સુરત: (Surat) પુણાગામ ખાતે રહેતી પરિણીતાને વીસ વર્ષ અગાઉનો પ્રેમી ફેસબુક (Facebook) ઉપર સંપર્ક થતા બંને વચ્ચે ફરી પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યારે પ્રેમીએ પરિણીતા સાથેની પળોના ફોટો પાડી બાદમાં ન્યૂડ વિડીયો મંગાવ્યા હતા. પછી પરિણીતાએ મળવાની ના પાડી તો તેના વિડીયો અને ફોટો વાયરલ કરી દીધા હતા. એટલું જ નહીં, પરિણીતા અને તેના પુત્રને જાનથી મારવાની ધમકી આપતાં મામલો પોલીસમાં ગયો છે.
- પૂર્વ પ્રેમીએ અંગતપળોના ફોટો, વીડિયો વાયરલ કરતાં પરિણીતા પોલીસની શરણે
- સાત વર્ષથી બંને જૂના પ્રેમીઓ પરિવારથી છૂપી રીતે ફોન કરતાં, મળતાં અને શારીરિક સંબંધ પણ બાંધતાં હતા
- પત્નીને છોડી પ્રેમિકા સાથે રહેવા આવ્યો પરંતુ પત્ની પરત આવી તો પ્રેમિકાનો દુશ્મન બની ગયો, પુત્રને પણ મારવાની ધમકી આપી
પુણાગામ ખાતે રહેતી 39 વર્ષીય આરતીબેન (નામ બદલ્યું છે)નો પતિ હીરામાં મજુરી કરે છે. આરતીબેનના લગ્ન પહેલા વીસેક વર્ષ અગાઉ દિનેશભાઈ રામજીભાઈ સેંજલીયા (રહે. શ્યામસુંદર એપાર્ટમેન્ટ સીમાડા, સરથાણા) સાથે પ્રેમસંબંધ હતા. બાદમાં બંનેએ અલગ અલગ જગ્યાએ લગ્ન કર્યા હતા. સાતેક વર્ષ પહેલા આરતીબેને દિનેશને ફેસબુક પર મેસેજ કરતા બંનેનો સંપર્ક થયો અને તેઓ વાતચીત કરતા થયા હતા. એક દિવસ દિનેશ આરતીના અમરોલી ખાતેના ઘરે ગયો હતો અને ચા નાસ્તો કરીને નીકળી ગયો હતો. બાદમાં દિનેશ અવાર નવાર ઘરે આવતા ફરીથી તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને બંને એકબીજાની સહમતિથી શરીર સંબંધ બાંધતા હતા.
દરમિયાન દિનેશ અંગત પળોના ફોટા તેના ફોનમાં પાડતો હતો. બાદમાં ન્યૂડ વિડીયો મોકલવાનું કહેતો હતો અને વિડીયો નહીં મોકલે તો પાડેલા ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હતો. જેથી આરતી તેના મોબાઈલમાં ન્યુડ વિડીયો ઉતારીને વોટ્સએપથી મોકલતી હતી. દરમિયાન દિનેશ તેની પત્નીને છુટાછેડા આપી આરતી સાથે રહેવા આવી ગયો હતો. દોઢેક મહિનો સાથે રહ્યા બાદ જતો રહ્યો હતો. તે વખતે દિનેશ અને આરતીના પતિ અને ભાઈ સાથે મારામારી થઈ હતી. જે બાબતે દિનેશની વિરુધ સરથાણા પોલીસ સ્ટેશનમાં કેસ થયો હતો.
ત્યારબાદ પણ દિનેશ અને આરતી એકબીજા સાથે ફોન પર વાત કરતા અને મળતા હતા. ગત જુલાઈ મહિનામાં તેની પત્ની પરત તેની સાથે રહેવા આવી જતા બંને વચ્ચે ફોન કરવાનું ઓછું થયું હતું. જો કે દિનેશ ત્યારપછી પણ ફોન કરીને પરેશાન કરતો હતો અને મળવા બોલાવતો હતો. આરતીએ મળવાની ના પાડી તો તેના પુત્રને અને તેને મારી નાખવાની ધમકી આપતો હતો. દિનેશે તેના વોટ્સએપ સ્ટેટસમાં આરતીનો ન્યુડ વિડીયો અને ફોટો મુક્યા હતા. આરતીના પર્સનલ ટેલીગ્રામ આઈડીમાં વિડીયો અને ફોટો મોકલી વાયરલ કર્યા હતા, જેથી આરતીએ દિનેશ સામે ફરિયાદ નોંધાવી છે.