SURAT

દામકામાંથી ક્રાઇમ બ્રાન્ચે છ કરોડનું અફઘાની ચરસ પકડી પાડયું

સુરત: (Surat) દામકામાંથી ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) વધુ સાડા છ કિલો અફઘાની ચરસ (Charas) પકડી પાડયુ છે. જેની બજાર કિંમત સાડા છ કરોડની આસપાસ છે. આ ચરસ પણ દામકા ગામના સ્થાનિક રહેવાસી દ્વારા બજારમાં વેચવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.

  • ક્રાઇમબ્રાન્ચે દામકામાંથી વધુ સાડા છ કરોડનું ચરસ શોધી કાઢ્યું
  • પોલીસના રિમાન્ડ દરમિયાન રાજગરીગામના યુવાનનું નામ ખૂલ્યુ
  • ગભરાયેલા લોકો અવાવરૂ જગ્યામાં ચરસ ફેંકી રહ્યાં છે

ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, દરિયા કિનારેથી મળેલુ બિનવારસી અફઘાની ચરસ દામકાના હદ વિસ્તારમાં કોઇ વેચવાનો પ્રયાસ કરી રહ્યુ છે. જેના આધારે પોલીસે ટ્રેપ ગોઠવીને એક યુવાનની ધરપકડ કરી છે. તેની પાસેથી સાડા છ કિલો ચરસ મળી આવ્યુ છે. તેણે કબૂલાત કરી હતી કે કરોડો રૂપિયા કિંમત હોવાને કારણે તે તેની રોકડી કરવા માંગતો હતો. દરમિયાન દામકા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જમીનમાં સંતાડેલો આ જથ્થો શોધીને તેની પર કબજો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાંજ હજીરાના કરોડપતિ નબીરાઓ ચરસનુ વેચાણ કરતા ઝડપાયા હતાં. દરમિયાન આ મામલે બે યુવાનોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે રાજગરી યુવાનની ધરપકડ કરી
અફઘાની ચરસના પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે રાજગરીના યુવાનની ધરપકડ કરી છે. પોલીસે હાલમાં તેનું નામ આપવાનો ઇનકાર કરી દીધો છે. અફઘાની ચરસ સંખ્યાબંધ લોકોએ પોતાની પાસે રાખ્યુ હોવાની ચર્ચા છે. હજીરાના બે યુવાનો પકડાતા હવે જે લોકો પાસે આ ચરસ હતું તે લોકો આ ચરસ અવાવરૂ જગ્યાએ ફેંકી રહ્યા છે. દરમિયાન હજીરાના બે યુવાનોએ રાજગરીના યુવાનનુ નામ આપતા તેની પાસેથી સાડા છ કરોડનુ ચરસ પકડી પાડવામાં આવ્યુ છે. આ કાંડમાં હજુ વધુ નામ ખૂલવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. દરમિયાન પોલીસને શંકા છે કે હજુ મોટો જથ્થો લોકો પાસે સંતાડયો છે કે ક્યાંતો પછી તેને દરિયા કિનારે ફેંકી દેવાયો છે. પોલીસ હાલમાં અવાવરૂ જગ્યાએ આ જથ્થો શોધી રહી છે.

Most Popular

To Top