Gujarat

કોરોનામાં જીવ ગુમાવનાર મનપાના 21 મૃતકોના પરિવારને હજુ સહાય મળી નથી

સુરતઃ (Surat) કોરોનાની મહામારી માં ખડે પગે ઊભા રહીને સેવા કરનાર કોરોના વોરિયર્સ નું જો અવસાન થાય તો તેના પરિવારને 50 લાખ સુધીની સહાય આપવાની સરકારની જાહેરાત હોવા છતાં સુરત મહાનગરપાલિકામાં (Corporation) ફરજ બજાવતા અને કોરોના માં જીવ ગુમાવનાર 21 જેટલા પરિવારને સરકારી સહાય નહીં મળી હોવાની રજૂઆત સુરત સુધરાઈ કામદાર મંડળ દ્વારા જિલ્લા કલેકટરને (Collector) કરવામાં આવી હતી.

સુરત સુધરાઈ કામદાર મંડળના પ્રમુખ ઈકબાલ શેખ દ્વારા રજુઆતમાં જણાવાયું હતું કે, કોરોનાની મહામારી માં સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ સતત સેવા આપી રહ્યો છે. મનપાના અધિકારી સહિત 25 જેટલા કર્મચારીઓએ વર્ષ 2020 માં જાન ગુમાવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કોરોના ની સીધી કામગીરી કરવા દરમિયાન મોતને ભેટનાર કોરોના વોરિયર્સ ના પરિવારને રૂપિયા 50 લાખની સહાય તથા આ કામગીરીમાં સીધી રીતે નહીં સંકળાયેલા હોય એવા કોરોના વોરિયર્સ ને રાજ્ય સરકાર દ્વારા રૂ.25 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ યોજના હેઠળ કોરોના વોરિયર્સ માટે વીમો પણ ઉતરાવવામાં આવ્યો છે. જોકે, સુરત મહાનગરપાલિકાના 25 જેટલા કર્મચારીઓએ વર્ષ 2020 માં કોરોનાના દર્દીઓની સારવાર કરતાં કરતાં પોતાનો જીવ ગુમાવ્યો છે આ 25 કર્મચારીઓ પૈકી માત્ર ચાર કર્મચારીના પરિવારજનોને સહાય ચુકવવામાં આવી છે જ્યારે મૃતક 21 કર્મચારીઓને પરિવારને હજુ સુધી કોઈપણ સહાય ચુકવવામાં આવી નથી સામાન્ય સંજોગોમાં દસ દિવસમાં જ ક્લેમ પાસ કરી દેવામાં આવતો હોય છે. ત્યારે આ કર્મચારીઓને કંપની દ્વારા સહાય ક્લેમ કરવામાં આવ્યો નથી આ અંગે જિલ્લા કલેકટર તથા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પણ રજૂઆત કરવામાં આવી હતી.

હોસ્પિટલ્સમાં બેડ અનામત રાખવા રજૂઆતો

સુરત: સુરત જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆતો કરી આરોગ્ય કર્મચારીઓને ગયા વરસની 68 રજાના પગાર તેમજ હોસ્પિટલ્સમાં બેડ અનામત રાખવા રજૂઆતો કરાઇ છે. સુરત જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ વિરલ પટેલએ કહયુ હતુ કે કોરોના દરમિયાન તમામ પ્રાઇમરી હેલ્થ સેન્ટર તેમજ કોમ્યુનીટી હેલ્થ સેન્ટર ઉપર ફરજ બજાવતા કર્મચારી અધિકારીઓ તેમજ તેમના પરિવારને કોરોના થાય તો તબીબી સવલત માટે હોસ્પિટલ્સમાં બેડ અનામત રાખવા જોઇએ . તેમને કહયુ હતુ ગયા વરસથી જિલ્લાના તમામે તમામ આરોગ્ય કર્મચારીઓ રજા લીધા વગર કોવિડ ડયુટી કરી રહયા છે. સરકારે ગયા વરસે આવ કર્મચારીઓને 68 રજાનો પગાર આપવા વચનો આપ્યા હતા. પરંતુ આ અંગે આજદિન સુધી કોઇ પરિપત્ર થયો નથી.જિલ્લામાં બાયોમેટ્રીક હાજરી માટે માસ્ક ઉતારવુ પડે કે થમ્બ ઇમ્પ્રેશન આપવી પડે તે યોગ્ય નથી.સરકારે સુરત જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની માંગણી સંતોષવી પડશે.

Most Popular

To Top