સુરત: (Surat) કેન્દ્ર સરકારે 1લી મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાની વેક્સિન (Vaccine) આપવાની જાહેરાત કરી છે. જેના પગલે સુરત મનપા દ્વારા 1લી મેથી રોજ મોટી સંખ્યામાં લોકોને વેક્સિન આપી શકાય તેવી તૈયારીઓ કરવા માંડી છે. મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે આ વેક્સિનેશનના (Vaccination) નવા તબક્કામાં યોગ્ય સ્ટ્રેટેજી (Strategy) ગોઠવીને આગળ વધીશું. જે વિસ્તારમાં વધુ સંક્રમણ હશે ત્યાં વધુમાં વધુ લોકોને ઝડપથી વેક્સિન મળી રહે તેવી ગોઠવણ કરાશે.
- જે ક્ષેત્ર તેમજ વિસ્તારમાં વધુ સંક્રમણ હશે ત્યાં વધુમાં વધુ વેક્સિનેશન પર ભાર મુકાશે,
- ઉદ્યોગ-ધંધા સાથે સંકળાયેલા લોકોને ઝડપથી વેક્સિન મળી રહે તેવા આયોજનો કરાશે
આ ઉપરાંત જેને કારોનાનું સંક્રમણ થવાનો વધુ ભય છે તેવા ઉધોગ, ધંધાઓ સાથે સંકળાયેલા લોકોને પણ ઝડપથી વેક્સિન મળી રહે તેવી ગોઠવણ કરાશે. જેથી આ લોકો વેક્સિન મુકાવ્યા બાદ તેના ઉધોગ-ધંધામાં પુર્વવત જોડાઇ શકે. અને સંક્રમણના કારણે તેણે ધંધા-રોજગાર બંધ રાખવા ના પડે. સરકારના કોવિન પોર્ટલ પર વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન થઇ શકે છે. ઉપરાંત રાજય સરકારની ગાઇડલાઇન આવશે તેના દાયરામાં રહીને મનપા દ્વારા પણ રજિસ્ટ્રેશન થઇ શકે તેવી વ્યવસ્થા કરવાની શકયતા પણ ચકાસાશે.
પુખ્ત વય માટે ભીડ થાય તે પહેલાં માત્ર 45 વર્ષથી વધુ વયના લોકો ઝડપથી વેક્સિન મુકાવી લે: મનપા
સુરતઃ શહેરમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન કારગર સાબિત થઈ રહી છે. મનપા દ્વારા શહેરમાં 16 મી જાન્યુઆરીથી વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 8 લાખ લોકોને વેક્સિન મુકી દેવામાં આવી છે. શહેરમાં તબક્કાવાર વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. હાલમાં શહેરમાં 45થી વધુ વયના તમામને વેક્સિન મુકવામાં આવી રહી છે. અને હવે પહેલી મેથી 18 વયથી ઉપરના તમામને વેક્સિન મુકવાની શરૂ થનાર હોય, હવે 45 વયથી વધુ વાળા માટે માત્ર 10 દિવસનો સમય બાકી હોય, તેઓને ઝડપથી વેક્સિન મુકી લેવા માટે મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે. આ તક મેળવી ઝડપથી નજીકના વેક્સિન સેન્ટર પરથી વેક્સિનેશન કરાવી લેવા માટે મનપાએ અપીલ કરી છે. શહેરમાં આવેલા વેક્સિનેશન સેન્ટરની માહિતી https://tinyurl.com/Covid19VaccinationRegistration/ લીંક પરથી મેળવી શકાશે તેમ મનપા દ્વારા જણાવાયું છે.