સુરત: (Surat) આગામી સોમવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Elections) તા.1 ડિસેમ્બરે યોજાનારા મતદાન (Voting) માટે ઉમેદવારી કરવાની અંતિમ મુદત છે. સુરતની કુલ 16 બેઠક પર અત્યાર સુધી નજર કરીએ તો ભાજપ, કોંગ્રેસ કે આપના જે કોઇ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, તેમણે ઉમેદવારીપત્રક સાથે રજૂ કરેલી એફિડેવિટનું (Affidavit) એનાલિસીસ ઘણું રોચક દેખાયું છે. કોઇપણ પક્ષના ઉમેદવારો હોય, 90 ટકા ઉમેદવારો લખલૂંટ પૈસો અને કરોડોની સંપત્તિના માલિક છે. કેટલાક ઉમેદવારોએ (Candidates) પોતાના પૂર્ણ સમયના વ્યવસાય અંગે કોઇ સ્પષ્ટ ફોડ પાડ્યો નથી. કેટલીક રસપ્રદ બાબત એ જણાય આવે છે કે, રાજ્ય સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ વકીલાતને પૂર્ણ સમયનો વ્યવસાય ગણાવ્યો છે. પરંતુ જ્યારથી એમએલએ બન્યા છે ત્યારથી તેમની વકીલાત સ્થગિત છે અને ધારાસભ્ય તરીકેનું જે ભથ્થું મળે છે તેનાથી જીવનનિર્વાહ ચાલે છે. જ્યારે લિંબાયતનાં ધારાસભ્ય સંગીતા પાટીલે સમાજસેવાને જ વ્યવસાય ગણાવ્યો છે અને આ સમાજસેવાના વ્યવસાયમાંથી તેમણે છેલ્લાં પાંચ વર્ષમાં રૂ.57 લાખની કમાણી કરી હોવાનો નિર્દેશ એફિડેવિટમાં કર્યો છે. સુરતના જુદા જુદા ઉમેદવારોની એફિડેવિટ જોતાં સૌથી વધુ સંપત્તિવાન ઉમેદવાર ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાંથી આપની ટિકિટ પર ઉમેદવારી કરનાર પ્રકાશ કોન્ટ્રાક્ટર છે, જેમની પાસે 13 કરોડ ઉપરાંતની સંપત્તિ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ, કરંજના ઉમેદવાર, કામરેજના ઉમેદવારોએ પોતાની સામે પેન્ડિંગ પોલીસ કેસો હોવાનો નિર્દેશ પણ એફિડેવિટમાં કરવામાં આવ્યો છે.
ચોર્યાસી વિધાનસભા બેઠક પર આપના ઉમેદવાર અને પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પણ કરોડપતિ
ચૂંટણી પંચે દરેક ઉમેદવારો માટે મિલકત તથા અપરાધના કેસોનો નિર્દેશ કરતી એફિટેવિટ જમા કરાવવી ફરજિયાત બનાવી છે. સુરતની જુદી જુદી વિધાનસભા બેઠકો માટે શનિવારથી ઉમેદવારીપત્રો ભરવાનું શરૂ થયું છે. તેની સાથે ઉમેદવારોએ પોતાની એફિડેવિટ પણ ફાઇલ કરી છે. શનિવારે આપના ચોર્યાસી બેઠકના ઉમેદવાર અને પરિવર્તન ટ્રસ્ટથી જાણીતા પ્રકાશ કોન્ટ્રાક્ટરે રજૂ કરેલી એફિડેવિટમાં પોતાના પર નોંધાયેલા ફોજદારી ગુનામાં એક કેસ પેન્ડિંગ હોવાનું જણાવ્યું છે.
