સુરત: (Surat) મોટાવરાછામાં એક્ટિવા (Activa) ઉપર સવાર થઇને પુત્રીના (Daughter) ઘરે જમવા જતા માતા-પિતા અને પૌત્રનો હાઇવા ટ્રક સાથે અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માતમાં દંપતિનું (Couple) મોત નીપજ્યું હતું, જ્યારે 12 વર્ષીય પૌત્રનો સામાન્ય ઇજા થતા તેનો બચાવ થયો હતો.
- દીકરીના ઘરે જમવા જતાં દંપતિનું અકસ્માતમાં મોત, સુરતના મોટા વરાછાની ઘટના
- અકસ્માતમાં એક્ટિવા ઉપર સવાર 12 વર્ષના પૌત્રનો ચમત્કારીક બચાવ થયો હતો
- મોટા વરાછા તળાવની પાસે જૂની ચેકપોસ્ટ પાસેથી એક હાઇવા ટ્રક ફુલ સ્પીડમાં આવ્યો હતો અને તેઓએ ઉકાભાઇને અડફેટમાં લીધા હતા
પ્રાપ્ત વિગતો મુજબ પૂણાગામ બીઆરટીએસ જંક્શન પાસે વિશ્વનગર સોસાયટીના રહેતા ઉકાભાઈ કાળાભાઈ શિંગાળા સોમવારે મોડી સાંજે તેની પત્ની સવિતાબેન અને ૧૨ વર્ષના પૌત્ર હેતને એક્ટિવા મોપેડ ઉપર લઈને મોટા વરાછા વિશ્વનગર સોસાયટીમાં રહેતી દીકરી નયનાના ઘરે જમવા ગયા હતા. દરમિયાન મોટા વરાછા તળાવની પાસે જૂની ચેકપોસ્ટ પાસેથી એક હાઇવા ટ્રક ફુલ સ્પીડમાં આવ્યો હતો અને તેઓએ ઉકાભાઇને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં ઉકાભાઇ અને તેમની પત્ની સવિતાબેનને ગંભીર ઇજા થતા તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે 12 વર્ષીય હેતને સામાન્ય ઇજા થઇ હતી અને તેનો આબાદ બચાવ થયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે ટ્રક ડ્રાઇવર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કાપોદ્રામાં અકસ્માતે ઇજાગ્રસ્ત સી.એ.નું સારવાર દરમિયાન મોત
સુરત : કાપોદ્રા બ્રિજ ઉતરતી વેળી અકસ્માતે ઇજાગ્રસ્ત થયેલા સી.એ.નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મુળ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના જાલીડા ગામના વતની અને હાલ અમરોલીમાં આવેલા ઉતરાણ પાવર સ્ટેશનની સામે એક્સેલ લક્ઝુરીયામાં રહેતા 41 વર્ષીય પ્રદીપભાઈ વેલજીભાઈ ઢોલરીયા આઠ મહિનાથી સીએની ઓફિસમાં નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરે છે. સોમવારે સવારના સમયે તેઓ પોતાની ઇલેક્ટ્રીક મોપેડ લઇને ઓફિસે જઇ રહ્યા હતા. કાપોદ્રા-ઉત્રાણ બ્રિજ ઉતરતાની સાથે જ એક રિક્ષા પલટી ખાઇ ગઇ હતી અને તેના કારણે પ્રદિપભાઇને પણ ઇજા થઇ હતી. સારવાર માટે તેઓને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.