Business

સુરત ડાયમંડ બુર્સના સભ્ય વેપારી દેશના કોઈ પણ એરપોર્ટ પરથી હીરા નિકાસ કરી શકશે, સરકારે આપી આ મંજૂરી

સુરત:(Surat) સુરત ડ્રિમ સિટીના (Dream City) એક ભાગ તરીકે તૈયાર થયેલા વિશ્વના સૌથી મોટા બુર્સ તરીકે લેખાયેલા સુરત ડાયમંડ બુર્સના (Surat Diamond Bourse ) બની રહેલા કસ્ટમ હાઉસને (Custom House) કેન્દ્ર સરકારે પ્રથમ ફેસની મંજૂરી (Permission) આપી દીધી છે.

એસડીબીના પ્રવક્તાઓ એસડીબીના પ્રવક્તા મથુર સવાણી અને દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, બુર્સમાં તૈયાર થઈ રહેલા કસ્ટમ હાઉસને કેન્દ્ર સરકારે પરવાનગી આપી છે. સરકાર બીજા ફેઝમાં નોટિફિકેશન બહાર પાડશે અને ત્રીજા ફેસમાં કસ્ટમ એસઓપી નક્કી થશે. આ કસ્ટમ પ્રોટોકલથી એસડીબીનો નોંધાયેલો સભ્ય ભારતના કોઈપણ ડોમેસ્ટિક એરપોર્ટનો (Domestic Airport) ઉપયોગ કરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ માલનું એક્સપોર્ટ (Diamond Export) કરી શકશે.

તાજેતરમાં દુબઈ એક્સ્પોમાં વિદેશી હીરા ઉદ્યોગકારો માટે પ્રેઝેન્ટેશનમાં સુરત છવાયું હતું. દુબઈમાં આયોજિત થયેલા દુબઈ એક્સ્પોમાં ગુજરાતમાં રોકાણની તકો વિષય પર ભારતીય કોમર્સ વિભાગના અધિકારીઓ દ્વારા પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું હતું, જેમાં દુબઈ સહિતના 10 જેટલા વિદેશી હીરા ઉદ્યોગકારોએ સુરતના હીરા બુર્સમાં રોકાણ કરવા માટે તૈયારી દર્શાવી હતી. 66 લાખ સ્ક્વેર ફૂટમાં ખજોદ ડ્રીમ સિટી પ્રોજેક્ટ અંતર્ગત આકાર લઈ રહેલા સુરત ડાયમંડ બુર્સને આ વર્ષના અંત પહેલાં કાર્યરત કરી દેવાની તૈયારી બતાવવામાં આવી રહી છે.

દુબઈ એક્સ્પોમાં ગુજરાતના વિવિધ ઉદ્યોગોમાં રોકાણની તક માટેનું એક પ્રેઝેન્ટેશન બતાવવામાં આવ્યું હતું, જેમાં સુરતના હીરા ઉદ્યોગની સાથે ડાયમંડ બુર્સનું પણ પ્રેઝેન્ટેશન કરવામાં આવ્યું હતું. જીજેઈપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દુબઈની તાજ હોટેલમાં વિદેશી હીરા ઉદ્યોગકારો સહિતના અન્ય ઉદ્યોગ આગેવાનો માટે ગુજરાતમાં રોકાણની તક વિષય પર થયેલા પ્રેઝેન્ટેશનમાં સુરતમાં હીરા ઉદ્યોગ માટે સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ તૈયાર કરાઈ હોવાની પણ માહિતી આપવામાં આવી હતી. આ માહિતી બાદ જ ત્યાંના ઉદ્યોગકારોમાં સુરત અને સુરતના હીરા ઉદ્યોગ માટે તૈયાર થયેલું બુર્સ બને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ સાથે ત્યાંના 10થી વધુ ઉદ્યોગકારોએ સુરતના બુર્સમાં રોકાણ કરવા માટેની ઉત્સુકતા પણ દર્શાવી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે, 2600 કરોડથી વધુના ખર્ચે બનેલા 15 માળના 9 ટાવરની 4200 ઓફિસ પહેલેથી જ ઉદ્યોગકારોની નોંધણીના આધારે એકત્રિત કરેલી રકમથી જ બનાવવામાં આવી છે. દુબઈ એક્સ્પોમાં ઉદ્યોગકારોએ બુર્સમાં ઓફિસ માટે કરેલી માંગણીનો પ્રસ્તાવ બુર્સની વર્કિંગ કમિટીમાં મૂકવામાં આવશે. ત્યારબાદ નિર્ણય કરાશે.

Most Popular

To Top