સુરતઃ શહેરમાં ગત વર્ષ 17મી માર્ચે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. અને હાલમાં 13 માસ બાદ પણ કોરોનાનું સંક્રમણ કાબુમાં આવ્યું નથી. ઉલટાનું 1 વર્ષ બાદ કોરોનાનું સંક્રમણ ચાર ગણા ઉછાળા સાથે સતત વધી જ રહ્યું છે. 17 માર્ચ 2020 માં પ્રથમ કેસ બાદ માર્ચ માસમાં એટલે કે, પ્રથમ 13 દિવસમાં શહેરમાં માત્ર 8 જ કેસ નોંધાયા હતાં. જેમાં સતત વધારો જ થતો ગયો છે. શહેરમાં મે-2020 સુધી લોકડાઉન હતું, પરંતુ જૂન માસથી અનલોક થતા જ શહેરમાં કોરોના કેસમાં સતત વધારો જ થતો ગયો છે. ગત વર્ષે ઉધના-લિંબાયતમાં કોરોનાના કેસ મોટાપાયે જોવા મળ્યાં હતાં. પરંતુ કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ કેસ અઠવા અને રાંદેર ઝોનમાં જ નોંધાઈ રહ્યા છે. કોરોનાના 13 માસ બાદ હાલમાં શહેરમાં કુલ કેસની સંખ્યા 60,000ને પાર કરી ગઈ છે. તેમાં સોથી વધુ સંક્રમિત અઠવા ઝોન છે. જેમાં કુલ કેસના 19.7 ટકા કેસ એટલે કે, 12742 કેસ માત્ર અઠવા ઝોનના છે. તો બીજી બાજુ સૌથી ઓછા કેસ ઉધના ઝોનમાં નોંધાયા છે. ઉધનામાં કુલ કેસના 9.0 ટકા કેસ એટલે કે, 5819 કેસ આ ઝોનમાં છે. સેકન્ડ વેવમાં જોતાં એવું લાગી રહ્યું છે કે કોરોના હવે અમીર-ગરીબ વચ્ચે ભેદભાવ કરી રહ્યો છે.
શહેરમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે તંત્ર પણ તનતોડ મહેનત કરી રહ્યું છે. પરંતુ કોરોનાની બીજી લહેર ઘણી ભયાનક સાબિત થઈ રહી છે. વર્ષ 2021ની શરૂઆતમાં તો કોરોનાનું સંક્રમણ મહદઅંશે કાબુમાં આવી ચુક્યું હતું. ફેબ્રુઆરી માસમાં શહેરમાં પ્રતિદિન માત્ર 30 થી 40 જેટલા જ પોઝિટિવ દર્દીઓ નોંધાતા હતા. પરંતુ માર્ચના અંતથી કોરોનાની બીજી લહેરમાં પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં મોટી માત્રામાં ઉછાળો આવ્યો છે. શહેરમાં ખાસ કરીને અઠવા અને રાંદેર ઝોનમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે.
તેમાં સૌથી વધુ અઠવા ઝોનમાં 12742 તો રાંદેરમાં 10203 કેસો નોંધાઈ ચુક્યા છે. અઠવા ઝોનમાં હાલમાં પ્રતિદિન 200 થી 250 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. જેને પગલે મનપા દ્વારા જે વિસ્તારોમાં વધુ કેસો આવી રહ્યા છે તેવા અઠવા, રાંદેર અને વરાછા તેમજ લિંબાયતના ઘણા એરિયામાં આઈલેન્ડ પોલીસી પણ લાગુ કરી છે. જેથી ત્યાં અવરજવર ઓછી થાય તો તે વિસ્તારોમાં સંક્રમણ કાબુમાં લાવી શકાય. હાલમાં તો શહેરભરમાં સંક્રમણ વધ્યું છે. પરંતુ સૌથી વધુ અસર અઠવા ઝોનમાં જોવા મળી રહી છે.
- કયા ઝોનમાં કુલ કેટલા ટકા કેસ
- ઝોન કુલ કેસ ટકાવારી
- સેન્ટ્રલ 6394 9.9
- વરાછા-એ 6591 10.2
- વરાછા-બી 5866 9.1
- રાંદેર 10203 15.8
- કતારગામ 9127 14.1
- ઉધના 5819 9.0
- લિંબાયત 6540 10.1
- અઠવા 12742 19.7