સુરત: (Surat) ચીનમાં ટપોટપ લોકોના મોત થવા સાથે કોરોનાનાં કેસ વધી રહ્યા છે ત્યારે દેશમાં સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલોને (Hospital) સજ્જ રહેવા સરકારે આદેશ કરી દીધા છે. દરમિયાન સુરત શહેરમાં 20 દિવસ બાદ મંગળવારે કોરોનાનો એક કેસ નોંધાતા આરોગ્ય તંત્ર (Health Department) દોડતું થયું હતું. એક મહિના સુધી ધંધાના કામ કાજ માટે દુબઇ (Dubai) ગયા બાદ પરત ફરેલા રાંદેરના 25 વર્ષિય યુવકનો કોરોનાં રિપોર્ટ પોઝિટીવ આવતા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા યુવકને હોમ આઇસોલેશન કરાયો છે.
- દુબઇમાં એક મહિનો રહીને સુરત આવેલા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ
- રાંદેરના 25 વર્ષિય યુવાનનાં સેમ્પલ લઇ આરોગ્ય વિભાગે જીનોમ સિક્વન્સિંગ માટે મોકલ્યા : ઘરના 4 સભ્યોનો રિપોર્ટ નેગેટીવ
પ્રાપ્ત વિગતો અનુસાર રાંદેર વિસ્તારમાં રહેતો 25 વર્ષિય યુવક ધંધાના કામ માટે 30 દિવસ સુધી દુબઇ ગયો હતો. જ્યાંથી પરત આવ્યા બાદ તેનો એરપોર્ટ ખાતે કોરોના રિપોર્ટ કરાતા પોઝીટીવ આવ્યો હતો. મનપાને આ અંગે જાણ થતા આરોગ્ય વિભાગે સરકારની ગાઇડલાઇન પ્રમાણે યુવકના સેમ્પલ લઇ જીનોમ સિક્વન્સિંગ માટે જીબીઆરસી ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. વધુમાં પોઝિટીવ આવેલા યુવકની તબિયત સ્થિર છે. યુવાને ગઇ તા.23 જુન 2021ના રોજ કોરોનાની પ્રથમ વેક્સિન લીધી હતી જ્યારે બીજી વેક્સિન 27 સપ્ટેમ્બર 2021ના રોજ લીધી હતી. કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે પોઝિટીવ આવેલા યુવકના પરિવારના 4 સભ્યોનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જોકે ચારેય સભ્યોનો કોવિડ રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત 7 ડિસેમ્બરના રોજ સુરત શહેરમાં કોરોનાનો એક કેસ નોંધાયા બાદ મંગળવારે 20 દિવસ બાદ એક કેસ નોંધાયો છે.
કોરોના સામે ભરૂચ એલર્ટ : 24 કલાકમાં એકપણ કેસ નથી
ભરૂચ: વિશ્વમાં કોરોના મહામારીની અસર વર્તાઈ રહેલ છે. ત્યારે ભરૂચ જિલ્લા તેમજ તાલુકા કક્ષાની તમામ હોસ્પિટલોએ સાવચેતી અને સતત નજર રાખવાના ભાગરૂપે તેમજ આવનારી સંભવિત અસર જિલ્લા પર થઈ શકે જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક જ દિવસે ભરૂચ જિલ્લા કક્ષાએ મોકડ્રીલનું આયોજન કરાયું હતું.
ભરૂચ જીલ્લામાં કોવિડને ધ્યાને લઈ મંગળવારે સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલ અંતર્ગત ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ, હોસ્પિટલની અંદર સ્થાપિત ઓક્સિજન લિક્વિડ મેડિકલ ટાંકી અને ઓક્સિજન વિતરણ નેટવર્કની તપાસ કરવા માટે પરિસરની અંદર મોકડ્રીલ હાથ ધરી હતી. એ સાથે એમપીજીએસ, ઉપલબ્ધ બેડ, ઓક્સિજન સિલિન્ડર, જરૂરી દવાઓ અને લોજિસ્ટિકની ઉપલબ્ધિ, પી.પી.ઈ. કિટની ઉપલબ્ધી તેમજ ઉપલબ્ધ સ્ટાફની તાલીમ/ ઓરીએન્ટેશન જેવી બાબતો આવરી લઈ તમામ પાસાની ચકાસણી કરવામાં આવી હતી.
જિલ્લાની સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.અભિનવ શર્માએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં હાલમાં કોઈ દર્દી દાખલ નથી અને છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલમાં કરવામાં આવેલા RTPCR ટેસ્ટમાં કોઈ પોઝિટિવ કેસ બહાર આવ્યો નથી. દર્દીઓના પ્રવાહના કિસ્સામાં અમે ૫૦ બેડ તૈયાર રાખ્યા છે. જે આગામી સમયમાં ૨૦૦ બેડ સુધી લઈ જવામાં આવશે. તે સાથે ૮૦ જેટલા વેન્ટિલેટર છે. ઉપરાંત અમારી પાસે ૨૭થી વધુ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર ઉપલબ્ધ છે. અમારી પાસે ૧૬૬૮ લિટર ઓક્સિજન જનરેશન પર મિનીટ ઓક્સિજનનો પરિસરમાં સંગ્રહ કરવાની સુવિધા છે. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.ધુલેરા, મેડિકલ કોલેજ સુપરિન્ટેન્ટેટ આર.કે.બંસલ, હોસ્પિટલના સ્થાનિક પી.આર.આઈ. સભ્યો તેમજ વિભાગના વડાએ હાજરી આપી હતી.