સુરત: (Surat) કાર લઇને ઇચ્છાપોર નજીક બાંધકામ સાઇટ (Construction Site) ઉપર ચોરી કરવા આવેલા યુવકે 7700ની કિંમતની લોખંડની રીંગો ચોરી કરીને ભાગતો હતો, આ દરમિયાન તેની કારને અકસ્માત નડ્યો હતો. ચોર કાર મુકીને ભાગી ગયો હતો, બનાવ અંગે ઇચ્છાપોર પોલીસે (Police) એક્સીડેન્ટનો ગુનો નોંધી કાર કબજે લીધી હતી જ્યારે ચોરને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
- કાર લઇને ચોરી કરવા આવેલા યુવકને ચોરી કર્યા બાદ ભાગતી વખતે અકસ્માત નડ્યો
- બાંધકામ સાઇટ ઉપરથી 7700 કિંમતની લોખંડની રીંગની ચોરી કરવામાં આવી હતી, યુવક કાર મુકીને ભાગી ગયો
પ્રાપ્ત વિગતો મુજબ સચીન મગદલ્લા રોડ ઉપર ચાલી રહેલા ગુજરાત ડાયમંડ બુર્સમાં વેસુના જોલી રેસીડેન્સીમાં રહેતા ચિરાગભાઇ વિનોદભાઇ શાહ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. તેઓએ ઇચ્છાપોર પોલીસમાં અજાણ્યા યુવકની સામે ચોરીની ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યા પ્રમાણએ અજાણ્યો યુવક ગુજરાત ડાયમંડ બુર્સમાં મધરાત્રે એક લાલ કલરની સેવરોલેટ બીટ કાર લઇને આવ્યો હતો. આ યુવકે બાંધકામ સાઇટ ઉપરથી રૂા.7700ની કિંમતની બીમ-કોલમ ભરવાની લોખંડની રીંગોની ચોરી કરી હતી.
આ રીંગોને કારમાં જ મુકીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. અજાણ્યો કાર લઇને ઇચ્છાપોર તરફ જઇ રહ્યો હતો ત્યારે બાંધકામ સાઇટ ઉપરથી અડધા કિલોમીટરના અંદરે જ કારને અકસ્માત નડ્યો હતો. કાર ડિવાઇડર સાથે ભટકાતા મોટેથી અવાજ આવ્યો હતો. જ્યાં જઇને ચિરાગભાઇએ તપાસ કરતા ગાડીમાં આમથી તેમજ લોખંડની રીંગો મળી આવી હતી. બનાવ અંગે ચિરાગભાઇએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ચોરીનો ગુનો નોંધી સેવરોલેટ ગાડી કબજે લીધી હતી જ્યારે ચોરને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
અડાજણમાં પાલિકાના આવાસની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૧૦ ઝડપાયા : 1.26 લાખનો મુદ્દામાલ કબજે
સુરત : અડાજણમાં આવેલા સંતતુકારામ સોસાયટીમાં મનપા આવાસમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 10 જુગારીને પોલીસે પકડી પાડ્યા હતા અને તેઓની પાસેથી રૂા.1.26 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ અડાજણ પોલીસના સ્ટાફે પાલનપુર જકાતનાકા પાસે સંત તુકરામ સોસાયટી વિભાગ-૬ નજીક સુરત મહાનગરપાલિકાના આવાસમાં રેડ પાડી હતી. જ્યાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા જીગ્નેશ લોટન સૈîદાણે, શંકર સુભાષસિંગ રાજપુત, પાર્થ કિરીટ ઠક્કર, અર્જુનદાસ કેસુમલ ખત્રી, લાલચંદ જગદીશ ડીડવાણી, ખેમચંદ ટેકચંદ લાલવાણી, મનોજ જગદીશ ચૌહાણ, રાજેશ હીરામન ખંડારે, પુરુષોત્તમ દિલીપકુમરા ભોજવાણી અને ગોવિંદ સેવકરામ પંજવાણીને પકડી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી અંગઝડતી તેમજ દાવપરના રોકડા રૂા.5550 તેમજ 10 મોબાઇલ મળી કુલ્લે રૂા.1.26 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે તમામની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે.