સુરત: (Surat) સુરતમાં રવિવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઓડીટોરીયમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે સુરત મહાનગપાલિકા તથા સુડાના રૂ.217.25 કરોડના વિકાસકામોનું લોકાર્પણ (Inauguration) ખાતમુહૂર્ત કરાયું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના (ફેઝ 3-4-5) અંતર્ગત EWS-II ટાઈપના કુલ 4888 આવાસોની ફાળવણી અંગેનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરાયો હતો. અંદાજીત રૂ.64.66 કરોડના ખર્ચે સાકારિત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો-દુકાનો, ભૂગર્ભ ટાંકી, આંગણવાડી અને સિવિક સેન્ટર સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ કરાયુ હતું. આ ઉપરાંત વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજીત રૂ.133.22 કરોડના ખર્ચે સાકારિત થનાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસો, દુકાનો, ફાયર સ્ટેશન તથા ફાયર સ્ટાફ ક્વાટર્સ, ખાડીબ્રિજ, સ્ટોર્મ ડ્રેનેજ લાઈન અને વરસાદી ગટરલાઈન નાંખવા સહિતના વિવિધ પ્રકલ્પોનું સીએમના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.
આ પહેલા સવારે કડકડતી ઠંડીની વચ્ચે ‘ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત સાયક્લોથોન’ સ્પર્ધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. 7500થી વધુ સુરતીલાલાઓ ઉત્સાહભેર આ સ્પર્ધામાં જોડાયા હતા. જોકે ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત સાયક્લોથોન સ્પર્ધામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા કોરોના લાઈડલાઈન્સના ધજાગરા ઊડ્યા હતા. આ સાથે મોટા ભાગના લોકો માસ્ક વગર નજરે પડ્યા હતા. સ્ટેજ પર હાજર કેટલાક મંત્રીઓ પણ માસ્ક વગર દેખાયા હતા. શહેરના વેસુ વિસ્તારમાં તૈયાર કરાયેલી 2.5 કિ.મી. લાંબા નવનિર્મિત જોગીંગ ટ્રેકની પણ મુખ્યમંત્રીએ જાત મુલાકાત લીધી હતી. ભગવાન મહાવીર કોલેજ ખાતે 10 અને 30 કિ.મી.ના રૂટ પર યોજાયેલી સાયક્લોથોનમાં વિવિધ સાયકલ ગ્રુપો, પોલીસ જવાનો, મહાનગર પાલિકાના કર્મયોગીઓ, હજારો સાયકલ સવારોએ ઉત્સાહભેર જોડાયા હતા.
બીજી તરફ દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણતાના અવસરે દેશભરમાં ઉજવાઈ રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે દેશની પ્રગતિ અને પ્રકૃત્તિમાં મહત્વનું યોગદાન આપતી નદીઓનું ગૌરવગાન અને સન્માન કરવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુરતના સિંગણપોર વિયર કમ કોઝવે ખાતે રાજ્યકક્ષાનો “નદી ઉત્સવ” યોજાયો હતો. તાપી નદીના તટેથી આજે રાજ્યવ્યાપી ‘નદી ઉત્સવ’નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તાપી નદી પર ઝડપભેર રિવરફ્રન્ટનું નિર્માણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાતને ગ્રીન કવરથી આચ્છાદિત કરવા તેમજ ઉદ્યોગો દ્વારા ટ્રીટેડ વોટર જ નદીઓમાં છોડવામા આવે તે દિશામાં રાજ્ય સરકાર નક્કર આયોજન કરશે. મુખ્યમંત્રીએ ‘નદી ઉત્સવ’ નદીઓના કિનારે વિસરાયેલી ભવ્ય સંસ્કૃતિને સજીવન કરવાનો પ્રયાસ હોવાનું જણાવ્યું હતુ.