પ્રકાશ કોન્ટ્રાક્ટરે તેમની એફિડેવિટમાં 2016માં સચિન-મગદલ્લા રોડ પર આવેલી કલરટેક્સ કંપની દ્વારા ફેલાવાતા પ્રદૂષણ સામે આંદોલન છેડવામાં આવ્યું હતું, એ આંદોલનને રાયોટિંગ ગણીને કેસ દર્જ કરવામાં આવ્યો હતો. જેમાં પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ તરીકે પ્રકાશ કોન્ટ્રાક્ટર પર ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થઇ ચૂકી છે અને કેટલીક કલમો ગુજરાત હાઇકોર્ટ દ્વારા કાઢી નાંખવામાં આવી છે તેવું પ્રકાશ કોન્ટ્રાક્ટરે પોતાની એફિડેવિટમાં નિર્દેશ કર્યો છે. વર્ષે ચાર સાડા ચાર લાખની સામાન્ય આવક ધરાવતા પ્રકાશ કોન્ટ્રાક્ટરે પોતાની પાસે 13 કરોડની મિલકતો જેમાં જમીન મકાન હોવાનો નિર્દેશ પણ એફિડેવિટમાં કર્યો છે.
સમાજસેવાને વ્યવસાય ગણાવતાં સંગીતા પાટીલે ધારાસભ્યકાળ દરમિયાન ગ્રેજ્યુએશન કર્યું
લિંબાયત વિસ્તારના ભાજપાનાં ઉમેદવાર અને સીટિંગ એમએલએ સંગીતા પાટીલની એફિડેવિટ પરથી જણાય છે કે તેમની આવક તેમના પતિથી વધુ છે. સંગીતા પાટીલે સમાજ સેવાનો તેમનો વ્યવસાય ગણાવ્યો છે અને આ સમાજસેવાના વ્યવસાયમાંથી સંગીતા પાટીલે છેલ્લાં પાંચ વર્ષમાં રૂ.57 લાખથી વધુ રકમની કમાણી કરી હોવાનો નિર્દેશ છેલ્લાં પાંચ વર્ષના ઇન્કમટેક્સ રિટર્નમાં કર્યો છે. 2022-23ના વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનું હજુ તેમનું બાકી છે. જેનો ઉલ્લેખ એફિડેવિટમાં કર્યો નથી. રસપ્રદ બાબત એ છે કે, સંગીતા પાટીલ જ્યારે ધારાસભ્ય બન્યાં ત્યારે તેમનું એજ્યુકેશન એસએસસી હતું, જે પછી તેમણે પ્રિપેરેટરી કોર્સ કરીને બાદમાં ગ્રેજ્યુએશન પણ ધારાસભ્યકાળ દરમિયાન જ પૂર્ણ કર્યું છે.
અરવિંદ રાણા દંપતી 281 એફ.ડી. રશીદ અને 17 બેંક અકાઉન્ટ ઓપરેટ કરે છે
સુરત પૂર્વના ભાજપાના ઉમેદવાર અને સીટિંગ એમએલએ અરવિંદ રાણાની એફિડેવિટનો અભ્યાસ કરતા એ બાબત ફલિત થાય છે કે પ્રિન્ટિંગ પબ્લિશિંગ અને સ્ટેશનરીનો ધંધો કરતા અરવિંદ રાણા અને તેમની પત્ની સ્મોલ સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટનો મોટો પોર્ટફોલિયો ધરાવે છે. અરવિંદ રાણા અને તેમનાં પત્ની મળીને નાની-મોટી મળીને જુદી જુદી બેંકોની કુલ 281 નંગ ફિક્સ ડિપોઝિટની રશીદો ધરાવે છે. રાણા દંપતીની 281 નંગ એફડીની રશીદો મળીને કુલ રોકાણ અંદાજે 77 લાખથી વધુનું છે. અરવિંદ રાણાના પોતાનાં 9 બેંક અકાઉન્ટ અને તેમની પત્નીના 7 મળી કુલ 16 એકાઉન્ટ તેઓ ઓપરેટ કરે છે. અરવિંદ રાણા 18 મ્યુચ્યુઅલ ફંડમાં 33.50 લાખ અને તેમના પત્ની 26 મ્યુચ્યુઅલ ફંડમાં 24.30 લાખનું રોકાણ ધરાવે છે. એવી જ રીતે અરવિંદ રાણા પાસે કુલ 30 કંપનીના રૂ.21 લાખના મૂલ્યના શેર છે અને તેમની પત્ની પાસે 58 કંપનીના કુલ રૂ.58 લાખના શેરમાં રોકાણ છે. 2017ના ઇન્કમટેક્સ રિટર્નની આવક અને છેલ્લા ઇન્કમટેક્સ રિટર્નની આવક જોઇએ તો 350 ટકાનો આવકમાં વધારો થયો છે.
