SURAT

કરોલિયા ડાયમંડ કંપનીએ જે 10 ટકા ડાયમંડ સેઝની બહાર વેચ્યા તેમાંથી એકપણ હીરાની રીકવરી થઈ નથી

સુરત: (Surat) ડિરેકટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ૧૨ ડિસેમ્બરના રોજ સચીન જીઆઇડીસી (Sachin GIDC) નજીક આવેલા સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) બહારથી તૈયાર હીરાના લોટ સાથે ૩ આરોપીઓ રાકેશ ભિકમચંદ રામપુરીયા, સાગર બિપીનચંદ્ર શાહ અને વિકાસ વિજયચંદ ચોપરાની ધરપકડ કરી નેચરલ ડાયમંડના નામે ૯૦ ટકા ફેકડાયમંડ અને ૧૦ ટકા કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ (Diamond) ઇમ્પોર્ટ – એકસપોર્ટ કરવાનું ૧૦૧૬ કરોડનું કૌભાંડ (Scam) પકડી પાડયું હતું. જેમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે ૧૦ ટકા નેચરલ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ ડોમેસ્ટિક માર્કેટમાં એટલે કે સુરતના હીરા વેપારીઓને વેચી દેવામાં આવ્યા હતાં.

આ કેસમાં ત્રણે આરોપીઓના ડીઆરઆઇએ ૨ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. તે પછી કોર્ટે ત્રણે આરોપીને જેલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતાં. નવાઇની વાત એ છે કે કરોલિયા ડાયમંડ ટ્રેડિંગ કંપની દ્વારા જે ૧૦ ટકા કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ સેઝની બહાર સુરતના હીરા બજારમાં વેચવામાં આવ્યા હતા. તે પૈકી એકપણ હીરાની સુરત ડીઆરઆઇએ હજી સુધી રીકવરી કરી નથી. એટલું જ નહીં હીરાની ખરીદી કરનાર વેપારીઓની પણ કોઇ ધરપકડ કે અટકાયત આ કેસમાં થઇ નથી. અગાઉ પણ ૩૦ મે ૨૦૨૧ ના રોજ સુરત સેઝમાં આવેલી યુનિવર્સલ ડાયમંડ કંપનીના સંચાલકો પાસેથી કોંગકોંગથી મોકલવામાં આવેલા ૧૨૦૦૦ કેરેટના હીરા ૨૦૦૦૦ કેરેટના નિકળ્યા હતા. જયારે ૨૦૦૦૦ કેરેટનું બીજું કન્સાઇનમેન્ટ ૨૭૦૦૦ કેરેટનું નિકળ્યું હતું. આ કેસમાં પણ નેચરલ ડાયમંડ ઇમ્પોર્ટ કરવાના નામે ૮૦ ટકા બનાવટી હીરા ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા. અને બાકીના ૨૦ ટકા નેચરલ ડાયમંડ સુરતની માર્કેટમાં સેઝ બહાર વેચી નાખવામાં આવતા હતા.

નવાઇની વાત એ છે કે યુનિવર્સલ ડાયમંડના કહેવાતા માલિક મિત કાછડિયાની કંપની દ્વારા પણ ઓવરવેલ્યુએશનવાળા હીરા હોંગકોંગથી ઇમ્પોર્ટ કરી સુરતની માર્કેટમાં વેચી દેવામાં આવ્યા હોવા છતાં કસ્ટમ વિભાગ કે ડીઆરઆઇ વિભાગે હીરાની ખરીદી કરનાર એક પણ સ્થાનિક વેપારીની અટકાયત કરી નથી. કે એક પણ તૈયાર હીરાની આજ સુધી રિકવરી કરી નથી. એટલે કે ડોમેસ્ટિક માર્કેટમાં વેચાયેલા હીરાની રિકવરી તો થતી નથી પરંતુ ખરીદનાર વેપારીઓ પણ પકડાતા નથી. તે સમગ્ર બાબત શંકાસ્પદ છે. કરોલિયા ડાયમંડના કેસમાં ૬૭૫ કરોડ રૂપિયા હવાલાથી મોકલવામાં આવ્યા હોવા છતાં હજી સુધી એકપણ આંગડિયાની કે નાણાં ટ્રાન્સફર કરનારની ધરપકડ કરવામાં આવી નથી. આરોપીની જેલ કસ્ટડી થયા પછી આગળની તપાસમાં શું નિકળ્યું તેની કોઇ માહિતી ડીઆરઆઇએ જાહેર કરી નથી.

Most Popular

To Top