સુરત: (Surat) શહેરના ડુમસ વિસ્તારમાં શિયાળ બાદ હવે એક હરણ (Deer) મરણ હાલતમાં મળી આવતા વનવિભાગે તપાસ શરૂ કરી હતી. આ હરણને રખડતાં કૂતરાઓએ ફાડી ખાધું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઝાડી જંગલ જેવા નિર્જન વિસ્તારની ટુર દરમિયાન નેચર ક્લબના સભ્યોને આ મૃત હરણ મળી આવ્યું હતું.
- ડુમસના જુમખા મંદિર પાસે હરણને રખડતાં કૂતરાઓએ ફાડી ખાધું
- ઝાડી જંગલ જેવા નિર્જન વિસ્તારની ટુર દરમિયાન નેચર ક્લબના સભ્યોને મૃત હરણ મળી આવ્યું
સુરત શહેરના ડુમસ વિસ્તારમાં લાંબા સમયથી હરણ ફરતા હોવાની વાત ચાલી રહી છે. દરિમયાન આજે બપોરના અરસામાં પ્રયાસ અને નેચર કલબના સ્વંયસેવકો આ વિસ્તારની મુલાકાતે નીકળ્યા હતાં. સમયાંતરે તેમની ટીમ ડુમસના ઝાડી ઝાંખરા તેમજ જંગલ જેવા નિર્જન વિસ્તારની ટુર કરતી હોય છે. આજે પણ આવી ટુરનો એક પ્રોગ્રામ હતો. દરમિયાન રાકેશભાઇ નામના નેચર લવરની નજરે એક મૃત હરણ ચઢયું હતું. કૂતરાઓ આ હરણને બચકા ભરી ફાડી ખાધું હતું. ડુમસ વિસ્તારમાં હરણની હાજરીની વાતથી આખી ટીમ અચંબામાં મુકાઇ ગઇ હતી. આ ઘટનાને જોઇ સ્થળ ઉપર ઉભેલા લોકોએ પોલીસ અને વનવિભાગને જાણ કરી હતી. જેને પગલે વનવિભાગની ટીમ પણ દોડતી થઇ ગઇ હતી. આ ઘટના અંગે વનવિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે, સ્થળ ઉપર રોજકામ પંચકયાસ કરી મૃત હરણને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાયુ છે. હરણ ઉપર કૂતરાના દાંત ખૂંપેલા હોય તેવા નિશાન પણ મળી આવ્યા હતા. જોકે હરણનું મોતનું સાચુ કારણ પીએમ પછી બહાર આવશે.
અગાઉ શિયાળ પણ દેખાયુ હતું
ડુમસ વિસ્તારમાં પણ શિયાળ દેખાયુ હતું. અનેક રહસ્યમ અજાયબીઓથી ભરેલા ડુમસનું નામ બહુ ચમકયુ હતુ. હવે શિયાળ બાદ આ વિસ્તારમાં હરણ દેખાતા લોકો પણ અચરજ પામી ગયા છે.
ડુમસ ગામમાં છ હરણ ફરે છે : મુન્નાભાઇ ઉર્ફે દર્પણભાઇ પટેલ ( સ્થાનિક રહેવાસી)
સુલતાનાબાદ ગામના રહેવાસી મુન્નાભાઇ ઉર્ફે દર્પણભાઇ રતિલાલ પટેલએ કહ્યું હતું કે, ડુમસ વિસ્તારમાં જે મંદિર પાસે હરણ મરણ હાલતમાં મળી આવ્યું છે તે મંદિરના તેઓ નિયમિત દર્શન કરવા જાય છે. આ મંદિર તેમના ઘર નજીક છે. તેમને કહ્યું હતું કે, ડુમસ વિસ્તારમાં હજી પણ છ હરણ ફરી રહ્યાં છે. આ હરણનો તપાસ કરવા હવે વનવિભાગની ટીમ પણ સક્રિય થઇ ગઇ છે.