સુરત: (Surat) આ વખતે કેન્દ્ર સરકારના સ્વચ્છતા મિશનમાં (Swachhata Mission) વરસો પછી બીજા નંબરે આવ્યા બાદ જાણે તંત્રવાહકોએ સફાઇ મુદ્દે ફરી નાદારી નોંધાવી દીધી હોય તેવી હાલત આખા શહેરની થઇ ચૂકી છે. અન્ય વિસ્તારોની વાત તો ઠીક પણ ખુદ મેયરના ઝોન અને શહેરના એકદમ પોશ વિસ્તારોમાં ગણના પામતા અડાજણ-પાલ જેવા વિસ્તારોમાં પણ સામી દિવાળીએ ગંદકીના ગંજ (Dirt Garbage) ખડકાઇ રહ્યા છે. જે સુરત મનપાના તંત્રવાહકો માટે નાલેશીની વાત છે. આમ છતાં અહીંથી ચુંટાયેલા પ્રતિનિધિઓ માત્ર મનપાનાં નાનાં-મોટાં કામોને સોશિયલ મીડિયામાં મૂકીને ‘મારો વોર્ડ મારું ગર્વ’ સ્લોગન મૂકીને પોતાની જ પીઠ થાબડી રહ્યા છે. પરંતુ પ્રજા આ ન્યૂશન્સથી ત્રાહિમામ પોકારી રહી છે. શહેરના પોશ ગણાતા પાલ-અડાજણ વિસ્તારમાં ગલીએ ગલીએ કચરાના ઢગ પડી રહે છે અને તંત્ર માત્ર કાગળ પર જ કામ કરી રહ્યું હોય તેમ સાબિત થઈ રહ્યું છે. ફરિયાદો કરવા છતાં મનપાની ગાડી કચરો ઉપાડતી નથી અને આ વિસ્તારની વેલ-એજ્યુકેટેડ પબ્લિક કે જે સમયસર વેરો (Tex) ભરતી હોય તેમને કચરામાં અને દુર્ગંધમાં રહેવાનો વારો આવ્યો છે.
એકબાજુ આ વોર્ડના કોર્પોરેટર ‘મારો વોર્ડ મારું ગૌરવ’ના સ્લોગન સાથે સોશિયલ મીડિયામાં ઊજળી છબિ બતાવે છે, તો બીજી બાજુ ઠેર ઠેર ગંદકીના ગંજ ચુંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્રવાહકોની નાદારીની સાબિતી પૂરી પાડે છે
અડાજણ-પાલની 200 સોસાયટીમાં કચરાના ઢગલા થતાં હોવાની ફરિયાદ
વોર્ડ નં.10 (અડાજણ-પાલ-ઈચ્છાપોર)માં દર 500 મીટરના અંતરે આંતરિક રસ્તાઓમાં કચરાના ઢગથી સ્થાનિકો પરેશાન થયા છે. આ વોર્ડમાં ખાસ કરીને અડાજણ ગામ દરજી મહોલ્લો, મધુવન સર્કલ આગળ, અડાજણ ગ્રીન આર્કેડની બાજુમાં, અડાજણ ગામ પાદરી મહોલ્લો, માધવ પાર્કની પાછળ આવાસ પાસે, અડાજણ ઋગ્વેદ બંગ્લોઝની સામે, અડાજણ શ્યામ સૃષ્ટિની સામે, મંગલ વિહાર બહાર, પ્રવેગ રો-હાઉસની ગલીમાં, અડાજણ ગંગેશ્વર મહાદેવની ગલીમાં, દિવ્યા કોમ્પ્લેક્સની સામે મનપાના રિઝર્વ પ્લોટમાં, અડાજણ હરિઓમનગરની બહાર ડી-માર્ટવાળી ગલી, પાશ્વર્નાથ કોમ્પ્લેક્સની બહાર, મહાવીર કોમ્પ્લેક્સની બહાર, ગણેશ કૃપા સોસાયટીની સામે, મોરારજી ગાર્ડનની સામે, અડાજણ ધોબીની ખાંચીની સામે, અડાજણ ગુરુકૃપા રો-હાઉસની પાછળની ગલી, આ વિસ્તારો ઉપરાંત પણ 200થી વધુ સોસાયટીની બહાર કચરાના ઢગલા પડી રહે છે. અને મનપા ઊંચકવા માટે પણ આવતી નથી.
મારા ધ્યાન પર આવશે એટલે ચોક્કસ કામ કરાવીશ: સ્થાનિક કોર્પોરેટર ઉર્વશી પટેલ
વોર્ડ નં.10માં મારો વોર્ડ મારું ગૌરવની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા સ્થાનિક કોર્પોરેટર ઉર્વશી પટેલને તેમના વોર્ડની આ સમસ્યા અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આ વોર્ડમાં ઝોનમાંથી દરરોજ સફાઈ થાય જ છે. હાલમાં દિવાળીનો માહોલ હોવાથી લોકો સાફસફાઈ કરતા હોય છે. જેથી કચરો વધારે નીકળતો હોય, રસ્તા પર પડી રહેતો હશે. પરંતુ તેમ છતાં જો મનપા દ્વારા સમયસર કચરો ઊંચકવામાં ન આવતો હોય તો આ બાબતે ચોક્કસ કામ કરાવીશ.
ગંદકીના ઢગલાને કારણે રસ્તા પર દુર્ગંધથી ત્રાસી જાઉં છું : મ્રિદુલ વર્મા (સ્થાનિક)
પાલ વિસ્તારમાં રહેતી મ્રિદુલ વર્માએ જણાવ્યું હતું કે, જ્યાં ને ત્યાં કચરાના ઢગને કારણે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. ઘરમાં બારી અને બારણાં પણ ખોલી શકાતાં નથી. કારણ કે, ગંદકીને લીધે મચ્છરો આ વિસ્તારમાં વધી ગયા છે. આવા પોશ વિસ્તારમાં પણ જ્યાં ત્યાં ગંદકીના ઢગલા થવા માંડ્યા છે. રસ્તે પસાર થઇએ ત્યારે દુર્ગંધથી ત્રાસી જાઉં છું.