાવવા લગાડાયેલી રેલિંગમાં પીકઅપ વાનની છત ઉપર બેઠેલા 5 લોકો ભટકાઈ જતા પિતા-પુત્ર સહીત ત્રણના કરૂણ મોત નિપજ્યા હતા.જયારે એક ગંભીર હાલતમાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓ નારેશ્વર દર્શન કરી પરત ફરતા સુરતના પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં એકજ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. બનાવ સંદર્ભે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે અકસ્માતની ફરિયાદ દાખલ કરી મૃતદેહને પોસ્ટમોટર્મ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા.
ઉલ્લેખનીય છે કે જર્જરિત જુના સરદાર બ્રિજ ઉપર ભારે વાહનો ન પ્રવેશે તે માટે એક નિશ્ચિત ઊંચાઈ ઉપર રેલિંગ લગાવવામાં આવી છે. મોડિફાઈ પીકઅપ વાનમાં ડ્રાઇવરની કેબીન ઉપર બેઠેલા લોકો રેલિંગમાં ભટકાઈ જતા મોતને ભેટ્યા હતા.
ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર સુરતમાં રહેતો ધામેલીયા પરિવાર ધુળેટીની રજા હોવાથી નારેશ્વર દર્શન માટે ગયો હતો.પરિવારના કેટલાક સભ્યો પીકઅપ વાનમાં ડ્રાઇવરની કેબિનની ઉપર બેઠા હતા. તા.૦૮/૦૩/૨૦૨૩ના રોજ સાંજના આસરે સાડા સાતેક વાગ્યાના અરસામાં પીકઅપ વાન નં GJ-૦૫,BX-૬૭૯૧ ભરૂચ નજીકથી પસાર થઇ હતી. પીકઅપ વાનના ચાલાક કેશભાઇ રાઘવભાઇ માંગુકીયાને નેશનલ હાઇવે ઉપર જુના સરદાર બ્રિજના છેડે ભારે વાહનોના પ્રવેશ અટકાવવા લગાડવામાં આવેલ રેલિંગનો અંદાજ ન રહેતા તેમણે પુરપાટ ઝડપે આ રેલિંગ તરફ ગાડી હંકારી હતી. કેબિનની ઉપર ૫ જેટલા લોકો બેઠા હોવાનુું તેણે ધ્યાનમાં રાખ્યા વિના રેલિંગમાંથી ગાડી પસાર કરી દીધી હતી.
આ બેદરકારીના કારણે કેબીન ઉપર બેઠેલા રમેશભાઇ હરજીભાઇ ધામેલીયા(ઉ.વ. ૪૫) તેનો પુત્ર અક્ષીતભાઇ રમેશભાઇ ધામેલીયા (ઉ.વ.૨૪) તથા ક્રિસ કમલેશભાઇ ધામેલીયા (ઉ.વ. ૧૬), કમલેશભાઇ ભુપતભાઇ ધામેલીયા (ઉ.વ.૪૦) રેલિંગ સાથે ભટકાયા હતા. આ ચારેયને ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલ ખસેડાયેલા રમેશભાઇ હરજીભાઈ ધામેલીયા(ઉ.વ.૪૫) અને તેમનો જુવાનજોધ પુત્ર અક્ષીતભાઇ રમેશભાઈ ધામેલીયા (ઉ.વ.૨૪) સારવાર મળે તે પહેલાજ મૃત્યુ પામ્યા હતા જયારે ટૂંકી સારવાર બાદ વધુ એકે અંતિમ શ્વાસ લીધા હતા. બનાવ સંદર્ભે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે મૃતદેહોને પોસ્ટ મોટર્મ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડી પીકઅપ વાનના ચાલાક મુકેશભાઇ રાઘવભાઇ માંગુકીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.