કતારગામના વિનુ મોરડિયાએ પરિવારજનોને જ દોઢ કરોડની લોન આપી છે
કતારગામ વિસ્તારના ભાજપાના ઉમેદવાર અને સરકારના પૂર્વ મંત્રી વિનુ મોરડિયાએ પોતાનો અભ્યાસ ધો.10 પાસ દર્શાવાયો છે. 2021-22માં રૂ.16.47 લાખની આવક દર્શાવનાર વિનુ મોરડિયાએ અત્યાર સુધીમાં તેમના પરિવારજનો અને પાર્ટનરોને જ રૂપિયા દોઢ કરોડ જેટલી માતબર રકમની લોન આપી હોવાનું તેમણે એફિડેવિટમાં જણાવ્યું છે. હિસાબી આંટીઘૂંટીમાં વિનુ મોરડિયાએ ગીતાબેન વિનોદભાઇ મોરડિયાને રૂ.37.94 લાખની માતબર રકમની લોન આપી હોવાનું તેમણે એફિડેવિટમાં જણાવ્યું છે.
પૂર્ણેશ મોદી જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી વકીલાત સ્થગિત
સુરત પશ્ચિમ વિસ્તારના ભાજપાના ઉમેદવાર પૂર્ણેશ મોદીએ પોતાની એફિડેવિટમાં એવો નિર્દેશ કર્યો છે કે વકીલાત તેમનો પૂર્ણ સમયનો વ્યવસાય છે અને જ્યારથી તેઓ ધારાસભ્ય બન્યા છે ત્યારથી વકીલાતનો વ્યવસાય સ્થગિત છે અને ધારાસભ્ય તરીકે તેમને જે ભથ્થું મળે છે, તે જ તેમની આવકનો આધાર છે. પૂર્ણેશ મોદીએ પોતાની એફિડેવિટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તેમની સામે અત્યાર સુધીમાં એકપણ ગુનો નોંધાયો નથી કે તેની એફઆઇઆર કે અન્ય નોંધ પોલીસ ચોપડે નથી.
મનુ ફોગવા વડાપ્રધાન મોદીના ગામની સ્કૂલમાં ભણ્યા, વિવર્સ કરતાં જમીનદાર વધારે પરંતુ કાર નથી
ઉધના બેઠક ઉપરથી ભાજપમાંથી દાવેદારી કરનારા મનુ ફોગવાએ રજૂ કરેલી એફિડેવિટમાં તેમની પાસે એકપણ વાહન ન હોવાનું જણાવ્યું છે. તેઓ મોદીના ગામ વડનગરની સ્કૂલમાં ધોરણ-9 સુધી ભણ્યા છે. તેઓ મહેસાણામાં 6.72 કરોડની મિલકત ધરાવે છે.
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પર 17 કોર્ટ કેસ
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કતારગામ વિધાનસભા બેઠક પર આપના ઉમેદવાર તરીકે ફોર્મની સાથે આપેલા એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની સામે જુદી જુદી કોર્ટમાં 17 જેટલા કેસો ચાલી રહ્યા છે. એકપણ કેસમાં હજુ સુધી તેમની સજા થઇ નથી. એવી જ રીતે આમ આદમી પાર્ટીના અન્ય ઉમેદવારો સામે પણ પોલીસ કેસ હોવાનું જે-તે ઉમેદવારોએ એફિડેવિટમાં જણાવ્યું છે.
કામરેજ બેઠક પર આપ અને કોંગ્રેસના ઉમેદવારો સામે 4-4 પોલીસ ફરિયાદ
કામરેજ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતપોતાની એફિડેવિટમાં એ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે તેમની સામે જુદાં જુદાં પોલીસ સ્ટેશનોમાં ચાર પોલીસ ફરિયાદો થઇ છે અને તે કેસો હજુ પેન્ડિંગ છે, આ કેસોમાં તેમને કોઇ સજા થઇ નથી.