સુરત: (Surat) શહેરમાં છેલ્લા 14 મહિનાથી કોરોનાનો હાહાકાર છે. તંત્ર દ્વારા કોરોનાને નાથવા માટે શક્ય તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. હાલ કોરોનાની બીજી લહેરમાંથી શહેર માંડ બહાર નીકળ્યું છે. પરંતુ કોરોનાની પ્રથમ લહેર કરતા બીજી લહેર (second wave) વધુ ઘાતક સાબિત થઈ છે. પ્રથમ લહેરમાં (First Wave) જેટલા લોકો સંક્રમિત થયા હતા કે જેટલા લોકો કોરોનાનો ભોગ બન્યા હતા તેથી વધુ માત્ર 2 જ મહિનામાં લોકો સંક્રમિત થયા હતા. કારણ કે, નવા સ્ટ્રેન વાયરસમાં લોકો ઝડપથી ચેપી થયા હતા અને ઘણા લોકોના તેમાં મોત પણ થયા હતા. કોરોનાની બીજી લહેરમાં એટલે કે, માર્ચથી એપ્રિલ(2021) દરમિયાન જ શહેરમાં 651 મોત થયા છે. અત્યારે શહેરમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 1501 પર પહોંચ્યો છે. જેના 43.37 ટકા મોત માત્ર છેલ્લા 2 મહિનામાં નોંધાયા છે. અને પ્રથમ વેવ એટલે કે, માર્ચ 2020 થી ફેબ્રુઆરી 2021 દરમિયાન 850 લોકોના મોત થયા છે.
સરકારી આંકડાઓ પર નજર કરીએ તો, શહેરમાં કોવિડને કારણે સૌથી વધુ 50 થી 70 વયજુથના લોકોના મોત થયા છે. જેમાં 55.60 ટકા લોકો આ વયજુથના છે. એટલે કે, કુલ મોતના અડધા મોત તો આ વયજુથના લોકોના જ થયા છે. જ્યારે બાળકો અને 90 વર્ષથી ઉપરના મોત નહિવત છે. ત્યારબાદ વધારે મોત 71 થી 80 વયજુથના 20.22 ટકા લોકોના મોત થયા છે અને યુવાવર્ગ એટલે કે, 21 થી 40 વયજુથના 5.06 ટકા લોકો કોવિડમાં મોતને ભેટ્યા છે. જ્યારે 41 થી 50 વયજુથના 15.16 ટકા લોકોના મોત થયા છે.
- કોવિડ ટાઈમ મોત ટકાવારી
- પ્રથમ લહેર (માર્ચ-2020 થી ફેબ્રુઆરી 2021) 850 56.63
- બીજી લહેર (માર્ચ 2021 થી 9 મે-2021) 651 43.37
24 દિવસમાં જ શહેરના એન્ટ્રી-એક્ઝિટ પોંઈન્ટ પર 7081 પોઝિટિવ દર્દી મળી આવ્યા
સુરત: કોવિડ સંક્રમણને નાથવા માટે તંત્ર દ્વારા શહેરના તમામ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર સઘન ટેસ્ટિંગ ઝૂંબેશ ચલાવી હતી. કોરોનાની બીજી લહેરમાં શહેર બહારથી આવનારાઓ કોરોના સંક્રમણના કેરીયર હોવાની શક્યતા વધુ પ્રમાણમાં હોય, બહારથી આવનારા તમામનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. મનપા દ્વારા રેલવે સ્ટેશન, એરપોર્ટ, તમામ ચેકપોસ્ટ પર ટીમો તૈનાત કરીને ટેસ્ટિંગ કરવામાં આવતું હતું. જેમાં પણ ઘણા કોવિડ પોઝિટિવ કેસ મળી આવ્યા હતાં. મનપા દ્વારા 15 એપ્રિલ થી આજદિન સુઘીમાં કુલ 2,53,089 ટેસ્ટ જુદા જુદા એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર કરાયાં હતાં. જેમાં કુલ 7081 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા.