Vadodara

જિલ્લામાં 1.04 લાખ મહિલાઓના કોલ આવ્યાં, 22 હજારને મદદ કરી

વડોદરા : ગુજરાત રાજ્યમાં 5 માર્ચ 2015ના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો પ્રારંભ કર્યો હતો. આ મહિલા હેલ્પલાઇનને 5 માર્ચ 2023ના રોજ 8 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે 8 વર્ષના સમયગાળા દરમિયાન વડોદરા જિલ્લાની 1.04 લાખ સહિત સમગ્ર રાજ્યમાં 11.76 લાખ મહિલાઓને માર્ગદર્શન અને સલાહ આપી હતી જ્યારે જિલ્લાની 22 હજાર સહિત 2.37 મહિલાઓને સ્થળ પર જઇને મદદ પૂરી પાડી જીવન પણ બચાવ્યો હતો. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને જીવીકે ઈએમઆરઆઇ દ્વારા સંકલિત રીતે 8 માર્ચ 2015ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાજ્યવ્યાપી 181 અભયમ મહિલા હેલ્પલાઈનનો પ્રારંભ કરાયો હતો.

રાજ્યની મહિલાઓને સામાજિક અને આર્થિક રીતે સુદ્રઢ બનાવવા હંમેશા ચિંતિત અને પ્રયત્નશીલ રહેતી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યના વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટા અને આર્થિક-કેપિટલ એવા અમદાવાદ શહેરમાં ખૂબ જ ઓછા સમયમાં રેસ્ક્યુવાનની સેવા મળી રહે તે હેતુથી નવી 12 અભયમ રેસ્ક્યુ વાનનું 181 અભયમ મહિલા હેલ્પલાઈન હેઠળ 5 માર્ચ 2023નાં રોજ મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં ગુજરાત એ આગવી પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે.

જેમાં 181 મહિલા હેલ્પલાઇન હેઠળ 59 રેસ્ક્યુવાનનો કાફલો 24*7 મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત રહેશે. માત્ર 8 વર્ષનાં ટુંકા સમયમાં જ 11.76 લાખથી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. 181એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇને 2.37 લાખ જેટલા મહિલાને મદદ પુરી પાડી છે અને 1.49 લાખ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કર્યો છે. 70 હજાર જેટલી મહિલાઓના ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યું કરીને કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવી હતી. જેમાં વડોદરા શહેરમાં 1.04 લાખ મહિલાઓને માર્ગદર્શન અને સહાલ આપી છે જ્યારે 22 હજાર મહિલાઓને સ્થળ પર જઇને મદદ પૂરી પાડી છે.

મહિલાઓની સુરક્ષા- સશક્તિકરણમાં ગુજરાત શ્રેષ્ઠ ગુણવત્તાનું આદર્શ રાજ્ય
181 અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં એક ખુબ મહત્વની સેવા તરીકે સાબિત થઈ છે. જેનાથી મહિલાઓને કટોકટીના સમયે તાત્કાલિક પ્રતિસાદ આપી મુંઝવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે. ગુજરાતમાં ૨૪ X ૭ કાર્યરત રહેતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન સમગ્ર દેશમાં એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થઇ છે તેમજ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ગુજરાતે શ્રેષ્ઠ ગુણવત્તાનું આદર્શ રાજ્ય બન્યું છે.-જશવંત પ્રજાપતિ,GVK EMRIના ચીફ ઓપરેટિંગ ઓફીસર

મોબાઇલ એપ્લિકેશનનું લોકાર્પણ 6 ઓગસ્ટ 2018ના રોજ કરાયું હતું
રાજ્યની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અધ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલી કહિ શકાય તેવી ઇન્ટીગ્રેટેડ 181 અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. 181 અભયમ મહિલા હેલ્પલાઇનના અદ્યતન મોબાઈલ એપ્લિકેશનનું લોકાર્પણ વિજય રૂપાણી, મુખ્યમંત્રી, ગુજરાતના વરદ હસ્તે 6 ઓગસ્ટ 2018ના રોજ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રદિપસિંહ જાડેજા, મંત્રીગૃહ વિભાગ (રાજ્ય કક્ષા) અને વિભાવરીબેન દવે,માન. મંત્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ (રાજ્ય કક્ષા)ની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કામગીરી પુર્ણ કરવામાં આવી હતી.

181 હેલ્પલાઇનની વિશેષતા•
મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલી મહિલાને તાત્કાલિક સહાય આપી છે. 108 સેવા તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરી 24 કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત કરી છે. પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું. મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી

Most Popular

To Top