uncategorized

ઉધાર રૂપિયાના બદલામાં છ બાઈક ચોરી તને આપી દઈશ, તે વેચીને રૂપિયા કવર કરી લેજે- સુરતનો કિસ્સો

સુરત: (Surat) સંબંધી પાસેથી ઉછીના લીધેલા 50 હજાર નહીં ચુકવી શકનાર યુવકે બાઈકો ચોરી (Bike Theft) કરી તેને આપી હતી. જેથી ચોરીની બાઈક વેચીને ઉછીના આપેલા રૂપિયાની ચૂકવણી કરી શકે. જોકે ક્રાઈમ બ્રાંચે (Crime Branch) ચોરીની બાઈક વેચનારને પકડી પાડ્યો હતો.

ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી પરવેઝ આસિફ સૈયદ (રહે, ગાંધી રોડ નિઝામપુર તા.સાકરી, ધુલિયા, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં ત્રણ, અડાજણ, ઉમરા અને સલાબતપુરા પોલીસમાં એક-એક વાહન ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી પરવેઝ પાસેથી તેના સંબંધી સાજીદ ઉર્ફે સાજીદ શેખે એક વર્ષ પહેલા 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. જે રૂપિયા અવાર નવાર પરત માંગતા સાજીદ શેખ પરત આપી શકે તેમ નહોતો. પાંચથી છ મહિના પહેલા સાજીદે હું તને રૂપિયા આપી શકુ તેમ નથી પરંતુ સુરતથી પાંચ છ બાઈકો ચોરી કરી લાવી તને આપી દઇશ તે વેચીને તું રૂપિયા કવર કરી લે જે તેમ પરવેઝને કહ્યું હતું.

પરવેઝે ઉછીના આપેલ રૂપિયા કરતા વધારે રૂપિયા મળશે તેવી લાલચે ચોરીના વાહનો લેવા માટે તૈયાર થયો હતો અને સાજીદ ઉર્ફે સાજીદ દુબઇવાલા મજીદ શેખ (રહે, મોમનાવાડ ખાડી, નવો રોડ, ગોપીપુરા, સુરત. મુળવતન- નિઝામપુર, મહારાષ્ટ્ર)ને પોલીસે પકડી પાડતા આ વાહન તે પરવેઝને વેચતો હોવાની કબૂલાતને આધારે પરવેઝની પણ ધરપકડ કરવામાં આવી હતી. પરવેઝ ચાર વર્ષ પહેલા આર્મ્સ એકટ હેઠળના ગુનામાં મહારાષ્ટ્રના ચાલીસગાંવ પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો. પોલીસે આ સાઝે 6 બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

અમરોલી પોલીસે કોસાડ આવાસમાંથી ગેસ રિફીલીંગ કૌભાંડ પકડ્યું
સુરત : કોસાડ આવાસમાં પોલીસે રેડ પાડી ગેસ રિફીલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. પોલીસે ગેસની બોટલ સહિત કુલ રૂપિયા ૧૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી મહિલા સહિત બે જણા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર અમરોલી પોલીસે ગતરાત્રે કોસાડ આવાસમાં રહેતા નૌસાદબી ફારૂક શેખના ઘરે રેડ કરી હતી. જ્યાં નૌસાદબી ગેસનું ગેરકાયદેસર રિફીલીંગ કરતા મળી આવી હતી. નૌસાદબી કોમર્શિયલ વપરાશમાં લેવાતા ઇન્ડીયન કંપનીની ગેસ બોટલમાંથી તેમજ ઘરવપરાશમાં લેવાતા ભારત ગેસની બોટલોમાંથી જરૂરીયાતવાળા લોકોને ગેસ રિફીલીંગ કરી આપતા હતા. અમરોલી પોલીસે ગેસની ભરેલી તેમજ ખાલી બોટલો, વજનકાંટો અને એલ્યુમિનીયમની પાઈપો મળી કુલ રૂ.16 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગેસની બોટલો લાવી આપનાર નૌસાદબીના પુત્ર ફરીદ ફારૂક શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Most Popular

To Top