સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ (Kidnapping And Rape) અને હત્યાના કેસમાં આજે કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. પાંડેસરા પોલીસે બાળકી ગુમ થયા બાદ ગણતરીના દિવસોમાં મૃતદેહને શોધી કાઢ્યા બાદ આરોપીની ધરપકડ કરી તમામ પુરાવાઓ ભેગા કર્યા હતા. લગભગ 7 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આરોપીને વધુમાં વધુ સજા મળે એવી માગ સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાએ કરતાં કહ્યું હતું કે 99 ટકા લોકો ઈચ્છે કે આ બર્બરતાપૂર્ણ કૃત્યની સજા ફાંસીથી ઓછી ન હોવી ન જોઈએ.
પોર્ન મૂવી જોઈને અઢી વર્ષની બાળાને ફાંસીની સજા આપી સુરતની કોર્ટે ગુજરાતના ઈતિહાસનો સૌથી ઝડપી ચૂકાદો આપ્યો છે. માત્ર 29 દિવસમાં જ આરોપી બળાત્કારીને ફાંસીના માંચડે ચઢાવી દેવાનો ઉદાહરણીય ચૂકાદો આજે કોર્ટે આપ્યો છે. બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુરતના પાંડેસરાની પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી, 7 દિવસમાં ટ્રાયલ પૂરી થઈ અને આજે કોર્ટે સજા જાહેર કરી છે. માત્ર એક મહિનાની અંદર 29 દિવસમાં જ ફાંસીની સજા આપવામાં આવી હોય એવો ગુજરાતના ઈતિહાસનો આ પહેલો ચૂકાદો છે.
આ અગાઉ સોમવારે બંન્ને પક્ષકારોએ દલીલો પુર્ણ કરી હતી. કોર્ટે આરોપીને દોષીત ઠેરવ્યો હતો. આ કેસમાં સરકારી વકીલે આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી. સરકારી વકીલે દલીલ કરતા જણાવ્યું કે, આવડી નાનકડી બાળકીને ચુંથી નાખનાર આરોપી સમાજ માટે ખતરનાક છે. તેણે જે કૃત્ય કર્યું તે માટે તેને ફાંસીથી જરા પણ ઓછી સજા ન હોઇ શકે. કારણકે અઢી વર્ષની બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબના જણાવ્યા મુજબ બાળકી સાથે એટલી હદે ક્રુરતા કરવામાં આવી હતી કે યોનિમાંથી આંતરડા બહાર આવી ગયા હતા. ઉપરાંત સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ આચરવામાં આવ્યું હતું. બાળકીનું મોઢું અને નાક દબાવી શ્વાસ રૂંધાવી હત્યા કરી હોવાથી મોંઢા અને નાક પાસે પણ ઇજાના નિશાન મળી આવ્યા હતા.
આરોપી સામેનો કેસ રેરેસ્ટ ઓફ રેર છે, તેને મહત્તમ એવી ફાંસીની જ સજા આપવી જોઇએ. આ માટે સરકાર તરફે કુલ 31 એવા ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા જેમા બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હોય. આરોપી બે દિવસ બાદ પોલીસ ગીરફતમાં આવ્યો હતો. બાદમાં પાંડેસરા પોલીસે સાત જ દિવસમાં ચાર્જશીટ રૂજ કરી દીધી હતી અને સરકાર પક્ષે દિવસમાં જ ટ્રાયલ પુરી કરી હતી. કુલ 69 સાક્ષી પૈકી સરકાર પક્ષે 42 સાક્ષી જ ચકાસ્યા હતા.
શું છે સમગ્ર ઘટના?
દિવાળીના દિવસે ગઈ તા. 4 નવેમ્બરના રોજ મૂળ બિહારનો વતની ગુડડું યાદવ અઢી વર્ષની માસુમનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણકારી મળતા જ, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 100 પોલીસ કર્મીની ટીમ બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન પોલીસને માસુમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ત્યારે પોલીસે આસપાસના સીસીટીવીની તપાસ કરી હતી જેમાં આરોપી ગુડડું માસુમને લઈ જતો નજરે પડ્યો હતો. આરોપી ગુડડું યાદવે અપહરણ દુષ્કર્મ અને હત્યાને અંજામ આપી સુરતમાં જ પોતાના મિત્રના ઘરે સંતાઈ ગયો હતો. જોકે પોલીસ હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આરોપી સુધી પહોંચી હતી. આરોપીની અટકાયત કર્યા બાદ કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા આરોપીએ ગુનો કબુલ્યો હતો.