સુરત: (Surat) સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં રહેતા રત્નકલાકારને (Diamond Worker) યોગા કરતી વખતે અચાનક હાર્ટ એટેક આવતા તેમનો હસતો રમતો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પત્ની જે ક્લાસમાં એરોબિક્સ અને યોગા શીખવાડવા જતા હતા તે ક્લાસમાં ક્યારેક રજાના દિવસે જતા રત્નકલાકાર હોળીના (Holi) દિવસે પણ પત્ની સાથે યોગા ક્લાસમાં (Yoga Class) ગયા હતાં. જ્યાં અચાનક તેમને પેટમાં બળતરા થતા અને છાતીમાં દુખતા હોસ્પિટલ લઈ જવાયા હતાં પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું.
સુરતના કિરણ ચોક ખાતે ગજાનંદ એરોબિક્સ એન્ડ યોગા ક્લાસ ચાલે છે. ત્યાં પાયલબેન મેંદપરા છેલ્લા ઘણા સમયથી મહિલાઓને એરોબિક્સ શીખવાડે છે. પાયલબેનના પતિ મુકેશભાઈ હીરાના કારખાનામાં કામ કરતા હતા. મુકેશભાઈની હોળીની રજા હોવાને કારણે તેઓ તેમની પત્ની સાથે યોગા ક્લાસ ગયા હતા અને યોગા શીખી રહ્યા હતા. દરમિયાન તેમને અચાનક ગેસ જેવું લાગ્યું હતું અને પેટમાં બળતરા થઈ હતી. મુકેશભાઈને ગભરામણ પણ થવા લાગી હતી. જેથી ત્યાં હાજર લોકો તેમને ઓટો કરીને નજીકની ડાયમંડ હોસ્પિટલમાં લઈ ગયા હતા. રસ્તામાં તેમને છાતીમાં વધુ દુખાવો ઉપડ્યો હતો. સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હતું. હોસ્પિટલના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકને કારણે તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
જણાવી દઈએ કે હીરા કારખાનામાં હીરા ઘસી મુકેશભાઈ પરિવારનું ગુજરાત ચલાવતા હતા. મુકેશભાઈ મેંદપરાના પરિવારમાં પત્ની પાયલ બેન, એક 18 વર્ષનો દીકરો અને એકલ 22 વર્ષની દીકરી છે. દિકરો દિકરી કોલેજમાં અભ્યાસ કરે છે. ગજાનન એરોબીક્સ એન્ડ યોગા ક્લબમાં મુકેશભાઈના પત્ની લોકોને એરોબિક્સ શીખવાડવા જતા હતા. પરંતુ તેમના પતિ મુકેશભાઈને પત્ની સાથે યોગા શીખવા જતા મોત મળ્યું હતું. જેને લઈને પરિવારમાં શોકનો માહોલ છે.