સુરત : સુરત પુર્વની બેઠક એવી છે કે, અહી ભાજપનું વર્ષોથી પ્રભુત્વ હોવા છતાં દરેક વિધાનસભાની ચૂંટણી વખતે આ બેઠક પર બધાની નજર હોય છે. કેમ કે આ એક એવી બેઠક છે જેમાં કુલ મતદારોમાં મુસ્લિમ મતદારો વધુ છે. આ વખતે ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિ-પાંખીયો જંગ આખા રાજયમાં ખેલાઇ રહ્યો છે. પરંતુ આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંજન જરીવાલાએ છેલ્લા દિવસે ઉમેદવારીપત્ર પાછું ખેંચી લેતા હવે માત્ર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. અન્ય પક્ષોના ઉમેદવાર પણ અહી મેદાનમાં છે પરંતુ તેઓનું ખાસ કોઇ વજુદ જણાતું નથી. ગત ચૂંટણીમાં ભાજપના અરવિંદ રાણા અહી 13347 મતોથી જીત્યા હતા. આ વખતે પણ અરવિંદ રાણા રિપીટ થયા છે. જયારે ભાજપે મુસ્લિમ નેતા અસલમ સાયકલવાળાને ટિકીટ આપી છે. અહી કુલ મતદારોમાં 92 હજાર મુસ્લિમ મતો હોવાથી કસોકસનો જંગ થશે. જો કે અહીં 8 અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારો સહિત અન્ય મળી કુલ 12 મુસ્લિમ ઉમેદવારો કેટલા મતો લઇ જાય છે તેના પર હાર-જીતનો આધાર છે.
બેઠકનો ઇતિહાસ
1962માં યોજાયેલી પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઈશ્વરલાલ દેસાઈ આ પ્રદેશમાંથી ચૂંટણી જીત્યા હતા. સતત કોંગ્રેસની જીત બાદ છેક વર્ષ 1975માં કાશીરામ ભાઈ રાણા ભારતીય જનસંઘની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા. જો કે 1980 તેની હાર થઇ હતી પછી છેક 1990ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મદનલાલ કાપડિયાએ જીત મેળવી હતી. ત્યારથી અહીં ભાજપનું વર્ચસ્વ છે. જો કે વચ્ચે 2002માં કોંગ્રેસના મનીષ ગિલીટવાલા આ બેઠક પરથી જીત્યા હતા, પરંતુ 2007 અને 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના રણજીતભાઈ ગિલીટવાલા જીત્યા હતા. 2017માં અરવિંદ રાણાએ કોંગ્રેસના નીતિનભાઈ ભરૂચાને 13,347 મતોથી હરાવીને જીત મેળવી હતી.
આ વિસ્તારની સમસ્યાઓ
કોટ વિસ્તાર અશાંતધારા હેઠળ આવે છે. જો કે અશાંતધારાનો ભંગ કરી કોટ વિસ્તારમાં મિલક્તોનું વેચાણ થઇ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. અશાંતધારાનો અમલ કાગળ પર થતાં કલેકટરાય અને પાલિકા કચેરી સુધી ફરિયાદો ગઇ છે. અશાંતધારા નિયમનું ભંગ કરી મિલકતો તબદીલ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ છે. હજુ નક્કર પગલા લેવાયા નથી તેથી લોકોમાં નારાજગી દેખાય છે, વળી કોટ વિસ્તારમાં વર્ષોથી દબાણ સાથે ટ્રાફિકની સમસ્યા સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગઇ છે. મેટ્રો રેલનું કામ ચાલુ થતા ટ્રાફિકની સમસ્યા વધારે વકરી છે. અત્યંત ગીચ વિસ્તાર વચ્ચે પાણી, ડ્રેનેજ કે રસ્તાના કામોથી ટ્રાફિકની સમસ્યા વકરે છે. બાગ બગીચાની સુવિધા ઉભી કરાતી નથી.