સુરત: (Surat) શહેરમાં એક તરફ એક વર્ગ તમામ સવલત ભોગવી રહ્યો છે. બીજી તરફ આજ શહેરમાં ગરીબાઇ એટલી હદે છે કે ચાલીસ રૂપિયા (Rupees) વાપરવા નહીં મળતા ધોરણ 7માં ભણતો બાળક (Child) માસૂમિયતમાં પોતાનું ઘર છોડીને ચાલ્યો ગયો હતો. આલુપુરી વેચીને ગુજરાત ચલાવતો પરિવાર હાલમાં દિકરાને શોધવા એક સ્થળેથી બીજા સ્થળે આંટાફેરા મારી રહ્યા છે. બાળકને ઘર છોડ્યે 10 દિવસ થઈ ગયા છે. પોલીસ (Police) શોધખોળ કરી રહી છે.
સુરતમાં નાની નાની બાબતોમાં યુવાનો અને ટીનએજર્સ દ્વારા ઘર છોડવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. બે દિવસ પહેલા પિતા દ્વારા અભ્યાસ બાબતે ઠપકો આપતા 11માં ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીનીએ ઘર છોડી દીધું હતું. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતા એક કિશોરે ફક્ત એટલા માટે ઘર છોડી દીધું કારણકે તેની માતાએ તેને 40 રૂપિયા આપ્યા ન હતા.
મામલાની વિગત એવી છે કે સુરતના સલાબતપુરા વિસ્તારમાં આલુપુરીનુ વેચાણ કરતી મા પાસે અગિયાર વર્ષના દિકરા દ્વારા વાપરવા માટે રૂપિયા માંગવામાં આવ્યા હતા. આલુપુરી બનાવીને પોતાના ઘરનુ ગુજરાન ચલાવતી માએ આ માટે નાણા નહીં હોવાનુ જણાવતા 11 વર્ષના દિકરાને માઠુ લાગી ગયુ હતુ. તેથી તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો. કિશોર ઘર છોડીને ચાલ્યો જતા આ મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે મુસરત બાનુ (રહેવાસી સલાબતપુરા, સાબીર એપાર્ટમેન્ટ) દ્વારા ફરિયાદ લખાવવામાં આવી હતી કે તા 9 નવેમ્બરના રોજ તેના દિકરાએ તેની પાસે ચાલીસ રૂપિયા માંગ્યા હતા. તેનો દિકરો અંજૂમન સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરે છે. તેમના પતિ વાસણ માંજવાનુ કામ કરે છે. દરમિયાન દિકરાને વાપરવા પૈસા નહીં આપતા તે છેલ્લા દસ દિવસથી લાપતા છે.