સુરત : સુરત (Surat) અમરોલીની જે.ઝેડ શાહ કોલેજમાં (College) એસ.વાય. બી.કોમ સેમેસ્ટર-4 ની પરીક્ષામાં (Exam) બી.એ- બી.કોમના બદલે બેન્કિંગ વિષયનું પેપર વિદ્યાર્થીઓને (Students) આપવામાં આવ્યું હોવાને લઈ ભારે હોબાળો થયો હતો. વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના (VNSGU) સેનેટ સભ્ય ભાવેશ રબારીના ગંભીર આક્ષેપ બાદ ચર્ચાનો વિષય બન્યો છે. હાલ યુનિવર્સિટીની ચાલી રહેલી પરીક્ષા દરમિયાન એક દિવસ અગાઉ બેન્કિંગનું પેપર ખોલી નાંખવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાતા વિદ્યાર્થીઓ પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે. સમગ્ર બાબતે તપાસ કરવા યુનિવર્સિટીના કુલપતિને ફરી ફરિયાદ કરાઈ છે.
ભાવેશ રબારી (સેનેટસભ્ય) એ જણાવ્યું હતું કે, મારા ધ્યાન પર આ વાત આવતા જ તપાસ કરવા કુલપતિને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. અગાઉ પણ એમ.ટી. બી. કોલેજ સહિતની અન્ય કોલેજમાં પણ આ પ્રકારની ઘટના બની ચુકી છે. બેન્કિંગ વિષયનું પેપર કઈ રીતે ખુલ્યું છે તેની યોગ્ય રીતે તપાસ કરી કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
વધુમા જણાવ્યું હતું કે ચોક્કસથી પેપર બદલી નાખવામાં આવ્યું છે. આ પહેલા વાડિયા વિમેન્સ કોલેજના આચાર્ય દ્વારા પણ આ પ્રકારે માહિતી છુપાવવામાં આવી હતી. પેપર ખુલી જવાની ઘટના બને તો યુનિવર્સિટીના તાત્કાલિક ધોરણે જાણ કરવા માટે અગાઉ સૂચના આપવામાં આવી હતી. આજનું બેન્કિંગ વિષયનું પેપર બદલીને મોકલવામાં આવ્યું હોઈ શકે એવું લાગી રહ્યું છે. સમગ્ર બાબતની તપાસ થાય તો સમગ્ર હકીકત સામે આવી શકે છે
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમરોલીની કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટેલીફોનિક આ બાબતની જાણ કરવામાં હતી. બીજી કોઈ કોલેજમાં આ પ્રકારે ઘટના હજી બની છે કે નહીં એ તપાસ નો વિષય છે. દક્ષિણ ગુજરાતની તમામ કોલેજોમાં પ્રશ્નપત્ર એક સરખા હોય છે. ચોક્કસથી ક્યાંય ને ક્યાંય પેપર બદલવામાં આવ્યું છે. જો પેપર બદલવામાં આવ્યું નથી તો ચોક્કસથી પેપર ફૂટી ગયું છે. જો પેપર ખુલી ગયું છે તો ફૂટી ગયું હોય એ વાત ને નકારી શકાય નહીં. જેની યોગ્ય તપાસ થવી જોઈએ એવી માંગ સાથે યુનિવર્સિટીના કુલપતિને લેખિતમાં આપ્યું છે.