સુરત: રશિયાએ યુક્રેન સામે યુદ્ધ છેડ્યું ત્યારથી જ અમેરિકા અને યુરોપીયન દેશો ગુસ્સે ભરાયા છે. રફ ડાયમંડની આવકમાંથી રશિયાને યુદ્ધમાં ભંડોળ મળી રહ્યું છે તેમ માની અમેરિકાએ રશિયન ડાયમંડ પર પ્રતિબંધ મુકી દીધો છે અને યુરોપીયન સંગઠન જી-7 દેશો પણ તે દિશામાં આગળ વધી રહ્યાં છે.
જોકે, રશિયન ડાયમંડ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાથી આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉત્પાદકો, રત્નકલાકારો પર તેની શું અસર પડશે તે પહેલાં જાણવું અને સમજવું જરૂરી છે એમ માની જી-7 દેશોનું એક પ્રતિનિધિમંડળ સુરતની મુલાકાતે આવ્યું છે. આજે આ પ્રતિનિધિ મંડળની સુરતમાં હીરા ઉદ્યોગ ક્ષેત્રે કામ કરતા રત્નકલાકારોએ મુલાકાત લીધી હતી અને પોતાની વ્યથા વ્યક્ત કરવા સાથે હિંમતભેર એક રજૂઆત કરી હતી, જે સાંભળી હીરા ઉદ્યોગકારો પણ ચોંકી ગયા હતા.
હીરા ઉદ્યોગમાં છેલ્લાં ઘણા સમયથી મંદી છે અને તેના કારણે સંખ્યાબંધ રત્નકલાકારો બેરોજગાર બન્યા છે, ત્યારે આજે સુરત ખાતે આવેલા જી-7 દેશો ના પ્રતિનિધિ મંડળને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના આગેવાનોએ રૂબરૂ મુલાકાત કરી રશિયન ડાયમંડ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ના મુકવા બાબતે રજુઆત કરી હતી. કેમ કે તેની અસર ગુજરાતના 25 લાખ રત્નકલાકારો અને તેમના પરિવારો પર પડશે.
રશિયન ડાયમંડ ઉપર પ્રતિબંધના લીધે હીરાઉદ્યોગમાં મોટા પ્રમાણમાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે અને સુરત શહેરમાં જ છેલ્લાં ચાર મહિનામાં અંદાજે 28 રત્નકલાકારોએ જીવન ટૂંકાવી લીધા ના દુઃખદ બનાવો બન્યા છે. ત્યારે રશિયન ડાયમંડ ઉપર જો સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવશે તો રત્નકલાકારોના પરિવાર ઉપર તેની ગંભીર અસર પડશે અને રત્નકલાકારોના બાળકોના શિક્ષણ અને ભવિષ્ય ઉપર પણ ગંભીર અસર કરશે.
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત એ જી-7 દેશો ના પ્રતિનિધિ મંડળને એવી રજુઆત કરી છે કે આપણે સૌ માનવ ધર્મ અને માનવ અધિકારોનું રક્ષણ કરી રહ્યા છીએ ત્યારે અમારા લાખો કામદારો અને તેમના પરિવારોના માનવ અધિકારોનું રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. તેથી રશિયન ડાયમંડ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામા નહીં આવે એવી અમારી માંગણી છે.