સુરત: સુરતમાં જૂની પેઢીના પીઢ અને ખૂબ જ અભ્યાસુ કન્સલ્ટિંગ ફિઝિશિયન ડો. ગીરીશ કાઝીનું (Dr. Girish Kazi Death) રવિવારે ટૂંકી માંદગી બાદ 83 વર્ષની વયે નિધન થયું હતું. 1965માં સુરતમાં એમ.ડી. (ફિઝિશિયન) તરીકે કારકિર્દી શરૂ કરનાર ડો. ગીરીશ કાઝી કાર્ડિયોલોજીના નિષ્ણાત હતા. સુરત જનરલ હોસ્પિટલમાં તથા અન્ય કેટલીક હોસ્પિટલોમાં આઇસીસીયુની (ICCU) શરૂઆત કરાવવામાં ડૉ. કાઝીનો મોટો ફાળો હતો. સુરતની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં તેઓ પ્રોફેસર અને માનદ ફિઝિશિયન તરીકે 4 દાયકા સુધી સક્રિય રહ્યા હતા.
એસોસિએશન ઓફ ફિઝિશિયનના સુરત અને ગુજરાત ચેપ્ટરના સ્થાપક સભ્ય અને પ્રમુખ રહ્યા હતા. એસોસિએશન ઓફ ફિઝિશિયન ગુજરાતના તેમને અનેક એવોર્ડ મળ્યા હતા. તેઓ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સુરતની મેનેજિંગ કમિટીમાં વર્ષો સુધી સક્રિય રહ્યા હતા અને સોસાયટીનું પ્રમુખ પદ અને ચેરમેન પદ તેમણે શોભવ્યું હતું. સુરતની અઠવાલાઇન્સ સ્થિત આદર્શ સોસાયટીમાં પ્રમુખ તરીકે તેમણે વર્ષો સુધી સેવા આપી હતી. જાણીતા ડૉ. મધુકર પરીખે જણાવ્યું હતું કે, ડૉ. ગિરીશ કાઝી આરોગ્ય સેવાને લગતી એકેડેમિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેતા હતા. સુરતની હોસ્પિટલમાં આઈસીસીયુ જેવી આધુનિક સુવિધાઓ લાવનાર તેઓ હતા. મેડિકલ ફેકલ્ટીને લગતા ઘણા સેમિનાર અને રિસર્ચ પેપર તેમણે રજૂ કર્યા હતા.
આ ક્ષેત્રના અભ્યાસુ નિષ્ણાત વક્તા તરીકે તેઓ નામાંકિત હતા. સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશનના પણ તેઓ સ્થાપક અને પ્રમુખ રહ્યા હતા. એમના નિધનથી સુરતના તબીબી આલમે આધુનિક વિચારવાળો સેવાભાવી તબીબ ગુમાવ્યો છે. એમની સેવાની સુવાસ સુરતના લોકોને કાયમ યાદ રહેશે. ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડૉ. વિનોદ શાહે જણાવ્યું હતું કે, છેલ્લે તેમણે આઉટ ઓફ લોકલ થિંકિંગ વિશે વક્તવ્ય આપ્યું હતું. તેઓ વર્ષો સુધી મેડિકલ જર્નલનું સંપાદન કરતા હતા. ઘણી મેડિકલ કોન્ફ્રરન્સ અને કોન્કલેવમાં તેમણે અનેક અભ્યાસપૂર્ણ વક્તવ્ય આપ્યા હતાં. રવિવારે બપોર બાદ તેમના અવસાનના સમાચાર ફેલાતા શહેરના તબીબી આલમમાં શોકની લાગણી ફરી વળી હતી. તા. 28મીને સોમવારે તેમની અંતિમયાત્રા તેમના આદર્શ સોસાયટીના નિવાસસ્થાનેથી બપોરે બે વાગ્યે નીકળશે.