સુરત(Surat) : અઠવાલાયન્સ પોલીસ (Police) સ્ટેશનના ડી-સ્ટાફમાં વિવાદી (Controversial) જમાદાર પીડી ફરીથી જણાય આવ્યો છે. ખ્વાજાદાની દરગાહ પાસે નશાની ચકચૂર હાલમાં અઠવાલાઇન્સ ડી-સ્ટાફમાં છ જેટલા જવાનોએ આતંક મચાવ્યો હોવાની ગંભીર ફરિયાદ થઈ છે.
હાલમાં પીઆઇ બડબડિયાના આગમન પછી ડી-સ્ટાફ (D Staff) કાબૂ બહાર હોવાની ફરિયાદ છે. તેમાં પીડી સામે અગાઉ ગેરરીતિની ગંભીર ફરિયાદો હોવાને કારણે તેને ડી-સ્ટાફમાંથી સાઇડ ટ્રેક કરવામાં આવ્યો હતો. પીડી ઉર્ફે પ્રવીણસિંહ અને તેની સાથે રહેલા છ જવાનોએ લોકોને ફટકારતાં એવું કહેવાય છે કે, ક્રાઇમ બ્રાન્ચના (Crime Branch) જમાદારે લોકોને બચાવવા વચ્ચે આવવું પડ્યું હતું. આ જમાદારને પણ પીધેલા જમાદારોએ ફટકારવાની કોશિશ કરી હતી.
દરમિયાન પીધેલા કોન્સ્ટેબલોની ફરિયાદ કરવા જતાં અન્ય અધિકારીઓની રિક્વેસ્ટ બાદ આ જમાદારે આ પીધેલા જમાદારો સામે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પીડી સામે અગાઉ પણ ગેરરીતિની ગંભીર ફરિયાદો થઇ ચૂકી છે. તેમ છતાં તેને ડી-સ્ટાફમાં રાખવામાં આવ્યો છે. તેમાં છ કોન્સ્ટેબલ છેલ્લા કેટલાક સમયથી રમજાન મહિનામાં લોકોને ફટકારતા હોવાની વ્યાપક બૂમો ઊઠી છે.
શું કહે છે કમિ. અજય તોમર?
આ મામલે તપાસ કરાવાશે. જો સાચું જણાયું તો આકરી કાર્યવાહી કરવામાં આવશે.
શું કહે છે પોલીસ જમાદાર ક્રાઇમ બ્રાન્ચ?
ક્રાઇમ બ્રાન્ચના જમાદારે પોતાની ઓળખ છૂપી રાખવાની શરતે જણાવ્યું કે, કેટલાક પીધેલા જમાદારો લોકોને હેરાન કરતા તેઓએ રોકવાના પ્રયાસ કર્યા હતા. તેની સામે આ લોકોએ તેઓની ફેટ પકડી હતી. બાદ મામલો ઠાળે પડ્યો હતો.
શું કહે છે પ્રવીણસિંહ?
અઠવાના જમાદાર પીડી ઉર્ફે પ્રવીણસિંહે જણાવ્યું કે, અમે કોઇ પીધેલા ન હતા. આ અમારી પર આક્ષેપ થયા છે. તે સમયે અમે દુકાન બંધ કરાવતા હતા. તેમાં એક જમાદાર વચ્ચે આવતાં અમારી બોલાચાલી થઇ હતી. એ સિવાય મારી પર કરવામાં આવેલી તમામ વાતો માત્ર આક્ષેપ છે.
અગાઉ પણ સુરતની પીધ્ધડ પોલીસ સામે ફરિયાદો થઈ છે
તમને જણાવી દઈએ કે આ અગાઉ અડાજણ પોલીસ મથકની હદમાં એક પોલીસ કર્મચારીએ નશાની હાલતમાં ભિખારી અને સ્થાનિક લોકો સાથે ગેરવર્તણૂંક કર્યા બાદ પોલીસ સ્ટેશનની બહાર ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિશે એલફેલ બોલતો એક વીડિયો વાયરલ થયો હતો. તે પોલીસ કર્મચારી સામે પોલીસ કમિશનર અજય તોમરે યોગ્ય કાર્યવાહી કરી પરંતુ તેની કોઈ ધાક અન્ય પોલીસ કર્મચારીઓ પર બેઠી હોય તેવું જણાતું નથી.