સુરત: (Surat) સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતીના સભ્યોની ચૂંટણી (Election) વખતે ગઈકાલે મનપાની (Corporation) મુખ્ય કચેરીમાં થયેલી ધમાલમાં મનપાના સિક્યુરિટી વિભાગ દ્વારા આપના તમામ 27 કોર્પોરેટરો અને 2 ઉમેદવારો સહિત 29 સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આપના (AAP) કોર્પોરેટરો તેમજ ઉમેદવારો દ્વારા બેલેટ પેપૅ ખેંચી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સાથે-સાથે મોટાપાયે તોડફોડ પણ કરી ધમાલ મચાવવામાં આવી હતી.
- આપના કોર્પોરેટરો અને ઉમેદવારો દ્વારા સભાખંડનો કાચ તોડવામાં આવ્યો, સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી કરવામાં આવી
- આ ઉપરાંત અભદ્ર ભાષાઓ બોલવામાં આવી, ધમાચકડી મચાવવામાં આવી સહિતના આરોપો પોલીસ ફરિયાદમાં કરાયા
- મનપાના સિક્યુરિટી વિભાગ દ્વારા લાલગેટ પોલીસમાં કરાયેલી ફરિયાદને પગલે તમામ 29 સામે ગુનો નોંધાયો
સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની ચૂંટણી શુક્રવારે મનપાની મુખ્ય કચેરીના સરદાર ખંડમાં યોજાઈ હતી. બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન શાંતિપુર્વક મતદાનની પ્રક્રિયા ચાલી હતી. પરંતુ સાંજે 5:30 વાગ્યે ચૂંટણી પ્રક્રિયાના રિટર્નિંગ ઓફિસર મેયર દ્વારા જ્યારે બેલેટ પેપર ખોલી પરિણામો જાહેર કરવાની શરૂઆત કરવામાં આવી ત્યારે આપના ઉમેદવારને ઓછા મતો મળતા જ તેમના સભ્યોએ તેમના બેલેટ પેપર જાહેર કરવાની માંગ સાથે જ ગેરવર્તણુક શરૂ કરી હંગામો મચાવ્યો હતો. પરિણામ જાહેર થતાં જ વિપક્ષે ફેર મતગણતરી માટે માંગણી કરી હતી. જેનો મેયરે ઇન્કાર કરતાં વિપક્ષ દ્વારા તોફાન કરવામાં આવ્યું હતું.
વિપક્ષ આપના કોર્પોરેટરો તેમજ સમિતીના બે ઉમેદવારો દ્વારા સરદાર ખંડમાં મેઈન ગેટનો કાચ તોડી નાંખવામાં આવ્યો હતો. ચૂંટણી પ્રક્રિયાના કાગળો પણ સેક્રેટરી વિભાગના કર્મીઓ પાસેથી ઝુંટવી લેવાયા હતા અને ફાડી નાંખવામાં આવ્યા હતા. તેમજ મનપાના સ્ટાફ સાથે પણ અભદ્ર ભાષામાં વાતો કરી હતી. તોફાન કરવામાં આપના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરી, ઉપનેતા કિશોર રૂપારેલીયા અને દંડક સહિત તમામ કોર્પોરેટરો હાજર હતાં. વિપક્ષ આપ દ્વારા શાસકો પર ચૂંટણીમાં ગોબાચારીનો આક્ષેપ મૂકી હોબાળો કરવામાં આવ્યો હતો. સાથે સાથે સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી પણ કરવામાં આવી હતી.
બે કલાક સુધી ભારે ધમાચકડી તેમજ પોલીસ અને સિક્યુરિટી ગાર્ડની સામે આપના સભ્યોની ખેંચતાણ ચાલતી રહી હતી. વિપક્ષો દ્વારા સરદાર ખંડમાં નુકસાન, તેમજ સેક્રેટરી વિભાગના સ્ટાફ કર્મીઓ, સિક્યુરિટી સ્ટાફ સાથે પણ ગેરવર્તણુંક કરતા મનપાના સીક્યુરીટી વિભાગના સુપર વાઈઝર શૈલેષ પટેલ દ્વારા આપના તમામ 27 નગરસેવકો અને 2 શિક્ષણ સમિતિના ઉમેદવાર રમેશ પરમાર અને રાકેશ હિરપરા વિરૂધ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.