SURAT

સુરત: બહારગામ ગયેલો મિત્ર આપી ગયેલી ઇ-સિગારેટ ડિલિવરી કરવા જતા યુવક ભેરવાયો

સુરત: (Surat) અડાજણમાં રહેતો મિત્ર (Friend) બહારગામ જવાનો હોવાથી બે દિવસ અગાઉ આપી ગયેલી ઈ સિગારેટનો (E Cigarette) જથ્થો ડિલિવરી કરવા જતા યુવકને એસવીએનઆઈટી સર્કલ પાસેથી એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો. યુવક પાસેથી 90 ઈ સિગારેટ, એપલના બે મોબાઈલ ફોન અને મોપેડ મળી કુલ રૂ.3.25 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

  • બહારગામ ગયેલો મિત્ર આપી ગયેલી ઇ-સિગારેટ ડિલિવરી કરવા જતા યુવક ભેરવાયો
  • એસઓજીએ 90 ઈ સિગારેટ, એપલના બે મોબાઈલ ફોન અને મોપેડ મળી કુલ 3.25 લાખનો મુદ્દામાલ કબજે લીધો
  • પીપલોદ એસવીએનઆઈટી સર્કલ પાસેથી 2.70 લાખની ઇ સિગારેટ સાથે યુવક ઝડપાયો

એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઈ અનિલભાઈ વિનજીભાઈએ બાતમીના આધારે અઠવાલાઈન્સથી રાહુલ રાજ મોલ તરફ મોપેડ (નં.જીજે-05-એફવી-4540) પર જતા મોહમદ શબ્બીર ધામીયા (ઉ.વ.22, રહે.202, સ્મિતા એપાર્ટમેન્ટ 2, નવસારી બજાર, સુરત તથા મુળ ધોરાજી, રાજકોટ) ને અટકાવ્યો હતો. તેણે મોપેડ ઉપર આગળ પગ મુકવાની જગ્યાએ મુકેલી કાળા રંગની થેલી ચકાસતા તેમાંથી ઈ સિગારેટના બે બોક્સ મળી આવ્યા હતા. બોક્સ ચેક કરતા તેમાંથી રૂ.2.70 લાખની મત્તાની 90 નંગ ઈ સિગારેટ મળી હતી.

એસઓજીની ટીમે ઇ સિગારેટનો જથ્થો કબજે લીધો હતો. બેકાર મોહમદ શબ્બીર ધામીયા પાસેથી એપલ કંપનીના બે મોબાઈલ ફોન અને મોપેડ મળી કુલ 3.25 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આરોપીની પુછપરછ કરતા તેનો અડાજણમાં રહેતો મિત્ર મોહમદ શાબીર અબ્દુલ રઉફ રવાણી બહારગામ જવાનો હોવાથી બે દિવસ અગાઉ તેને ઈ સિગારેટનો જથ્થો આપી ગયો હતો. અને તેના કહ્યા મુજબ તે ડિલિવરી આપવા જતો હતો. ઉમરા પોલીસમાં આ અંગે ગુના દાખલ કરી મોહમદ શાબીર અબ્દુલ રઉફ રવાણીને વોન્ટેડ જાહેર કરાયો છે.

ગોપીપુરામાં ડુપ્લિકેટ રેબાન વેચતા ગોડાઉન પર સીઆઇડી ક્રાઇમના દરોડા : 15.99 લાખનો માલ કબજે
સુરત: ગોપીપુરામાં ડુપ્લિકેટ રેબાન વેચતો વેપારી સીઆઇડી ક્રાઇમની વરૂણીમાં આવ્યો હતો. શહેરમાં સંખ્યાબંધ ફેરિયાઓ તથા દુકાનમાં ડુપ્લિકેટ રેબાન આ વેપારી દ્વારા વેચવામાં આવતા હતા. તેમાં આરોપી પવનકુમાર સંપતરાજ જૈન (ઉં.વ.24) (રહે., 401, દિવાન પાર્ક, ત્રીપારામનો ખાંચો, સુભાષ ચોક, ગોપીપુરા)ની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી પાસેથી રૂ.15.99 લાખના રેબાન ગ્લાસ તથા રેબાનના સિમ્બોલ સાથેનાં કવર પકડવામાં આવ્યાં હતાં. આરોપી સામે નીતિનભાઇ પારેખ (ઉં.વ.44) (ધંધો-વેપાર) (રહે., 21, શ્રીજી ટાવર, હિમાલયા મોલની સામે, ડ્રાઇવિંગ રોડ) દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દરમિયાન યુનાઇટેડ ઓવરસીસ ટ્રેડમાર્ક કંપનીને રેબાન કંપની દ્વારા તેઓની કોપીરાઇટ હક્કોની જાળવણી માટેની કામગીરી સોંપવામાં આવતાં આ પોલીસ ફરિયાદ સીઆઇડી ક્રાઇમમાં દાખલ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top