સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોરોના કાળમાં પોતાના સેવાયજ્ઞને આગળ ધપાવી હવે કોવિડ– ૧૯ને કારણે મૃત્યુ પામેલા લોકોની સંતાનોને નોકરી (Job) અપાવવા માટેની વ્યવસ્થા કરાશે. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં રહેતા અને માર્ચ ર૦ર૧ની કોરોનાની બીજી લહેરમાં જે પરિવારના વડીલો અવસાન પામ્યા છે તેવા જરૂરિયાતમંદ પરિવારોને મદદ (Help) કરવા માટે ચેમ્બર કટિબદ્ધ છે. ખાનગી કંપનીઓ અને ચેમ્બરના 9500 સભ્યો પૈકી જે સભ્યોની કંપનીઓ ચાલે છે તેમાં ક્વોલિફિકેશન પ્રમાણે નોકરી આપવા પ્રાધાન્ય અપાશે.
તેમણે કહ્યું હતું કે, મૃતક પરિવારના કોઈ સભ્ય કે જેઓને નોકરી પ્રાપ્ત ન થતી હોય તેમને ચેમ્બરના ૯પ૦૦ સભ્યોના સંસ્થાનોમાં તેઓની જરૂરિયાત પ્રમાણે નોકરી માટે પ્રાધાન્ય આપવામાં આવશે. તદુપરાંત આવા પરિવારજનોની માહિતી ચેમ્બરના તમામ સભ્યોને અને ચેમ્બરને સંલગ્ન એસોસીએશનોને મોકલી આપવામાં આવશે અથવા તો આવી વ્યક્તિઓ માટે અલગથી રોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવશે. વધુ વિગતો માટે નાનપુરા સ્થિત મકકાઇ પુલ નજીક સમૃદ્ધિ બિલ્ડીંગમાં ચોથા માળે આવેલી ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે. જરૂરિયાતમંદો સવારે ૧૧:૦૦થી સાંજે ૬ઃ૦૦ કલાક દરમ્યાન ફોન નંબર ૦ર૬૧–રર૯૧૧૧૧ ઉપર પણ સંપર્ક કરી શકશે.
ચેમ્બર દ્વારા ઓક્સીજન બેંકની શરૂઆત કરાઇ
ચેમ્બર દ્વારા આજથી ઓક્સીજન બેંક થકી હોમક્વોરન્ટાઇન થયેલા દર્દીઓને વિના મૂલ્યે ઓક્સીજન સેવા આપવાનું શરૂ કરાયું છે. દર્દીના આધારકાર્ડ, RTPCR રિપોર્ટ અને માન્ય તબીબોના ભલામણ પત્રને આધારે ઓક્સીજન આપવામાં આવશે. ઓક્સીજન માટે ચેમ્બરનો સંપર્ક કરી શકાશે.
સચિન અને પાંડેસરા GIDC સહિત 7 ઔદ્યોગિક વિસ્તારમાં રસીનો જથ્થો મળ્યો નહીં
સુરત: કેન્દ્ર સરકાર દ્વારા 18 થી 45 વર્ષની વયના યુવાનોને પણ રસી આપવાનો નિર્ણય લેતા પાંડેસરા અને સચિન જીઆઇડીસી સહિત શહેરના 7 ઔદ્યોગિક વિસ્તારોમાં રસી લેવા માટે કામદારોની લાંબી કતાર લાગી હતી. પરંતુ રજિસ્ટ્રેશન છતાં સચિન જીઆઇડીસીના 2 સેન્ટરો અને પાંડેસરા જીઆઇડીસીના 1 સેન્ટર પર રસી પહોંચી ન હતી. આ મામલે નોડલ ઓફિસરને રસીનો પૂરતો પુરવઠો મોકલવા રજૂઆત કરવામાં આવી છે. સચિનના ઉદ્યોગકારો કહે છે કે જીઆઇડીસીના કામદારોની જરૂરિયાત રોજના 20 વાયલની છે તેની સામે સોમવારે 12 થી 15 વાયલ જ મળ્યા હતાં. ચેમ્બરમાં ઇલેક્ટેડ પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે રસીની અછતને જોતા પાંડેસરામાં વિવિંગ યુનિટ દીઠ કારીગરોનું રજિસ્ટ્રેશન કરાવવા માટે એકમોને સૂચના આપવામાં આવી છે અને તે પ્રમાણે પૂરવઠાની માંગ કરવામાં આવશે.