SURAT

મોજશોખની લતમાં યુવકે પોતાનો ધંધો તો ડૂબાડ્યો સાથે સુરતના વેપારીઓનું પણ કરોડોનું કરી નાંખ્યું

સુરત (Surat) : અમરોલીના રઘુવીર ચોકડી પાસે મહાવીરનગર સોસાયટીમાં રહેતા આનંદ દિનેશકુમાર લાખાણી બે-ત્રણ વર્ષ પહેલા સુરતમાં રહેવા માટે આવ્યો હતો. અહીં તેને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ (Electronics Items) ખરીદ કરીને સસ્તા ભાવે વેચી દેવાનું શરૂ કર્યું હતું. આનંદે સુરતના વેપારીઓની પાસેથી અંદાજે દોઢ કરોડની કિંમતના એસી, ફ્રિજ, વોશીંગ મશીન, એલઇડી ટીવી ખરીદ કરીને આઠ દિવસમાં જ પેમેન્ટ (Payment) આપી દેવા માટે કહ્યું હતું. આનંદે આ દોઢ કરોડની કિંમતનો માલ બારોબાર સસ્તામાં વેચી દઇને ઠગાઇ (Cheating) કરી ફરાર (Escape) થઇ ગયો હતો. આ મામલે આનંદની સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ (Complaint) નોંધાઇ હતી.

હાલમાં ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતા તેઓએ આનંદ લાખાણીને દબોચી લીધો હતો. પોલીસના કહેવા પ્રમાણે આનંદ શરૂઆતમાં લાકડાના વેપાર સાથે સંકળાયેલો હતો, સાથે તે મોજશોખ કરવા માટે પણ ઉસ્તાદ હતો. વેપારના જે રૂપિયા આવતા હતા તે મોજશોખમાં વાપરી નાંખતો હતો અને આવી રીતે લાખો-કરોડો રૂપિયાનું દેવું કરી નાંખ્યું હતું. આનંદે દેવુ ચૂકતે કરવા માટે ‘ઇસકી ટોપી ઉસકે સર’ની કહેવતની માફક એક વેપારી પાસેથી લઇને બીજા વેપારીને પધરાવી દેતો હતો, સુરતમાં દોઢ કરોડની ઠગાઇ કરીને પણ આનંદ લાખાણી કચ્છના અંજારમાં ચાલ્યો ગયો હતો અને ત્યાં ફરીવાર લાકડાના ડેન્સામાં નોકરી કરવા લાગ્યો હતો. સુરત આવતાની સાથે જ પોલીસે તેની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે.

વેસુના વીઆઈપી રોડ પર સસ્તી મિલકત અપાવવાના બહાને કરોડોનું ચિટીંગ
અડાજણ ખાતે કરણ પાર્કમાં રહેતા 62 વર્ષીય ગ્યાનચંદ બજરંગલાલ જૈન રાજસ્થાનના વતની છે. તેમનો પુત્ર રોહિત ઇચ્છાપોર ખાતે પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરી ચલાવે છે તેમના જ સમાજના ઉપવન ઉર્ફે બંટી પવનકુમાર જવાહરલાલ જૈન (રહે.-ફ્લેટ નં.સી-૧૨૦૨, કિંગસ્ટોન એપાર્ટમેન્ટ, ગ્રીનસિટીની સામે, પાલ)એ વિશ્વાસ કેળવ્યો હતો. તેણે ‘મેરે પાસ વી.આઇ.પી. રોડ પે સસ્તે મે દલાલ ઘનશ્યામભાઇ રાખોલિયા કે થ્રુ એક ઓફિસ ઔર દુકાન આઇ હૈ આપ કે પાસ પૈસા પડા હો તો ઇસમે ઇન્વેસ્ટમેન્ટ કિજીયે, આપ કા પૈસા એક દો સાલ મે ડબલ હો જાયેગા’ તેવી વાતો કરી હતી. તેની વાતમાં આવીને વી.આઇ.પી.રોડ પર આવેલા વી.આઇ.પી.પ્લાઝામાં ઓફિસ નં.-એસ-૬,ની ખરીદી કરવા માટે જણાવ્યું હતું. તે રીતે જુદી જુદી ચાર મિલકતોના દસ્તાવેજો અલગ અલગ તારીખે બનાવડાવી તે મિલ્કતના અવેજ પેટે જ્ઞાનચંદ પાસેથી સપ્ટેમ્બર-2019 થી ડિસેમ્બર 2021 સુધીમાં કુલ 3.66 કરોડની રકમ લીધી હતી. આ મિલકતનો કબજો લેવા જતા તે અસલ માલિકો પાસે જ હોવાનું જાણવા મળ્યું હતું. એટલે કે જ્ઞાનચંદભાઈને જે દસ્તાવેજો કરી આપ્યા હતા તે ખોટા નામે તથા બનાવટી દસ્તાવેજો હોવાનું સામે આવ્યું હતું. તથા જે આરોપીએ બેંક ખાતામાં નાણાં લીધા તે બેંક ખાતા પણ ખોટા બનાવી નાણાં મેળવી લઇ વેપારી સાથે છેતરપિંડી કરાઈ હતી. આ અંગે તેમના દ્વારા ઇકો સેલમાં અરજી કરવામાં આવી હતી. જેના આધારે તપાસ કરી અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

Most Popular

To Top