SURAT

સુરતના હીરા ઉદ્યોગકારોના 1061 કરોડના હવાલા કૌભાંડમાં DRIએ મુંબઈથી આ આરોપીને પકડ્યો

સુરત: (Surat) સચિનના સુરત સેઝના હીરા ઉદ્યોગકારોના (Diamond industrialists) 1061 કરોડના હવાલા કૌભાંડમાં DRIએ મુંબઈથી વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. ગત પખવાડિયામાં ડીઆરઆઇની વિજિલન્સ ટીમે સચિન સ્થિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં 100 ટકા અસલ રફ હીરા ઈમ્પોર્ટ કરેલા દર્શાવી 90 ટકા મોઝેનાઈટ (ફેક હીરા) અને 10 ટકા નેચરલ ડાયમંડ મંગાવી તેને કાગળ પર 100 ટકા પોલિશડ ડાયમંડ તરીકે દર્શાવવાના હવાલા કૌભાંડમાં ડીઆરઆઈ સુરતે વધુ એક આરોપી ચિરાગની મુંબઈથી ધરપકડ કરી છે. આરોપી ચિરાગ બારીયાને મોડી રાતે કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલતો હુકમ કર્યો હતો.

  • આરોપીઓએ ડીલીટ કરેલા સોશિયલ મીડિયા ચેટને FSLની મદદથી પરત મેળવી ચિરાગ બારીયાની ધરપકડ કરાઈ ને મોડી રાત્રે કોર્ટમાં રજૂ કરાયો
  • હીરા ઉદ્યોગકારોના 1061 કરોડના હવાલા કૌભાંડમાં DRIએ મુંબઈથી વધુ એક આરોપીને પકડ્યો
  • કાંડમાં આ ચોથી ધરપકડ છે અગાઉ ત્રણ આરોપીઓ ઝડપાઇ ચૂકયા છે

મુંબઈના આરોપીને ડીઆરઆઈ મુખ્ય ભેજાબાજ માને છે, 10 ટકા નેચરલ ડાયમંડ સેઝ બહાર લોકલ માર્કેટમાં વેચી નાખવા અને ફેક-બનાવતી હીરા નેચરલ ડાયમંડના નામે ઍકસપોર્ટ કરી 1061 કરોડ હવાલાથી હોંગકોંગ મોકલવાના કેસમાં બારીયાની ચોથા આરોપી તરીકે ધરપકડ કરાઈ છે. કાંડમાં આ ચોથી ધરપકડ છે અગાઉ ત્રણ આરોપીઓ ઝડપાઇ ચૂકયા છે.

ડીઆરઆઈએ આરોપીઓના સોશિયલ મીડિયામાં થયેલી ચેટને આધારે એફએસએલ પાસે તપાસ કરાવી રિપોર્ટ આવ્યા બાદ બારીયાની ધરપકડ કરી લેવાઈ હતી તેની સામે 1.25 કરોડની ડયૂટી ચોરીનો કેસ કરવામાં આવ્યો છે. અધિકારીઓ આરોપી બારીયાને માસ્ટર માઇન્ડ માની રહ્યાં છે. ડાયમંડ ક્યાંથી આવ્યા અને કોને મોકલાયા તેની તપાસ થઇ રહી છે આ કેસમાં અગાઉ આરોપી રાજેશ રામપુરિયા, સાગર શાહ અને વિકાસ ચોપરાની ધરપકડ થઈ હતી. તેઓ હાલ જેલ કસ્ટડીમાં છે. આરોપી પાસેથી જે મોબાઇલ કબજે લેવાયા હતા તેની વિગતો સામે આવ્યા પછી ચિરાગ બારીયાની ધરપકડ કરાઈ છે.

Most Popular

To Top