સુરત: (Surat) સુરતના સિંગણપોર ચાર રસ્તા પાસે આગની (Fire) ઘટના સામે આવી છે. આગમાં લગભગ 30 જેટલો લોકો ફસાયા હતા જેઓને રેસ્ક્યુ કરાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે. ડભોલી વિસ્તારમાં ડિવાઇન સેન્ટરના ત્રીજા માળે આગ લાગી હતી. જ્યાં આગ લાગી ત્યાં ત્રીજા માળે વિદ્યાર્થીઓ માટેની લાયબ્રેરી ચાલતી હતી જેમાં લગભગ 17 વિદ્યાર્થીનીઓ ફસાઈ હતી. આગ બિલ્ડિંગના (Building) બેઝમેન્ટમાં લાગી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર વિભાગે બચાવ કામગીરી માટે હાઇડ્રોલિક સીડીની મદદ લીધી હતી. જેના દ્વારા લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. મળતી માહિતી અનુસાર 17 જેટલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ (Rescue) કરવામાં આવ્યું છે. આગની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાના સમાચાર મળ્યા છે. આગ શોર્ટસર્કિટને કારણે થઈ હોવાનું જાણવા મળ્યું છે.
સિંગણપોર ચાર રસ્તા ડિવાઈન સેન્ટરમાં ડિવાઈન ટ્રસ્ટની લાયબ્રેરી આવેલી છે. વિદ્યાર્થીઓને વાંચવા માટે આ લાયબ્રેરી છે. જેમાં 15 થી 17 છોકરીઓ વાંચન કરી રહી હતી. ઉપરાંત પહેલા અને બીજા માળે ઓનલાઈન વસ્તુઓ વેચતું સેન્ટર ચાલી રહ્યું હતું. આગ બેઝમેન્ટમાં લાગી હોવાથી તેનો ધુમાડો ત્રીજા માળ સુધી પહોંચી ગયો હતો. જેથી ત્યાં હાજર લોકોને ગુંગળામણ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવ બનતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી દેવાઇ હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી કરી આગ પર કાબૂ મેળવી લીધો છે. જો ફાયરની ટીમ સમયસર ન પહોંચી હોત અને સમયસર બચાવ કામગીરી ચાલુ ન કરી હોત તો તક્ષશિલા જેવો ઘાટ સર્જાયો હોવાનું પણ ઘટના સ્થળે ચર્ચાઈ રહ્યું હતું.
ઘટનાની જાણ થતાજ સુરત પોલીસના અધિકારીઓ, પાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ તેમજ મેયર ઘટના સ્થળે દોડી ગયા હતા. બિલ્ડિંગમાં ફસાયેલી વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે જો ફાયર બ્રિગેડ આવવામાં સહેજ પણ મોડું કરતે તો તેઓના જીવને જોખમ થવાની શક્યતા હતી. કારણકે સમગ્ર બિલ્ડિંગમાં ધૂમાડાના ગોટેગોટે સર્જાયા હતા. જેને કારણે વિદ્યાર્થીનીઓ અને આગમાં ફસાયેલા લોકોને ગુંગળામણનો અનુભવ થવા લાગ્યો હતો. પરંતુ પરિસ્થિતિ વધુ વકરે તે પહેલા ફાયરના જવાનોએ આગને કાબૂ કરવાની સાથે ફસાયેલા લોકોનો સમયસર રેસ્ક્યુ કરી લીધું હતું. પાલિકાના હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી વિદ્યાર્થીનીઓને બચાવાઈ હતી.