સુરત: (Surat) શહેરમાં જાણે કે સાયલેન્સર (Silencer) ચોર ટોળકીઓ સક્રિય થઇ છે, માત્ર ઇકો ગાડીનું જ સાયલેન્સર ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદો સરથાણાને મળી રહી છે. હાલ તો સરથાણા પોલીસે માત્ર એક ફરિયાદ નોંધી છે અને બીજી ફરિયાદો અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. માત્ર ઇકો ગાડીને (Eeco Car) જ ટાર્ગેટ કરતી ગેંગને લઇને પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ નાના વરાછાના ભીડભંજન સોસાયટીમાં રહેતા દિપક પરસોત્તમભાઇ નસીત વાંસણનો વેપાર કરે છે. તેઓએ પોતાના ઘર પાસે જ ઇકો ગાડી પાર્ક કરી હતી. બીજા દિવસે તેઓએ બપોરના સમયે ઇકો ગાડી શરૂ કરી પરંતુ જોરથી અવાજ આવ્યો હતો અને ગાડી શરૂ થઇ ન હતી. તપાસ કરતા ગાડીમાં સાયલેન્સર જ ન હતું. બીજી તરફ દિપકભાઇએ પોતાના ઘર પાસે લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા રાત્રીના સમયે ત્રણ અજાણ્યાઓ નજરે પડ્યા હતા, અને તેઓ ચોરી કરતા જોવા મળ્યા હતાં.
આ અંગે સરથાણા પોલીસમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. બનાવ અંગે ફરિયાદી દિપકભાઇના જણાવ્યા પ્રમાણે ત્રણ દિવસ પહેલાની ઘટના અંગે તેઓએ પોલીસ સ્ટેશનમાં પુછપરછ કરતા માત્ર ઇકો ગાડીની જ ચોરીની બીજી ત્રણથી ચાર ફરિયાદો આવી હતી. માત્ર ઇકો ગાડીને જ નિશાન બનાવીને તેમાંથી સાયલેન્સર ચોરી કરવાની ઘટનાઓ બની રહી છે. વધુમાં તેઓના કહેવા પ્રમાણે અમદાવાદમાં પણ ઇકો ગાડીમાંથી સાયલેન્સર ચોરાયાની ફરિયાદો નોંધાઇ છે. આ અંગે પોલીસે હવે સાયલેન્સર ચોર ટોળકીને પકડવા તજવીજ શરૂ કરી છે.
શું હોય છે ઈકો કારના સાયલેન્સરમાં?
મળતી માહિતી મુજબ ઈકો કારના સાયલેન્સરમાં પ્લેટિનમનો ઉપયોગ થાય છે. જેથી ચોર તેને ચોરીને બજારમાં વેચી દે છે. જાણવા મળ્યા મુજબ ઈકો કારનું સાયલેન્સરની કુલ કીંમત જ બજારમાં 75થી 76 હજાર રુપિયા છે. ચોરી કર્યા બાદ આ ધાતુની ડસ્ટ સુરત અને અમદાવાદ જેવા સ્થળોએ ભારે ઉદ્યોગને વેચવામાં આવી હતી. 10 ગ્રામ ધાતુની ધૂળની કિંમત 3 હજારથી 6 હજાર રૂપિયા સુધીની છે. આ સાથે, સેન્સર પણ ભારતની બહારથી આવે છે, જેની કિંમત લગભગ 10 હજાર રૂપિયા છે. સાયલેન્સરમાં ઉત્પ્રેરક કન્વર્ટર હોય છે, જે પ્લેટિનમ ગ્રુપ ઓફ મેટલ્સ (પીજીએમ) થી બનેલું છે. પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમને સંયુક્ત રીતે પીજીએમ કહેવામાં આવે છે. તેમની કિંમત સોના કરતા વધારે હોય છે.