SURAT

સુરતમાં યુવાને ફાયર બ્રિગેડને ફોન કરી કહ્યું ઘરમાં હાથી ઘૂસી ગયો છે

સુરત: (Surat) સુરતના નાનપુરા માછીવાડ વિસ્તારમાંથી શનિવારે સાંજે ફાયર (Fire) કંટ્રોલ રૂમને (Control Room) કોલ મળ્યો હતો. જેમાં કોલ (Call) કરનારે કહ્યું હતું કે તેના ઘરમાં હાથી (Elephant) ઘૂસી આવ્યો છે. આ કોલ મળતાની સાથે જ નવસારી બજાર અને મુગલીસરા ફાયરના જવાનોનો કાફલો દોડતો થયો હતો. જોકે હકીકત અલગ નીકળતા ઘટના સ્થળે પહોંચેલી ફાયર અને પોલીસની ટીમ (Police Team) ભારે અચરજમાં મુકાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમને એપ્રિલફૂલ બનાવવા માટે આ કોલ કરાયો હોવાનું સ્થળ ઉપર પહોંચ્યા પછી જાણવા મળ્યું હતું. જો કે, આવી ટીખળ કરનાર યુવાન સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ ફાયર બ્રિગેડે હાથ ધરી છે.

  • એપ્રિલ ફૂલ બનાવવા ફાયર બ્રિગેડને ફોન કરી કહ્યું ઘરમાં હાથી ઘૂસી ગયો છે
  • ફાયર વિભાગનો કાફલો પહોંચ્યો તો કહ્યું હાથીનો માલિક હાથી લઇને ચાલ્યો ગયો
  • આસપાસના લોકોએ હાથી નહીં જોયો હોવાનું નિવેદન આપ્યું

ફાયર વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નાનપુરા માછીવાડ ખાતે ભંડારીવાડમાં આવેલી રેકોર્ડ ઓફિસ સામેના મકાન નંબર-1/2654માં રહેતા બાદશાહ અહેમદખાને શનિવારે સાંજે 5:30 વાગ્યે ફાયર કંટ્રોલરૂમમાં કોલ કર્યો હતો. તેણે કંટ્રોલરૂમમાં કહ્યું હતું કે તેના મકાનમાં હાથી ઘૂસી ગયો છે. આ કોલ મળતાની સાથે જ મુગલીસરા અને નવસારી બજાર ફાયર સ્ટેશનોની ટીમ તાબડતોડ દોડતી થઇ હતી. દરમ્યાન ફાયર સાથે સ્થાનિક અઠવા પોલીસ ટીમનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવીને તાપસમાં જોડાઈ ગયો હતો. નવસારી બજાર ફાયર સ્ટેશનના ઓફિસર રાજેશ દેશમૂખે જણાવ્યું હતું કે, નવસારી બજાર અને મુગલીસરા ફાયરની ટીમ ઘટના સ્થળે જયારે પહોંચી ત્યારે કોલ કરનાર બાદશાહ ખાને કહ્યું હતું કે, હાથીનો માલિક હાથીને લઇ રવાના થઇ ગયો છે. જેથી ફાયર અને પોલીસ બંનેની ટીમે મકાન નજીક લાગેલા સી.સી.ટી.વી ફૂટેજો પણ ચકાસ્યા હતાં તયારે માલુમ પડ્યું હતું કે કેમેરાઓ છેલ્લા બે મહિનાથી બંધ અવસ્થામાં હતા. આજુ બાજુમાં રહેતા લોકોને પણ ઘટના અંગે પૂછતાછ કરવામાં આવતા તેમને પણ કોઈ હાથી જોયો નહીં હોવાનું નિવેદન ફાયર અને પોલીસને આપ્યું હતું. લાંબી પૂછતાછ બાદ પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળેથી પરત ફરી હતી.

ફાયર વિભાગ ટીખળખોર વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરશે
કંટ્રોલમાં ફોન કરી યુવકે ઘરમાં હાથી ઘૂસી ગયો હોવાની વાત કરી હતી. ફાયર વિભાગ સાથે એપ્રિલફુલની મજાક કરનાર યુવક વિરૂદ્ધ હવે પોલીસ ફરિયાદ નોંધશે. ફાયર વિભાગ સાથે મજાક કરનાર યુવક વિરૂદ્ધ હવે પોલીસમાં અરજી આપવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ અંગે ચીફ ફાયર ઓફિસર બસંત પરીકે જણાવ્યું હતું કે, ઈમરજન્સી સેવા પુરી પાડતી સંસ્થાઓ સાથે આ પ્રકારની હરકત કોઈ કાળે સાંખી લેવાઇ તેમ નથી. ફાયર વિભાગ સાથે મજાક કરનાર યુવક વિરૂદ્ધ તેઓએ પોલીસ મથકમાં અરજી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.

Most Popular

To Top