અંકલેશ્વર, ભરૂચ: અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે (National highway) 48 ઉપર બસમાં સવાર આંગડિયા પેઢી (Angadiya firm)ના 4 કર્મચારી પાસે રહેલા રૂ.2.50 કરોડના હીરા લૂંટવા (Rob diamonds)નો પ્રયાસ થયો છે. લુંટારુઓએ ઘટનાને અંજામ આપવા એક રાઉન્ડ ફાયરિંગ (firing) કર્યું હતું. જેમાં એક મુસાફર ઈજાગ્રસ્ત (passenger injured) થયો છે. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ગોપાલ ટ્રાવેલ્સની બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ નિયમિત મુસાફરી કરતા હોવાનું ધ્યાન પાર આવતાં મંગળવારે આ બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે 3 લુંટારુ મુસાફર બની બસમાં સવાર થયા હતા. નેશનલ હાઇવે નં.48 ઉપર મુલદ નજીક એક મહારાષ્ટ્ર પાસિંગની અર્ટિગા કારે બસને ઊભી રાખી હતી. લુંટારુઓએ અહીં બસના ચાલક અને ક્લીનર ઉપર હુમલો કરી આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસે રહેલા હીરા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ભાવનગરના મુસાફર અનિલ ડાંગરે લુંટારુઓ સામે પડી બસનો દરવાજો બંધ કરવા પ્રયાસ કરતાં લુંટારુઓએ ફાયરિંગ કર્યું હતું, જેમાં અનિલ ઈજાગ્રસ્ત થયો હતો તો બૂમરાણ મચી જતાં લુંટારુઓ ફરાર થઇ ગયા હતા. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ અધિક્ષક આર.વી.ચુડાસમા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સૂત્રો અનુસાર ગત રાતે ગોપાલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ ભાવનગરથી સુરત રવાના થઇ હતી. બસ મળસકે 4 વાગ્યાના અરસામાં નર્મદા નદી ઉપરનો ટોલ પસાર કરી મુલદ પહોંચી ત્યારે એક અર્ટિગા કારે બસ થોભાવી હતી.
કાર આવ્યા બાદ બસમાં બેઠેલા લુંટારુઓ પણ એક્ટિવ થઇ ગયા હતા. આ લુંટારુઓએ આંગડિયા પેઢીના કર્મચારીઓને શોધી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તો બહારથી લુંટારુઓએ ચાલક અને ક્લીનર ઉપર હુમલો કર્યો હતો. મુસાફરો બુમરાણ મચાવી નજીકથી પસાર થતા વાહનમાં સવાર લોકોને રોકવા પ્રયાસ કરતા લુંટારુઓ નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરાતાં ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર ડિવિઝનની પોલીસ ઘના સ્થળે પહોંચી હતી. મુસાફરોના નિવેદનના આધારે વર્ણન મેળવી જિલ્લામાં નાકાબંધીના આદેશ કરાયા હતા. ઘટનાને પગલે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે લુંટારુઓને ઝડપી પાડવા ટોલટેક્સ અને હાઇવે હોટલોનાં CCTV ફૂટેજની તપાસ શરૂ કરાવી અલગ અલગ દિશામાં ટીમ રવાના કરી હતી.
બસમાં બુકિંગ નહીં મળતાં છેલ્લી ઘડીએ 3 લુંટારુએ ડ્રાઈવરની કેબિનમાં જગ્યા મેળવી
ગોપાલ ટ્રાવેલ્સની બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે લુંટારુઓ મુસાફર બની બસમાં સવાર થયા હતા. બસમાં સીટ ખાલી ન હોવાથી છેલ્લી ક્ષણોમાં બસમાં બુકિંગ માટે પહોંચેલા લુંટારુઓને બસની ડ્રાઇવર કેબિનમાં જગ્યા અપાઈ હતી. નેશનલ હાઇવે નં.૪૮ ઉપર મુલદ નજીક એક મહારાષ્ટ્ર પાસિંગની અર્ટિગા કારે બસને ઊભી રાખી હતી. લુંટારુઓએ અહીં બસના ચાલક અને ક્લીનર ઉપર હુમલો કરી આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.
નાકાબંધી કરી લુંટારુઓની શોધખોળ શરૂ કરાઈ : આર.વી.ચુડાસમા
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક આર.વી.ચુડાસમાએ જણાવ્યું હતું કે, ટેક્નિકલ સર્વેલન્સ સાથે લુંટારુઓની કારના વર્ણનના આધારે નેશનલ હાઇવેને અડીને આવેલા વિસ્તારોમાં નાકાબંધી શરૂ કરાઈ છે. પોલીસે સીસીટીવી નેટવર્કની મદદથી પણ લુંટારુંઓનો પીછો શરૂ કર્યો હતો.
અર્ટિગા કારમાંથી ચોથા લુંટારુએ ઊતરી બસની ચાવી કાઢી અન્ય ત્રણને લઈ સુરત તરફ ફરાર
બસમાં સવાર એક લુંટારુએ પોતે મુલદ ચોકડી ઊતરવાનું જણાવ્યું હતું. જેવી બસ સાઇડ ઉપર લેતાં અંદર રહેલા 3 લુંટારુએ એક્ટિવ થઈ હથિયાર કાઢ્યું હતું. દરમિયાન અર્ટિગા કાર આવી તેમાંથી ચોથો લુંટારું ઊતરી બસમાં ચઢી જઇ સૌપ્રથમ બસની ચાવી કાઢી લીધી હતી. જો કે, મુસાફર અને ક્લીનરના પ્રતિકારથી લૂંટ થઈ નહીં શકતાં ચારેય લુંટારું અર્ટિગા કાર સુરત તરફ હંકારી ફરાર થઈ ગયા હતા.
અલગ અલગ આંગડિયા પેઢીના 4 કર્મચારી હતા, હીરા કાયદેસર હતા કે નહીં એ પણ તપાસનો વિષય
ભરૂચ હાઇવે ઉપર 2.50 કરોડના હીરાની લૂંટ મુસાફર અને ક્લીનરની હિંમતથી નાકામ બની છે. ત્યારે ભાવનગરથી અઢી કરોડના હીરા લઈ સુરત જઇ રહેલા અલગ પેઢીના 4 આંગડિયાના કર્મચારીઓ પાસે રહેલા કરોડોના હીરા કાયદેસર હતા કે ગેરકાયદે એ પણ તપાસનો વિષય બન્યો છે.