SURAT

સુરત: દુકાનદારની પત્ની અને પરિવારના ફોટા નીચે બિભત્સ લખાણ લખી વાયરલ કરાયા

સુરત: (Surat) એ.કે. રોડ પર રહેતા અને કરિયાણાના દુકાનદારની (Shopkeeper) પત્ની સાથેના પરિવારના ફોટો ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી પર બિભત્સ લખાણ સાથે મુકતા સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

  • કરિયાણા દુકાનદારની પત્ની અને પરિવારના ફોટા નીચે બિભત્સ લખાણ સાથે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી પર વાયરલ કરાયા
  • રાત્રે બીજી ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી તેમની પત્ની સાથે અને પરિવારના ફોટો બિભત્સ લખાણ સાથે પોસ્ટ કર્યા હતા

વરાછા એ.કે. રોડ પર રહેતા 33 વર્ષીય વિજયભાઈ (નામ બદલ્યું છે) કરીયાણાની દુકાન ચલાવે છે. ગત 11 ડિસેમ્બરે તેમને ઇન્સ્ટાગ્રામ આઈડી પર આરજે પ્રિયાંશી4 ઇન્સ્ટા આઈડી પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જોકે તેમણે આ રિકવેસ્ટ એક્સેપ્ટ કરી નહોતી. બાદમાં તેમણે આઈડી ખોલીને જોતા સ્ટોરીમાં તેમના અને તેમની પત્ની સાથેના તથા છોકરાઓના તથા માતા-પિતા અને પરિવારના ફોટો પોસ્ટ કર્યા હતા. જે ફોટોગ્રાફ નીચે બિભત્સ ભાષામાં લખાણ લખ્યું હતું. વિજયભાઈએ કોઈ રિપ્લાય આપ્યો નહોતો. રાત્રે બીજી ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી તેમની પત્ની સાથે અને પરિવારના ફોટો બિભત્સ લખાણ સાથે પોસ્ટ કર્યા હતા. જેથી તેમણે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

રિંગરોડ જે.કે.ટાવર પાસે ઓનલાઈન સટ્ટો રમાડતા બે વેપારી પકડાયા
સુરત: રિંગરોડ ખાતે જે.કે. ટાવર નજીક બે ટેક્ષટાઈલ વેપારી ઓનલાઈન મેચ પર સટ્ટો રમાડતા પોલીસે પકડી પાડ્યા હતા. બંનેની ધરપકડ કરી તેમને એક લાખમાં આઈડી આપનાર અંકુર અગ્રવાલને વોન્ટેડ જાહેર કરાયો હતો. ખટોદરા પોલીસની ટીમને ગઈકાલે રીંગરોડ જે.કે.ટાવરની પાસે એક વ્યક્તિ મોબાઈલ એપ્લિકેશન વડે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે જે.કે. ટાવર પાસે આવીને પોલીસે વોચ ગોઠવી હતી. જ્યાં બે જણા હાથમાં ફોન પકડીને કઈ કરતા હતા.

તેમને પકડીને મોબાઈલ ચેક કરતા શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ તથા ઇંગ્લેન્ડ વુમન સાઉથ આફ્રિકા વુમન ટેસ્ટ મેચોના લાઈવ સ્કોર આવતો હતો. અને મોબાઈલમાં ગુગલ ક્રોમ ઉપર એક વેબસાઈટ પર કોઈ બુકી દ્વારા આપવામાં આવતા લોગ ઇન આઈડી તથા પાસવર્ડનો ઉપયોગ કરી સટ્ટો રમાડતા હતા. બંનેના નામ પુછતા દિપેશ દીલીપ અગ્રવાલ (ઉ.વ.36, રહે.રઘુવીર સીમ્ફોની, અલથાણ) હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીજાનું નામ અમિત સુનિલકુમાર સરાફ (ઉ.વ.29, રહે.આશીર્વાદ એવન્યુ, શ્યામ મંદિર સામે, ખટોદરા) હોવાનું જણાવ્યું હતું. તેમને આ યુઝર આઈડી આપનારની પુછપરછ કરતા અંકુર અગ્રવાલ (રહે. સિલ્વર પોઈન્ટ, ભટાર) એ આપી હોવાની કબુલાત કરી હતી. અને તેની પાસેથી 1 લાખ રૂપિયામાં આઈડી ખરીદી હતી. પોલીસે બંને વેપારીઓને પકડી અંકુર અગ્રવાલને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Most Popular

To Top