ભારતીય સંસ્કૃતિમાં પહેલાથી જ ડાન્સનું અનેરું મહત્વ રહ્યું છે અને આજે પણ ડાન્સ એટલા જ લોકપ્રિય છે પણ પેઢી બદલાતા તેનું સ્વરૂપ બદલાયું હોય તેમ લાગી રહ્યું છે. પહેલાં ડાન્સમાં ગરબા, ભરતનાટ્યમ, કુચિપુડી જેવા કલાસિકલ અને બૉલીવુડ ડાન્સ શીખવાનો ક્રેઝ હતો જે હવે સમય જતાં વેસ્ટર્ન ડાન્સમાં પરિવર્તિત થયો છે. સુરતીઓ હવે બ્રેક ડાન્સ,હિપ હોપ તથા બેલે ડાન્સ જેવા ડાન્સ શીખવા માટે રસ દાખવી રહ્યા છે. આજે 29th એપ્રિલ વર્લ્ડ ડાન્સ ડે નિમિત્તે સિટી પલ્સની ટિમ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે લોકોમાં આ ડાન્સનો ક્રેઝ કેમ વધી રહ્યો છે
કંઈક નવું શીખવા તત્પર છે આજના યંગ સ્ટાર્સ : સેમ જોવેલ
સુરતના સિટી લાઇટ વિસ્તારમાં રહેતાં સેમ જોવેલ જણાવે છે કે,હું મૂળ કર્ણાટકનો છું અને છેલ્લાં 24 વર્ષથી સુરતમાં સ્થાયી થયો છું. મે જોયું કે, સુરતીઓ મોજીલા છે અને કંઈક નવું શીખવા માટે ક્યારેય આનાકાની કરતાં નથી. આગળ જતાં નહીં ગમે તો તે વસ્તુ નહીં અપનાવે પણ ટ્રાય તો કરે જ. મારા પરિવારમાં પહેલેથી જ ડાન્સર અને સિંગર હાજર હોવાથી મને ડાન્સ શીખવા માટે બહાર જવાની જરૂર નહીં પડી અને જેથી મેં જાતે જ યુ ટ્યુબમાં વિડીયો જોઈને ઇન્ટરનેશનલ ડાન્સ શીખી લીધા હતા. હાલમાં મારા વર્કશોપમાં ડાન્સ શીખવા આવતાં લોકોમાં લેટિન ડાન્સનું ચલણ વધ્યું છે. તેમાં BACHATA, KIZUMBA અને SALSA નો સમાવેશ થાય છે. આ એક કપલ ડાન્સ હોય છે જેનો ક્રેઝ ખાસ કરીને યંગ સ્ટાર્સમાં વધી રહ્યો છે કારણ કે આજની પેઢી એડવાન્સ રહેવામાં માને છે અને કઈક નવું શીખવા માટે તત્પર રહે છે જેથી સુરતમાં પણ આ ક્રેઝ વધી રહ્યો છે.’
રિયાલીટી શો અને બૉલીવુડના કારણે ઇન્ટરનેશનલ ડાન્સનો ક્રેઝ વધ્યો: જય નાયક
શહેરના કતારગામ વિસ્તારમાં રહેતાં જય નાયક જણાવે છે કે, મેં 2006 થી 2014 સુધી બોલિવુડમાં કામ કર્યું હતું અને તેના માટે મેં પેરિસમાં ટ્રેનીંગ લીધી હતી કારણ કે ઈંડિયામાં ઇન્ટરનેશનલ ડાન્સ અંગેના કોઈ કલાસિસ ઉપલબ્ધ નથી. જો કે તેમ છતાં ઇન્ટરનેશનલ ડાન્સ શીખવા માટે સુરતીઓ ઉત્સાહિત જોવા મળે છે. હું અને મારી વાઈફ નતાશા 2015 થી સુરતમાં બેલે, હિપ હોપ અને મોડર્ન ડાન્સના ક્લાસીસ કરાવીએ છીએ. પહેલાં તો લોકો ઇન્ટરનેશનલ ડાન્સ કઈક નવું કરવાં માટે શિખતા હતા પણ છેલ્લાં થોડા વર્ષોથી સુરતમાં ઇન્ટરનેશનલ ડાન્સનો ખાસ્સો ક્રેઝ જોવા મળી રહ્યો છે કારણ કે આજે ડાન્સને લગતા રિયાલીટી શો ની ભરમાર જોવા મળે છે, સાથે જ બોલિવુડમાં પણ વેસ્ટર્ન ડાન્સનો ફાળો વધ્યો છે જેથી લોકો રિયાલીટી શો અને બૉલીવુડ ડાન્સથી પ્રેરણા લઈને ઇન્ટરનેશનલ ડાન્સ તરફ વળ્યા છે. જો કે કેટલાકના પરિવારજનો ઇન્ટરનેશનલ ડાન્સની જગ્યાએ ક્લાસિકલ ડાન્સ શીખવાની ભલામણ કરતાં હોય છે ત્યારે તેમને અમે ડાન્સ વિષે માહિતી આપીને તેમને ડાન્સના મહત્વ અંગે માહિતગાર પણ કરતાં હોઈએ છીએ.’
લિરિકલ ડાન્સનો ક્રેઝ વધ્યો: જયરોમ ધર્મેશ
અમરોલી વિસ્તારમાં રહેતા જયરોમ ધર્મેશ જણાવે છે કે, ભૂતકાળમાં સુરતમાં પણ રિયાલિટી શો માટે ઓડિશન થયા હતા ત્યારે સુરતીઓએ કલાસિકલ ઉપરાંત વેસ્ટર્ન અને ઇન્ટરનેશનલ ડાન્સ જોયા અને ત્યારબાદ આ ક્રેઝ વધ્યો. પહેલા લોકો ક્લાસિકલ ડાન્સને પ્રાધાન્ય આપતા હતા પણ હવે તેમને લાગ્યું કે કઈક નવો ડાન્સ શીખવો જોઈએ જેની છાંટ બૉલીવુડમાં પણ જોઈ શકાય છે. હાલમાં મારી પાસે બોલરૂમ, હિપ હોપ અને લિરિકલ ડાન્સ શીખવા માટે લોકો આવે છે આ બધા ડાન્સ અમેરિકા, જર્મની, બ્રિટન અને ફ્રાંસ જેવા દેશોમાં જોવા મળતા હતા બાદમાં તેમાં થોડા વધારા ઘટાડા સાથે આપણાં દેશ અને સુરતમાં પ્રવેશ્યા. સુરતીઓ તો આમ પણ નવી વસ્તુને ઝડપથી અપનાવી લેતા હોય છે તેમ આ ઇન્ટરનેશનલ ડાન્સને પણ પોતિકો કરી લીધો. આજે મારી પાસે ખાસ કરીને લોકો લિરિકલ ડાન્સ અને ફ્રી સ્ટાઈલ ડાન્સ શીખવા માટે ખાસ આવે છે જેમાં બૉલીવુડનો પણ મોટો ફાળો કહી શકાય. જો કે ડાન્સ એ પસંદની વસ્તુ છે એટલે કોઈક ને આવા ડાન્સ પસંદ નહિ પણ આવે પણ યંગસ્ટર્સમાં તો ઇન્ટરનેશનલ ડાન્સ જ ફેવરિટ છે.’
લોકોને નવા પ્રકારના ડાન્સ કરવાની મઝા આવે છે : રોહિત શર્મા
છેલ્લા 3-4 વર્ષથી વેસુ વિસ્તારમાં હીપહોપ અને હાઉસ જેવા ઇન્ટરનેશનલ ડાન્સના વર્કશોપ ચલાવતા રોહિત શર્મા કહે છે કે, ‘ સુરતીઓને હંમેશા કંઈક નવું કરવાં જોઈએ, તેઓ કોઈપણ નવી વસ્તુને અપનાવવા માટે હંમેશા તૈયાર હોય છે. ખાવાપીવાના શોખીન સુરતીઓને ડાન્સમાં પણ કઈક નવું જોઈએ, જેથી ધીમે ધીમે તેમનો ઝુકાવ ક્લાસિકલ ડાન્સની સાથે સાથે ઇન્ટરનેશનલ ડાન્સ તરફ પણ જોવા મળી રહ્યો છે. મારા વર્કશોપમાં આવતાં કેટલાક લોકો કઈક નવું શીખવાના આશય સાથે આવે છે તો કેટલાક માત્ર તેમને આ ડાન્સમાં મઝા આવતી હોવાથી આવે છે. ત્યારે કેટલાક લોકો એવાં પણ હોય છે કે જેઓ ઇન્ટરનેશનલ ડાન્સને પ્રોફેશન તરીકે અપનાવે છે જ્યારે કેટલાક લોકો એવાં પણ હોય છે જેઓ એકસરખા ડાન્સમાં કઈક નવું એડ કરવાં ઇચ્છતા હોવાથી વર્કશોપ જોઇન કરે છે. જો કે ઘણીવાર એવું થાય છે કે, તેમના પરિવારને આ પ્રકારનો ડાન્સ પસંદ ન હોવા છતાં પોતાના શોખ માટે જ શીખે છે. મને પણ કોઈ અલગ ડાન્સ શીખવો હતો અને જેના માટે હું પુણે અને બેંગ્લોર જેવા સિટીમાં જઈને અલગ અલગ ડાન્સ શીખ્યો છુ.’