સુરત: (Surat) સુરતીઓ ખાણી-પીણીના શોખીન છે. સુરત શહેરમાં જ્યાં ખાણીપીણીની લારી દેખાય ત્યાં સુરતી ઊભેલા દેખાય. પરંતુ ખાણીપીણીની લારી-ગલ્લાને કારણે દબાણ અને ટ્રાફિકની સમસ્યા પણ વકરી રહી છે. જેથી હવે સુરત મનપાએ (Corporation) ચાલતી ફરતી ખાણીપીણીની લારી એટલે કે, મોબાઈલ ફૂડ કોર્ટ (Mobile Food Court) શરૂ કરવા મનપા મંજૂરી આપશે. શહેરી વિસ્તારમાં મોબાઇલ ફૂડ કોર્ટ શરૂ કરવા માટે હવે મનપાના આરોગ્ય વિભાગની (Health Department) મંજૂરી લેવી પડશે. મોબાઇલ ફૂડ કોર્ટ શરૂ કરવા અંગે મનપા દ્વારા નીતિ-નિયમો બનાવી દેવાયા છે. આ માટે સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માંગતી દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સાંજે 6થી રાત્રે 11 વાગ્યા સુધીની જ મંજૂરી મળશે હાલ એવું નક્કી કરાયું છે.
મોબાઈલ ફૂડ કોર્ટ યુનિટ એટલે એવી સંસ્થા કે જે સંપૂર્ણ મોટરાઈઝ્ડ (Motorized) વાહન ઉપર ચલાવી શકાશે. અને મોબાઈલ ફૂડ કોર્ટમાં જાહેર સ્થળો પર કે રસ્તા પર ટેબલ-ચેર ગોઠવી શકાશે નહીં. મનપાએ નક્કી કરેલા તમામ નિયમો પ્રમાણે જ પરવાનગી અપાશે. નહીંતર દંડનીય કાર્યવાહી થશે. થ્રીવ્હીલર અને ફોરવ્હીલરમાં મોબાઇલ ફૂડ કોર્ટ શરૂ કરવા અનુક્રમે લાઇસન્સ ફી પેટે વાર્ષિક 10 હજાર, 15 હજાર ચૂકવવાના રહેશે. મનપા દ્વારા નક્કી કરેલા નિયમોનો બે વાર ભંગ કરાશે તો 500થી લઇ 5000 સુધીનો દંડ નક્કી કરાયો છે. જ્યારે ત્રીજીવાર નિયમનો ભંગ કરાય તો પરમિટ રદ કરવામાં આવશે. એટલું જ નહીં જાહેર રસ્તા પર ટેબલ, ખુરશી ગોઠવી શકાશે નહીં. ફાયરની એનઓસી પણ લેવી પડશે. સાંજે 6થી રાત્રે 11 વાગ્યા સુધીની જ મંજૂરી મળશે. વધુ સમય માટે ખાસ મંજૂરી લેવાની રહેશે.
સૌપ્રથમ તો મોબાઇલ ફૂડ કોર્ટ માટે મનપાના ફૂડ વિભાગ પાસેથી એફ.એસ.એસ.એ.આઈ. સંલગ્ન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે. ખાનગી મિલકતમાં શરૂ કરવા મિલકતદારની લેખિતમાં પરવાનગી મેળવી રજૂ કરવાની રહેશે. ફૂડ કોર્ટ વેચાણનાં સ્થળે કોઇપણ વ્યક્તિ, સંસ્થાનું પાણી, ગટર કે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરી શકાશે નહીં. ઉપરાંત વાહનનું આરટીઓમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ઇશ્યુ થયેલું હોવું જરૂરી છે. જેની પાસે કોમર્શિયલ-ટ્રાન્સપોર્ટ વેહિકલનું લાઇસન્સ હોય તેને ડ્રાઇવર તરીકે ફરજ ઉપર રાખવાના રહેશે, તેવા નીતિ નિયમો નક્કી કરાયા છે. જે અંતર્ગત જ મનપા મંજૂરી આપશે.