સુરતઃ (Surat) સુરત શહેરમાં છેલ્લા મહિનાથી ઓક્સિજનને (Oxygen) લઈ ભારે મારામારી સર્જાઈ હતી. અધિકારીઓને કંપનીઓના ગેટ ઉપર દબંગ બનીને ઓક્સિજનના ટેન્કરો રોકી રાખવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી સ્થિતિ ધીમે ધીમે થાળે પડી છે. આજે શહેરમાં 175 મેટ્રિક ટન ઓક્સિજનની ડિમાન્ડ (Demand) સામે 173 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય (Supply) મળ્યો હતો. એટલે કે માંગની સામે લગભગ લગભગ સપ્લાય સરભર રહ્યો હતો.
મળતી માહિતી મુજબ શહેરમાં કોરોના ગંભીર દર્દીઓની સંખ્યા વધતા ઓક્સિજનની ભારે અછત સર્જાઈ હતી. શહેર સિવાય આસપાસના જિલ્લાઓમાંથી જેટલો મંગાવી શકાય એટલો ઓક્સિજન સપ્લાય પૂરો પાડવા તંત્ર કામે લાગ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલમાં તો ઓક્સિઝન પ્લાન્ટ પણ ઊભો કરી દેવાો છે. તેમ છતાં ઓક્સિજનના ડિમાન્ડ સામે પહોંચી વળવું અઘરું બન્યું હતું. આ સમયગાળા દરમિયાન કેટલાક અધિકારીઓને શહેરના હીત માટે દબંગ બનીને કંપની બહાર ઓક્સિજનના ટેન્કરો રોકવાની ફરજ પડી હતી. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ગંભીર દર્દીઓની સંખ્યા ઘટતા ઓક્સીજન ડીમાન્ડમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જ્યાં 15 દિવસ પહેલા 235 મેટ્રિક ટન ઓક્સિજનની માંગ હતી તે ઘટીને આજે માત્ર 175 મેટ્રીક ટનની રહેવા પામી છે. આજે શહેરમાં 175 મેટ્રિક ટન માંગ સામે ૧૭૩ મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય પૂરો પાડવામાં આવ્યો હતો. આગામી ત્રણ-ચાર દિવસમાં જો બહારથી આવી રહેલા ગંભીર દર્દીઓની સંખ્યા પણ ઘટી તો માંગણી સામે સપ્લાય વધારે રહે તેવી આશા સેવાઈ રહી છે.
ગુરૂવારે શહેરમાં 1949 દર્દીઓ સાજા થયા
સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો અને સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં દર્દીઓના રીકવરી રેટમાં ફરીવાર વધારો થઈ રહ્યો છે. પરંતુ સંક્રમણ ઘટતા, શહેરીજનોએ બિંદાસ્ત થવાની જરૂર નથી. તંત્ર દ્વારા લોકોને કોવિડની તમામ ગાઈડલાઈનનું પાલન કરવા માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. શહેરમાં વધુ 1039 દર્દી નોંધાવાની સાથે કુલ આંક 98,464 પર પહોંચ્યો છે. તેમજ વધુ 9 મોત સાથે કુલ મૃત્યુઆંક 1479 પર પહોંચ્યો છે. તેમજ ગુરૂવારે શહેરમાં 1949 દર્દીઓ સાજા થવાની સાથે અત્યારસુધીમાં કુલ 84,078 દર્દીઓ સાજા થયા છે અને રીકવરી રેટ વધીને 85.38 ટકા પર પહોંચ્યો છે.
- કયા ઝોનમાં કેટલા કેસ
- ઝોન કેસ
- સેન્ટ્રલ 79
- વરાછા-એ 76
- વરાછા-બી 94
- રાંદેર 258
- કતારગામ 125
- લિંબાયત 81
- ઉધના 76
- અઠવા 250