SURAT

સુરતમાં હજારો દર્દીઓ ભગવાન ભરોસે રાખી રેસિડેન્ટ ડોક્ટરો હડતાલની ચીમકી આપી રહ્યાં છે

સુરત: (Surat) સુરતમાં કોરોનાની સ્થિતિ કાબૂની બહાર થઇ ગઇ છે. હજારો પરિવારો હાલમાં જ્યારે પરિવારજનોનો જીવ બચાવવા માટે હવાતિયા મારે છે ત્યારે આવતીકાલે સવારે આઠ વાગ્યાથી સુરતના સિવિલ અને સ્મીમેરના (Civil Smimer Hospital) રેસિડેન્ટ ડોક્ટરોએ (Resident Doctors) હડતાળ ઉપર ઊતરી જઇ અમાનવીય વર્તન દાખવ્યું છે. જ્યારે તબીબોની આ શહેરને જરૂર છે ત્યારે તેઓ સરકારને બ્લેક મેઇલ કરવા નીકળ્યા છે. હજારો દર્દીઓને ભગવાન ભરોસે છોડવાની તબીબોની આ હરકત શહેરમાં ટીકાનો વિષય બની છે. દર્દીઓને આ કટોકટ સમયે સાચવવા માટે મેદાનમાં આવવાનો સમય છે ત્યારે આ રીતે હડતાળની ધમકીએ સિવિલ કેમ્પસમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે.

આ ઉપરાંત તબીબોની વાત માનીએ તો સરકાર મેન પાવર આપી નહીં રહી હોવાની વાત કરવામાં આવી રહી છે. એકતરફ ડોક્ટરોને આરામ કરવાનો સમય નથી અને બીજી બાજુ સરકાર નવી હોસ્પિટલો શરૂ કરીને મેનપાવર્સ પણ આપી રહ્યા ન હોવાથી રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. આમ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રની ભૂમિકા પણ આ કિસ્સામાં વિવાદીત છે. દરમિયાન આ કટોકટ સમયમાં હાલમાં તો બે આખલાની લડાઇમાં પ્રજાનો મરો થવાનું ચોક્કસ માનવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, હાલમાં સુરતની સિવિલની કોવિડ હોસ્પિટલમાં 150થી વધુ રેસિડેન્ટ ડોક્ટરો રાત-દિવસ ત્રણ બે શિફ્ટમાં કામ કરી દર્દીઓને સાજા કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. સુરતમાં દિવસે દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. બીજી બાજુ માંગણી મુજબ સરકાર ડોક્ટરો, સર્વન્ટોની નિમણૂક કરતી નથી. જેના કારણે ડોક્ટરો દર્દીઓની યોગ્ય રીતે સારવાર કરી શકતા ન હોવાની બૂમો ઊઠી છે. આ ઉપરાંત દરરોજ 50થી વધુ વ્યક્તિઓનાં મોત થઇ રહ્યાં છે. આ બધી સ્થિતિ વચ્ચે સુરતમાં નવી કિડની હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ ત્યાં હજુ સુધી કોઇ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી નથી.

આ તમામ બાબતોને લઇને સુરતના રેસિડેન્ટ ડોક્ટરોના પ્રમુખ ડો.જિગ્નેશે જણાવ્યું હતું કે, અમે વારંવાર સરકાર પાસે સ્ટાફ સહિત અમારી માંગણી સંતોષવા માટે રજૂઆત કરી છે. હાલની કટોકટીના સમયે પણ સરકાર સ્ટાફ આપી શકતી નથી. જેના કારણે અમારા રેસિડેન્ટ ડોક્ટરો ઉપર કામનું ભારણ વધી જાય છે. રેસિડેન્ટ ડોક્ટરોને પણ પરિવાર છે. તેમના પરિવારમાં પણ અનેક લોકોના સ્વાસ્થ્ય ખરાબ થઇ જાય છે, દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ આવે છે, ત્યારે રેસિડેન્ટ ડોક્ટરોની સેફ્ટીને લઇને પણ અનેક સવાલો ઊભા થયા છે. આ કારણોસર અમે આવતીકાલે સવારથી હડતાળ ઉપર ઊતરી જવાના છીએ. અમદાવાદમાં રેસિડેન્ટ ડોક્ટરો બપોર બાદ જ હડતાળ ઉપર ઊતરી ગયા છે.

આઈસીયુમાં એક રેસિડેન્ટ ડોક્ટર 50થી વધુ દર્દીને તપાસે છે

જેડીયુ (જુનિયર ડોક્ટર એસો.)ના ડો.જિગ્નેશે કહ્યું હતું કે, આઇસીયુમાં ફરજ બજાવતો રેસિડેન્ટ ડોક્ટર સામાન્ય રીતે સાતથી 10 દર્દીને જોતો હોય છે. પરંતુ હાલની સ્થિતિમાં એક રેસિડેન્ટ ડોક્ટર 50થી વધુ પેશન્ટનું ધ્યાન રાખી રહ્યો છે. દિવસે દિવસે કેસો વધતા જાય છે. પરંતુ સ્ટાફ પૂરતા પ્રમાણમાં મળતો નથી. રેસિડેન્ટ ડોક્ટરો સર્વન્ટની કામગીરી પણ કરે છે. જે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય.

કલેક્ટર, સુપરિન્ટેન્ડેન્ટ અને ડિનને પણ રજૂઆત કરવામાં આવી છે

રેસિડેન્ટ ડોક્ટરો સતત 24 કલાક શિફ્ટમાં કામ કરી રહ્યા છે. એક ડોક્ટર ઘરે જાય ત્યારે તરત જ બીજો ડોક્ટર ફરજમાં જોડાય જાય છે. એક ડોક્ટર સતત 8 કલાક સુધી પીપીઇ કિટ પહેરીને કામ કરે છે ત્યારે તેમને પણ શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે. આવી ગંભીર સ્થિતિ છતાં પણ સરકાર કોઇ વધારાનો સ્ટાફ આપતી નથી. આ બાબતે સુરત કલેક્ટર, સુપરિન્ટેન્ડેન્ટ અને મેડિકલ કોલેજના ડીનને પણ રજૂઆત કરવામાં આવી છે.

Most Popular

To Top