21 વર્ષ બાદ કોઈ પોલીસ કમિશનરે સુરતના આ વિસ્તારમાં એકલા જવાની હિંમત બતાવી – Gujaratmitra Daily Newspaper

SURAT

21 વર્ષ બાદ કોઈ પોલીસ કમિશનરે સુરતના આ વિસ્તારમાં એકલા જવાની હિંમત બતાવી

સુરત : (Surat) સુરતના પોલીસ કમિશનર (CPSurat) અજય તોમરની (Ajay Tomar) લોકોનો સીધો સંપર્ક સાધવાની આદતના લીધે શહેરના પોલીસ કર્મીઓની ઊંઘ ઉડી ગઈ છે. તાજેતરમાં સુરત પોલીસ કમિશનર અજય તોમરે એવું કર્યું કે જેથી પોલીસવાળા દોડતા થઈ ગયા હતા. દારૂ અને જુગારના અડ્ડાથી ધમધમતા સુરતના કુખ્યાત વિસ્તાર ગોલવાડમાં (Golwad) અજય તોમર એકલા જ ચાલતા નીકળી પડ્યા હતા, જેના લીધે દારૂ-જુગારના અડ્ડા ચલાવનારાઓ કરતા વધારે ટેન્શન સુરત પોલીસને થઈ ગયું હતું. પોલીસ કમિશનર નાઈટ વોક પર ગોલવાડમાં ગયા હોવાની ખબર પડતા જ પોલીસવાળાઓએ બૂટલેગરોને ફોન કરી દારૂ-જુગારના અડ્ડા બંધ કરાવી દીધા હતા.

  • 21 વર્ષ પહેલા પી.કે.દત્તા પાળેલા કૂતરાને લઇને એકલા ગોલવાડમાં ઘૂસ્યા હતા
  • જો કે, સુનિલ દોરી નામના ડ્રાઇવર અને કેશિયરે એક્ટિવા ઉપર જઇને પહેલા જ અડ્ડા બંધ કરાવી દીધા

ભૂતકાળમાં ત્રણ દાયકા પહેલા કમિ. પી.કે. દત્તા ગોલવાડમાં તેમના પાળેલા કૂતરા સાથે ચાલતા ગયા હતા. તે સમયે ભારે ઉહાપોહ થયો હતો. ગોલવાડ દાયકાઓથી જુગાર અને દારૂ માટે બદનામ છે. આ વખતે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર રાત્રિના નવ વાગ્યે ચાલતા ગોલવાડમાં એકલા ઘૂસી ગયા હતા. મહિધરપુરા વિઝિટ પછી ત્વરીત કમિ. તોમર અન્ય પોલીસ કર્મચારીને લીધા વિના ગોલવાડ જતા સ્થાનિક પોલીસ પોતાની પોલ ખૂલી જવાની બીકે ઉંઘ હરામ થઇ ગઇ હતી. આ સમયે ત્વરીત ગોલવાડમાં બૂટલેગરો અને જૂગારની કલબો પર સ્થાનિક પોલીસના મોબાઇલ ફોન પહોંચી ગયા હતા. તેમાં પણ સુનીલ દોરી નામનો ડ્રાઇવર અને વેલજી નામના કોન્સ્ટેબલે એક્ટિવા ઉપર જઇને જઇને તમામ અડ્ડા બંધ કરાવી દીધા હતા.

ગોલવાડના લોકોને પણ કમિ. તોમર આવ્યા હોવાનું માલુમ પડતાંજ ઘરની બહાર નીકળ્યા હતા. આ તમામમાં કમિ. અજય તોમરની આ કાર્યવાહીએ પોલીસને દોડતી કરી દીધી હતી. પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે તેઓ રૂટીન વોક પર હતા. તેઓ એકલા જ ગોલવાડમાં ચાલ્યા હતા. અલબત આ તમામમાં લોકો સુધી પહોંચવાની પોલીસ કમિશનર અજય તોમરની મહેનત સાચે જ રંગ લાવી રહી છે. તેમાં વિવાદીત પોલીસ અધિકારીઓની પોલ પણ ખુલ્લી પડી રહી છે.

Most Popular

To Top