SURAT

સુરત: ક્રાઈમબ્રાંચે 19.74 લાખનું અને લાલગેટ પોલીસે 1.19 લાખનું ડ્રગ્સ પકડ્યું

સુરત: (Surat) પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ક્રાઈમ જોઈન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સ દ્વારા શહેરમાં ડ્રગ્સ (Drugs) માફીયાઓની કમર તોડવા માટેની શરૂઆત કરાઈ છે. લાંબા સમયથી ફરી એક્ટીવ થયેલા ડ્રગ્સ માફીયાઓને પકડી પાડવા માટે પોલીસની ટીમ એક્શનમાં આવી છે. એસઓજીએ બે દિવસ પહેલા એક કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યા બાદ આજે ક્રાઈમ બ્રાંચે 20 લાખનું અને લાલગેટ પોલીસે 1.19 લાખનું ડ્રગ્સ પકડી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઉધના દરવાજા આવકાર ટેલરના પાછળની ગલીમાં ઘર નંબર ૦૨/૬૭૬ સામેથી આરોપી મોહમદ તોકીર ઉર્ફે તોસીફ હનીફ શેખ (ઉ.વ.રર રહેવાસી. રૂસ્તમપુરા, ચલમવાડ, રૂસ્તમપુરા પોલીસ ચોકીની સામે, સલાબતપુરા તથા ઘર નંબર ૪૦, ખ્વાજા નગર ઝુપડપટ્ટી, ગલી નંબર ૦૩, માનદરવાજા) ની ધરપકડ કરી હતી. અને તેની પાસેથી 19.74 લાખની કિમતનું 197.42 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે લેવાયું હતું. આ સિવાય મોબાઈલ ફોન અને રોકડા 1200 મળી પોલીસે કુલ 20.45 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે આરોપી રેહાન જાવીદ શેખ (રહે. ઘંટીવાલા ચાલ સૈયદપુરા) ને વોન્ટેડ જાહેર કર્યો છે. મોહંમદ તોકીર ઉર્ફે તોસીફ હનીફ શેખ ડ્રગ્સનો જથ્થો રેહાન પાસેથી લાવ્યો હતો. અને તેના કહ્યા મુજબ આ જથ્થાની હેરાફેરી કરતા ક્રાઈમ બ્રાંચે તેને દબોચી લીધો હતો. આરોપી મોહંમદ તોકીર ઉર્ફે તોસીફ હનીફ શેખ તથા વોન્ટેડ આરોપી રેહાન જાવીદ શેખ છેલ્લા ઘણા સમયથી એમ.ડી.ડ્રગ્સની હેરાફેરી કરી વેચતો હતો.

લાલગેટ પોલીસે 1.19 લાખના ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા
સુરત: બે દિવસ પહેલા એસઓજીની ટીમએ લાલગેટ પોલીસની હદમાં 1 કરોડની કિમતનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું. ત્યારબાદ લાલગેટ પીઆઈ એન.એમ.ચૌધરીએ તેમની ટીમને ડ્રગ્સ બાબતે માહિતી મેળવવ સૂચના આપી હતી. લાલગેટની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હે.કો.ચેતનસિંહ કાળુભાઇને લાલગેટ વિસ્તારમાં મહીના મસ્જીદ મહોલ્લામાં રહેતા આરોપી જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ (ઉં.વ.૩૦, રહે. તાતવાડા, મદીના મસ્જીદ મહોલ્લો, વરીયાળી બજાર) ચોરી છુપીથી ડ્રગ્સ મંગાવી પોતાના ઘરેથી વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. આરોપી હાલમાં તેના ઘરે ડ્રગ્સનો જથ્થો હોવાની બાતમી હતી. બાતમીના આધારે તેના ઘરે રેઇડ કરી ચેક કરતા 1.19 લાખનું 11.94 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. તેની અંગ ઝડતીમાંથી ડ્રગ્સ વેચાણના રોકડ રૂ. ૧૩,૯૫૦, મોબાઈલ ફોન, 2 ડીજીટલ વજન કાંટા તથા નાની મોટી સાઇઝની પ્લાસ્ટીકની 271 પુશલોક બેગ મળી કુલ 1.45 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.

બે દિવસ પહેલા 1 કરોડનું ડ્રગ્સ મળ્યું હતું
એસઓજી પોલીસને 1 કિલો ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે. સાથે જ પોલીસે એક મોપેડ અને એક બાઈક પણ જપ્ત કર્યું છે. પરંતું સપ્લાય કરનાર કાશીફ, લેનાર સેહબાઝ ખાન બંને આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થયા હતા. આ ઉપરાંત ડ્રગ્સનો જથ્થો આપનાર મોહમ્મદ કાશીફ અને મંગાવનાર શહેબાઝ ખાનને ફરાર જાહેર કરવામાં આવ્યા છે, પોલીસને જોઈ આરોપીઓ ડ્રગ્સ નાખીને ફરાર થઈ ગયા હતા

Most Popular

To Top