SURAT

ગ્રીષ્મા હત્યા કેસ: ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર માત્ર પાંચ જ દિવસમાં આરોપી સામે ચાર્જશીટ

સુરત: (Surat) સમગ્ર ગુજરાતના (Gujarat) ઇતિહાસમાં હત્યાના કેસમાં સૌપ્રથમવાર આરોપીની ધરપકડ થયાના માત્ર પાંચ જ દિવસમાં પોલીસે આરોપી સામે ચાર્જશીટ (Chargesheet) તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી છે. પાસોદરા ગામમાં ગ્રીષ્માના હત્યા (Grishma Murder) કેસમાં કામરેજ પોલીસે ફેનિલની સામે 2500 પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે જેમાં 190 સાક્ષી તેમજ 188 જેટલા દસ્તાવેજી પુરાવા છે.

  • કામરેજ પોલીસે 2500 પાના, 190 સાક્ષી અને 188 દસ્તાવેજી પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરી
  • ગુજરાતના ઇતિહાસમાં હત્યાના કેસમાં સૌપ્રથમવાર આરોપીની ધરપકડ થયાના માત્ર પાંચ જ દિવસમાં પોલીસે આરોપી સામે ચાર્જશીટ તૈયાર કરી
  • આગામી દિવસમાં આરોપી સામે ચાર્જફ્રેમ કરીને ખુબ જ ટૂંક સમયમાં જ આરોપીને સજા થાય તેવા પ્રયાસો કરાશે : નયન સુખડવાલા

પ્રાપ્ત વિગતો મુજબ એકતરફી પ્રેમમાં પાગલ કાપોદ્રાના વતની ફેનિલ પંકજલાલ ગોયાણી (ઉ.વ.20)એ પાસોદરા ગામમાં રહેતી ગ્રીષ્માની પાછળ પડીને તેને પ્રેમ કરવા માટે મજબૂર કરી તેની હત્યા કરી નાંખી હતી. ફેનિલે ગ્રીષ્માની સરાજાહેર ગળુ કાપીને હત્યા કરી નાંખી હતી. આ ઘટના તા.12-02-2022ના રોજ બની હતી, આ વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો અને તા. 16મી ફેબ્રુઆરીએ ફેનિલની ધરપકડ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તા. 19 ફેબ્રુઆરીએ ફેનિલને ફરી કોર્ટમાં રજૂ કરીને જેલમાં મોકલી દેવાયો હતો.

ફેનિલની ધરપકડના પાંચ દિવસમાં જ એટલે કે તા. 21 ફેબ્રુઆરીએ પોલીસે ફેનિલની સામે 2500 પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી હતી. હત્યાના કેસમાં ગુજરાતમાં સૌપ્રથમવાર માત્ર પાંચ જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરાઈ હોય તેવો કિસ્સો બન્યો છે. ફેનિલની સામે 2500 પાનાની ચાર્જશીટમાં 23 પંચનામા કરવામાં આવ્યા છે, 190 સાક્ષીઓ છે, 188 દસ્તાવેજી પુરાવા છે. આ ઉપરાંત ડાયરેક્ટ પુરાવા, ઇજાગ્રસ્ત વ્યક્તિનો પુરાવો, મેડીકલ અને સીસીટીવીનો પુરાવો, વીડિયો ફૂટેજ, ઘટના પહેલાની ઓડિયો ક્લીપ અને ઘટના બાદની ઓડિયો ક્લીપનો પુરાવો રજૂ કરવામાં આવ્યો હતો. આ અંગે માહિતી આપતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, આરોપી ફેનિલની સામે આગામી ટૂંક સમયમાં જ ચાર્જફ્રેમ કરીને ઝડપથી કેસની કાર્યવાહી શરૂ કરાશે અને વહેલીતકે કેસ પુરો થાય અને ગ્રીષ્માને ન્યાય મળે તેવા પ્રયાસો કરાશે.

Most Popular

To Top