વેટરનિટી હોસ્પિ.ની બેદરકારીથી કૂતરી ગુમ થઈ ગઈ અને બાદમાં મોત થઈ જતાં ગ્રાહક કોર્ટમાં ફરિયાદ – Gujaratmitra Daily Newspaper

Surat Main

વેટરનિટી હોસ્પિ.ની બેદરકારીથી કૂતરી ગુમ થઈ ગઈ અને બાદમાં મોત થઈ જતાં ગ્રાહક કોર્ટમાં ફરિયાદ

સુરત : મજૂરાગેટ વિસ્તારમાં આવેલી નંદીની વેટરનિટી હોસ્પિટલ અને પાંજરાપાળ ટ્રસ્ટ તથા ટ્રસ્ટીઓની વિરુદ્ધમાં કૂતરી ગુમ થવા બાબતે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરીને રૂા. 1 લાખના વળતરની માંગણી કરવામાં આવતાં ગ્રાહક કોર્ટે હોસ્પિટલના ડોક્ટરો તેમજ ટ્રસ્ટીઓની સામે નોટીસ ઇસ્યુ કરીને તેઓનો ખુલાસો માંગ્યો હતો.

  • ગોપીપુરાના વકીલ જાગૃતિબેન ઠક્કરની પાળેલી કૂતરી ઝમકુડીની તબિયત ખરાબ થતાં નંદીની વેટરનિટી હોસ્પિ.માં દાખલ કરવામાં આવી હતી
  • હોસ્પિ.માંથી ઝમકુડી ગાયબ થઈ ગઈ, નવ કલાક બાદ જાગૃતિબેનને જાણ કરવામાં આવી અને બાદમાં 26 દિવસ પછી ઉધનામાંથી મળી
  • ઝમકુડીની તબિયત ખરાબ હતી અને સારવાર દરમિયાન મોત થતાં જાગૃતિબેને એક લાખના વળતરની માંગણી કરી

આ કેસની વિગત મુજબ, ગોપીપુરામાં રહેતા જાગૃતિબેન ઠક્કર વ્યવસાયે વકીલ છે. તેઓએ એક કૂતરી પાળી હતી. જેનું નામ ઝમકુડી હતી. આ ઝમકુડીને કાનમાં ઇન્ફેકશન થતા સૌ પ્રથમ પ્રયાસ (ધર્માદાસંસ્થા)માં બતાવાઇ હતી. ત્યારબાદ નંદીની વેટરનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં કેસપેપર તેમજ ઇન્ડોર પેશન્ટ તરીકે રૂા. 5100 ડિપોઝિટ તરીકે લેવાયા હતા. તપાસ દરમિયાન ઝમકુડીને મોતિયો હોવાનું કહેવાયું હતું. ત્યારબાદ બીજા દિવસે ઝમકુડી હોસ્પિટલમાંથી ગુમ થઇ હતી. હોસ્પિટલમાંથી ઝમકુડી કેવી રીતે ગુમ થઇ તે બાબતે હોસ્પિટલના સત્તાધીશોને પુછતાં તેઓએ કોઇ જવાબ આપ્યાં ન હતા.

વહેલી સવારે સાડા ચાર વાગ્યે ગુમ થયેલી ઝમકુડી વિશે 9 કલાક બાદ જાણ કરીને હોસ્પિટલના સ્ટાફે ગંભીર બેદરકારી રાખી હતી. આ બાબતે ઉમરા પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. 26 દિવસ બાદ ઝમકુડી ઉધના વિસ્તારમાંથી મળી આવી હતી અને તેની તબિયત વધારે ખરાબ થઇ હતી અને સારવાર દરમિયાન અવસાન થયું હતું. જાગૃતિબેનએ પ્રયાસ સંસ્થાને રૂા. 7500 ચૂકવ્યા હતા. એક તરફ ડોક્ટરોની બેદરકારી અને ગંભીર ભુલ, આ ઉપરાંત ઝમકુડીનું અવસાન થયું અને તેઓને શોધવામાં જે તકલીફ પડી તે તમામના કારણો રજૂ કરીને જાગૃતિબેનએ વકીલ શ્રેયસ દેસાઇ મારફતે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી.

Most Popular

To Top