સુરત: (Surat) કાપોદ્રામાં આવેલા એક કારખાનામાં અજાણ્યાએ લોખંડની ગ્રીલ અને તાળાં તોડી લાખોની કિંમતના હીરાની (Diamond) ચોરી (Theft) કરી હતી. આ ચોર એક કલાક સુધી કારખાનામાં રહ્યો હોવાની ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઇ હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સિંગણપોરની દેવપ્રયાગ રેસિડેન્સીમાં રહેતો સાગર મહેશ ઠક્કર કાપોદ્રાની સ્નેહમુદ્રા સોસાયટીમાં ‘યાના ડાયમંડ’ના નામથી ભાગીદારીમાં હીરાનું કારખાનું ચલાવે છે. તા.18મીના રોજ સવારે તેમના ભાગીદારનો ફોન આવ્યો હતો કે, આપણા હીરાના કારખાનાના દરવાજાનાં તાળાં તૂટ્યાં છે, ચોરી થઇ હોય તેમ લાગે છે, તમે જલદી આવો. સાગર કારખાને પહોંચ્યો અને તપાસ કરતાં કારખાનાની અંદર સામાન વેરવિખેર હાલતમાં હતો. તપાસ કરતાં ઓફિસના ટેબલના ખાનામાંથી રૂ.1.80 લાખની કિંમતના 10 હીરા તેમજ બીજાં પેકેટોમાં કાચા હીરાની રફ મળી લાખો રૂપિયાના હીરાની ચોરી થઇ હતી. સાગરભાઇએ સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તેમાં એક અજાણ્યો કારખાનામાં રાત્રે દોઢ વાગ્યાના અરસામાં આવ્યો હતો અને અઢી વાગ્યા સુધી કારખાનામાં આંટાફેરા મારતો નજરે પડ્યો હતો. આ અજાણ્યાએ લોખંડની ગ્રીલ તોડીને ઓફિસમાં આવીને ચોરી કરી હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
મોજશોખ કરવા બાઈકની ચોરી કરતી ગેંગના બે પકડાયા, 12 બાઈકની ચોરીની કબૂલાત
સુરત : સુરત તેમજ નવસારી સહિતના વિસ્તારોમાંથી ડુપ્લિકેટ ચાવી વડે મોટરસાઇકલની ચોરી કરતી ગેંગના બે યુવકોને પોલીસે પકડી પાડ્યા હતા. આ સાથે જ કુલ 12 જેટલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે તેઓએ સીસીટીવી કેમેરા તેમજ મોબાઇલ પોકેટના આધારે તપાસ કરી હતી. આ દરમિયાન પોલીસે ડિંડોલીના સંતોક રેસીડેન્સીમાં રહેતા દિપક ઉર્ફે અર્જુન સીરસાઠ તેમજ ગોપાલ રવિન્દ્ર પાટીલને પકડી પાડ્યા હતા. આ બંનેની પુછપરછ કરતા બંને રાત્રીના સમયે આંટા મારવા નીકળતા હતા અને જ્યાં એકલતામાં મોટરસાઇકલ પાર્ક થઇ હોય ત્યાં એક યુવક જઇને ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલતો હતો. જો ગાડી શરૂ થઇ જાય તો તે ગાડીની ચોરી કરી સંતાડી દેતા હતા. આ બંનેએ ઉમરા, ખટોદરા, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાંથી કુલ 12 જેટલી મોટરસાઇકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે. આરોપીઓએ એવી પણ કબૂલાત કરી હતી કે તેઓ મોજશોખ કરવા બાઈકની ચોરી કરતા હતાં.